સેન્સેક્સમાં ૭૪૨ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી ૧૯,૬૦૦ની ઉપર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર એક દિવસના વિરામ બાદ ફરી જોમમાં આવ્યું છે. અમેરિકાના ફુગાવાના સાનુકૂળ ડેટા પાછળ વૈશ્ર્વિક બજારોમાં તેજી વચ્ચે બુધવારના સત્રમાં બેન્ચમાર્ક ફરી ઇક્વિટી બેન્ચમાર્ક ઊછળ્યા હતા. સેન્સેક્સ ૭૪૨ પોઈન્ટ ઊછળ્યો હતો અને ઓક્ટોબર ૨૦૧૯ પછી પ્રથમ વખત નિફ્ટી ૧૯,૬૦૦થી ઉપર ગયો છે. સત્રને અંતે સેન્સેક્સ ૭૪૨.૦૬ પોઈન્ટ અથવા ૧.૧૪ ટકા વધીને ૬૫,૬૭૫.૯૩ના સ્તરે અને નિફ્ટી ૨૩૧.૯૦ પોઈન્ટ અથવા ૧.૧૯ ટકા વધીને ૧૯,૬૭૫.૪૫ પર પહોંચ્યો હતો.
આઇશર મોટર્સ, ટેક મહિન્દ્રા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને ઇન્ફોસિસ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ લૂઝર્સની યાદીમાં હતા. સેન્સેક્સ કંપનીઓમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, વિપ્રો, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એચસીએલ ટેક્નોલોજીસ અને એક્સિસ બેન્ક ટોપ ગેઈનર્સ હતા. જ્યારે પાવર ગ્રીડ, નેસ્લે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એશિયન પેઈન્ટ્સ ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં સામેલ હતા.
કોર્પોરેટ પરિણામની મોસમ જોરમાં ચાલી રહી છે. મેડિકલ પ્રોડક્ટ્સના માર્કેટિંગ અને વિતરણ તથા મેડિકલ એજ્યુકેશનલ સર્વિસિસમાં વ્યસ્ત ક્યુએમએસ મેડિકલ એલાઈડ સર્વિસિસ લિમિટેડે વર્ષ ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૪.૭૩ ટકાના વધારા સાથે રૂ. ૫૪.૮૦ કરોડની કુલ આવક અને ૯૮.૩૬ ટકાના વધારા સાથે રૂ. ૯.૭૫ કરોડ એબિટા તથા ૧૭.૭૯ ટકા એબિટા માર્જિન નોંધાવ્યું છે. ચોખ્ખો નફો ૧૧૭.૮૯ ટકાના વધારા સાથે રૂ. ૫.૦૨ ટકા અને પીએટી માર્જિન ૯.૧૬ ટકા રહ્યું છે.
કર્ણાટક રાજ્યમાં સિમેન્ટ અને સોલાર પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશનના ઉત્પાદન સાથે સંકળાયેલી શ્રી કેશવ સિમેન્ટ એન્ડ ઇન્ફ્રા લિમિટેડેે નાણાકીય વર્ષ ૨૪ના બીજા ત્રિમાસિકના અનઓડિટેડ નાણાકીય પરિણામમાં કુલ આવક રૂ. ૨૫.૭૬ કરોડ, એબિટા રૂ. ૭.૯૫ કરોડ, એબિટા માર્જિન માર્જિન ૩૦.૮૪ ટકા નોંધાવ્યું છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૦.૦૭ કરોડ અને શેર દીઠ કમાણી રૂ. ૦.૦૫ રહી છે.
બ્રાઇટ સ્ટીલ બાર અને વાયર્સની વિશાળ શ્રેણની ઉત્પાદક મેઇડન ફોર્જિંગ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામમાં ૭.૦૪ ટકાના વધારા સાથે રૂ. ૧૧૬.૨૯ કરોડની કુલ આવક, ૧૧.૭૨ ટકાના વધારા સાથે રૂ.૧૧.૨૯ કરોડ એબિટા અને ૯.૭૧ ટકાનું એબિટા માર્જિન નોંધાવ્યું છે. કરવેરા બાદનો નફો રૂ. ૪.૧૮ કરોડ રહ્યો છે જે ૧.૧૯ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. ચોખ્ખા નફાનું માર્જિન ૩.૫૯ ટકા રહ્યું છે.
રોડ અને રેલ કાર્ગો માટે એકીકૃત લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પૂરા પાડનાર અગ્રણી કંપનીઓ પૈકીની એવીજી લોજિસ્ટિક્સ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૫.૦૯ ટકાના વધારા સાથે રૂ. ૨૧૮.૭૩ કરોડની કુલ આવક, ૨૨.૮૩ ટકાના વધારા સાથે રૂ. ૪૦.૩૭ કરોડ એબિટા અને ૧૮.૪૬ ટકા એબિટા માર્જિન નોંધાવ્યું છે. કરવેરા બાદનો નફો રૂ. ૪.૨૫ કરોડ રહ્યો છે જે ગયા વર્ષના સમાન ગાળા સામે ૩૨૬.૦૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પ્રત્યેક ૧ ટકા વધ્યા હતા. તમામ ક્ષેત્રીય સૂચકાંકો કેપિટલ ગુડ્સ, ઓટો, મેટલ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી એકથી ત્રણ ટકાના ઉછાળા સાથે ગ્રીન જોનમાં પહોંચ્યા હતા. એશિયન બજારોમાં, સિઓલ, ટોકિયો, શાંઘાઈ અને હોંગકોંગ સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે યુએસ બજારો નોંધપાત્ર ઉછાળા સાથે બંધ થયા હતા.
ઓક્ટોબર યુએસ ફુગાવાના ડેટા શેરબજાર માટે ગેમ ચેન્જર છે. ઓક્ટોબરના ૩.૨ ટકા ફુગાવાનું સ્તર, અપેક્ષા કરતા ઘણું નીચું છે. વધુ મહત્વની વાત એ છે કે, કોર ફુગાવામાં મહિના-દર-મહિના ધોરણે માત્ર ૦.૨ ટકાનોવધારો છે, જે ભારે પોઝીટીવ બાબત હોવાનું જણાવતાં જિયોજીત ફાઇનાન્સિયલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે કહ્યું હતું કે, આ આંકડાઓમાંથી એવો નિષ્કર્ષ નીકળે છે કે ફેડ દ્વારા દરમાં વધારો કરવામાં આવ્યો છે અને ૨૦૨૪માં રેટ કટની સમયરેખા ઘટવાની થવાની સંભાવના છે. યુએસ બજારોમાં તીવ્ર રિકવરી ભારતમાં પણ પ્રતિબિંબિત થશે. ભારતમાં સીપીઆઈ ફુગાવામાં ઘટાડો એ પણ સાનુકૂળ પરિબળ છે. દરમિયાન વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૩ ટકા વધીને ૮૨.૭૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે રૂ. ૧,૨૪૪.૪૪ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. હિન્દુ નવું વર્ષ, દિવાળી બલિપ્રતિપદા નિમિત્તે મંગળવારે ઇક્વિટી બજારો બંધ રહ્યા હતા. સોમવારે બેન્ચમાર્ક ૩૨૫.૫૮ પોઈન્ટ અથવા ૦.૫૦ ટકા ઘટીને ૬૪,૯૩૩.૮૭ પર સેટલ થયો હતો. નિફ્ટી ૮૨ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા ઘટીને ૧૯,૪૪૩.૫૫ પર આવી ગયો હતો. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૩.૭૭ ટકા, ટાટા મોટર્સ ૨.૮૪ ટકા, ઈન્ફોસિસ ૨.૬૯ ટકા, વિપ્રો ૨.૫૪ ટકા અને ટાટા સ્ટિલ ૨.૫૨ ટકા વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૧.૮૪ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૦૫ ટકા અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૯૭ ટકા ઘટ્યા હતા.