શેર બજાર

ગૂડીપડવાના શુકને ૭૫,૦૦૦ની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવ્યા બાદ સેન્સેક્સ નેગેટિવ ઝોનમાં લપસી પડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારની શરૂઆત જોરદાર તેજી સાથે થઇ હતી અને સેન્સેક્સે લગભગ ૪૦૦ પોઇન્ટના ઊંચા ગેપ સાથે ખૂલતા સત્રમાં જ પ્રથમ વખત ઐતિહાસિક ૭૫,૦૦૦ની સપાટી વટાવી નાંખી હતી, જ્યારે નિફ્ટીએ પણ ઇન્ટ્રા-ડે નવું શિખર નોંધાવ્યું હતું, જોકે ત્યાર પછી મંગળવારે પ્રોફિટ બુકિંગના મારા વચ્ચે બેનં બેન્ચમાર્ક ઇન્ડેક્સ સાધારણ ઘટાડા સાથે નેગેટીવ ઝોનમાં સરી પડ્યા હતા.

રેકોર્ડ બ્રેકિંગ રેલી પર બ્રેક લગાવતા સેન્સેક્સ સત્રને અંતે ૫૮.૮૦ પોઈન્ટ અથવા ૦.૦૮ ટકા ઘટીને ૭૪,૬૮૩.૭૦ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૩૮૧.૭૮ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકા વધીને ૭૫,૧૨૪.૨૮ની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૨૩.૫૫ પોઈન્ટ અથવા ૦.૧૦ ટકા ઘટીને ૨૨,૬૪૨.૭૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૧૦૨.૧ પોઈન્ટ અથવા ૦.૪૫ ટકા વધીને ૨૨,૭૬૮.૪૦ની વિક્રમી ટોચે પહોંચ્યો હતો.

સેન્સેક્સ બાસ્કેટમાંથી, ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને આઇટીસી ટોપ લુઝર શેર બન્યા હતા. આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, બજાજ ફાઇનાન્સ, નેસ્લે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરો ટોપ ગેઇનર્સની યાદીમાં હતાં.

મૂડી બજારમાં હલચલ ચાલુ રહી છે. રિફાઈન્ડ રાઇસ બ્રાન ઓઈલના ઉત્પાદક અને વિતરક નાગપુર સ્થિત રામદેવબાબા સોલવન્ટ લિમિટેડ ૧૫ એપ્રિલ, ૨૦૨૪ના રોજ પ્રારંભિક જાહેર ઓફર સાથે મૂડીબજારમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે. કંપનીનું લક્ષ્ય આ આઇપીઓ દ્વારા અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. ૫૦.૨૭ કરોડ એકત્ર કરવાની છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૮૦થી ૮૫ નક્કી થઇ છે. શેર એનએસઇ ઇમર્જ પર લિસ્ટ થશે, માર્કેટ લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેર છે.

કોર્પોરેટ હલચલમાં બ્રાઈટ સ્ટીલ બાર અને વાયરની વિશાળ શ્રેણીના અગ્રણી ઉત્પાદકોમાંની એક મેઈડન ફોર્જિંગ્સ લિમિટેડે જાણ કરી છે કે ખાસ કરીને બંદૂકો અને બોમ્બ ફેક્ટરી આઇટમ્સની જોગવાઈ માટે, ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડમાં સપ્લાયર તરીકે સત્તાવાર રીતે પસંદગી થઇ છે. ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડમાં સપ્લાયર તરીકે કંપનીની નોંધણી આપોઆપ નવીકરણ સાથે પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશેે.

એશિયન બજારોમાં, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ સકારાત્મક ક્ષેત્રમાં સ્થાયી થયા હતા જ્યારે સિયોલ નીચા સ્તરે બંધ થયું હતું. યુરોપિયન બજારો મોટે ભાગે નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. વોલ સ્ટ્રીટ સોમવારે મિશ્ર નોંધ પર સમાપ્ત થઈ. બુધવારે જાહેર થનારા મુખ્ય યુએસ ફુગાવાના ડેટા અગાઉ સાવચેતીના માનસ વચ્ચે શરૂ થયેલા પ્રોફિટ બુકિંગને કારણે ભારતીય શેરબજારમાં ખૂલતા સત્રમાં જોવા મળેલો ઉછાળો દોવાઇ ગયો હતો અને બંને બેન્ચમાર્કે નોંધાવેલી સર્વકાલિન ઊંચી સપાટી પમ ગુમાવી હતી. રોકાણકારોની નજર અમેરિકન ફેડરલ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગેની જાહેરાત પર મંડાયેલી છે. યુએસ રોજગાર અને મેન્યુફેક્ચરિંગ ડેટા અપેક્ષા કરતા વધુ સારા આવ્યાં હોવાથી આ વર્ષે રેટ કટ સંબંધિત ધારણામાં સંભવિત ફેરફારને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં ફરી ચિંતા ઊભી થઇ છે.

એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ સોમવારે રૂ. ૬૮૪.૬૮ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. વૈશ્ર્વિક ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૮ ટકા વધીને ૯૦.૫૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. બેન્ચમાર્ક સોમવારે ૪૯૪.૨૮ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા ઉછળીને ૭૪,૭૪૨.૫૦ની નવી બંધ ટોચ પર સેટલ થયો હતો. એનએસસી નિફ્ટી ૧૫૨.૬૦ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા વધીને ૨૨,૬૬૬.૩૦ પર પહોંચ્યો હતો.

શેરબજારમાં અફડાતફડી અને અનેક અવરોધો છતાં એકંદરે આગેકૂચ ચાલુ રહી છે અને નિષ્ણાતો માને છે કે, શેરબજારમાં ટૂંકા ગાળામાં તેજી જળવાઇ રહેવાની અપેક્ષા છે. બજારની નજર ઇન્ફ્લેશન, ફેડરલની મિનટ્સ અને ચોથા ક્વાર્ટરના કંપની પરિણામો સહિતના પરિબળો પર રહેશે. પ્રાઇમરી માર્કેટમાં હલચલ ચાલુ રહી છે.

નિષ્ણાતો અનુસાર, બ્રોડ માર્કેટની ઉછાળો સૂચવે છે કે મજબૂતાઈ ટૂંકા ગાળામાં ચાલુ રહેશે. દરમિયાન, મજબૂત યુએસ આર્થિક ડેટાને કારણે જૂનમાં ફેડ રેટ કટ અંગે ફરી આશંકા વ્યક્ત થઇ રહી છે, પરંતુ આ ફેકટર અત્યારે ડિસ્કાઉન્ટ થઇ ગયેલું જણાય છે.

ટેક્નિકલ એનાલિસ્ટે કહ્યું હતું કે, નિફ્ટી નવી ઊંચી સપાટીએ બંધ થયો છે અને સાપ્તાહિક ચાર્ટ પર લોંગ અપર અને લોવર શેડો સાથે સ્મોલ બોડી બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના કરી છે, જ્યાં હા.ર હાઇ અને હાયર લોની રચના સતત બીજા અઠવાડિયા સુધી ચાલુ રહી છે. ટેક્નિકલ રીતે, નિફ્ટી આ સપ્તાહમાં રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા છે, સિવાય કે તે અપર સાઇડમાં ૨૨,૬૦૦ અથવા નીચલી બાજુએ ૨૨,૩૦૦-૨૨,૨૦૦ને નિર્ણાયક રીતે તોડે નહીં. આ સપાટીઓનોે ભંગ જ બજારને મજબૂત દિશા આપી શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નિફ્ટીની ૨૨,૨૦૦ પોઇન્ટની સપાટી ના તૂટે ત્યાં સુધી રોકાણકારોએ ઘટાડે લેવાલીનો અભિગમ ચાલુ રાખવો જોઈએ. હાયર સાઇડમાં નિફ્ટી ૨૨,૭૦૦-૨૨,૮૫૦ ઝોન તરફ વધી શકે છે. સાપ્તાહિક ઓપ્શન્સ ડેટા સૂચવે છે કે નિફ્ટી ૫૦ માટે ૨૨,૫૦૦ નિર્ણાયક બનવાની ધારણા છે, જેમાં ૨૨,૮૦૦ ઊંચી બાજુએ મુખ્ય પ્રતિકાર અને ૨૨,૪૦૦ ઇન્ડેક્સ માટે તાત્કાલિક સપોર્ટ બનવાની સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button