સેન્સેક્સ ૧૧૦૦ની હાઇ જમ્પ બાદ નેગેટીવ ઝોનમાં લપસ્યો, નિફ્ટી ૨૪,૦૦૦ની નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારમાં આવેલા સુધારા પાછળ સ્થાનિક બજારમાં ખૂલતા સત્રમાં સેન્સેક્સે લગભગ એક હજાર પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી, જોકે પાછળથી સત્રના પાછલા ભાગમાં લેવાલીના પર્યાપ્ત ટેકાના અભાવ સાથે બેન્કિંગ અને ટેલિકોમ શેરોની આગેવાનીએ નવેસરની વેચવાલી નીકળતા સેન્સેક્સ ૧૬૬.૩૩ પોઈન્ટ્સ અથવા ૦.૨૧ ટકાના ઘટાડા સાથે ૭૮,૫૯૩.૦૭ પર અને નિફ્ટી ૬૩.૦૫ પોઈન્ટ અથવા ૦.૨૬ ટકા ઘટીને ૨૪,૦૦૦ની નીચે ૨૩,૯૯૨.૫૫ પર સ્થિર થયો હતો.
સેન્સેક્સ સત્ર દરમિયાન ૧,૦૯૨.૬૮ પોઈન્ટ અથવા ૧.૩૮ ટકા વધીને ૭૯,૮૫૨.૦૮ની ઊંચી સપાટીએ અને નિફ્ટી ઈન્ટ્રા-ડે ટ્રેડમાં ઈન્ડેક્સ ૩૨૭ પોઈન્ટ અથવા ૧.૩૫ ટકા વધીને ૨૪,૩૮૨.૬૦ની સપાટીએ પહોંચ્યો હતો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, ટાઇટન, એચડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક અને બજાજ ફાઇનાન્સ સૌથી ઘટનારા શેરોમાં સામેલ હતા. જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, હિન્દુસ્તાન યુનિલિવર, એચસીએલ ટેક્નોલોજીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગેઇનર્સની યાદીમાં હતા.
ભારતી એરટેલનો ચોખ્કો નફો પ્રથમ ક્વાર્ટરમાં ૨.૫ ગણો વધીને રૂ. ૪,૧૬૦ કરોડ નોંધાયો
હતો. ટાટા પાવરનો ચોખ્ખો નફો ૩૧ ટકાના વધારા સાથે જૂન કાવર્ટરમાં રૂ. ૧૧૮૯ કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો. રેમન્ડ લિમિટેડે એઇપ્રલ-જૂનના ત્રિમાસિક સમયગાળામાં ૨૭ ટકાના વધારા સાથે રૂ. ૫૭.૦૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
એલઇડી લાઇટ્સ અને ફિક્સરના ઉત્પાદન અને નવીન લાઇટિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સર લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. ૫૫.૩૫ કરોડની આવક નોંધાવી અને રૂ. ૧૨.૦૫ કરોડનું એબિટા નોંધાવ્યું છે. એબિટા માર્જિન ૨૧.૭૭ ટકા જ્યારે ટીસીઆઇ માર્જિન ૧૬.૫૪ ટકા રહ્યું છે. શેરદીઠ કમાણી રૂ. ૧.૩૬ નોંધાઇ છે.
અકુમ્સ ડ્રગ્સનો શેર બીએસઇ અને એનએસઇ પર તેના રૂ. ૭૨૫ના ઇશ્યૂ ભાવ સામે સાતેક ટકાના પ્રીમિયમ સાથે લિસ્ડેડ થયો હતો અને અંતે બીેસઇ પર ૧૭.૪૪ ટકાના વધારા સાથે રૂ. ૭૯૭.૪૫ની સપાટીએ સ્થિર થયો હતો. શ્રી સિમેન્ટનો પ્રથમ ક્વનાર્ટરનો ચોખ્ખો નફો ૫૧.૩ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૭૮.૪૫ કરોડ રહ્યો હતો. એશ અને કોલ હેન્ડલિંગ, રેફ્રિજન્ટ ગેસ, પાવર ટ્રેડિંગ અને ગ્રીન મોબિલિટીનો સમાવેશ કરતા વૈવિધ્યસભર પોર્ટફોલિયો સાથે ધરાવતી રીફેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં સ્ટેોન્ડઅલોન ધોરણે ૫૪.૪૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૫૯૨.૦૫ કરોડની કુલ આવક, ૪૨.૮૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૫૨.૨૪ કરોડનું એબિટા નોંધાવ્યું છે. જ્યારે ૬૩.૩૯ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૩૫.૯૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, સ્થાનિક બજારે એશિયન બજારોની તેજીને પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વેગ અલ્પજીવી હતો અને નિફ્ટી આખરે ૨૪,૦૦૦ની સપાટી પણ જાળવી શક્યો નહોતો. જાપાનની મધ્યસ્થ બેન્ક દ્વારા વ્યાજદરની વૃદ્ધિ બાદ યેનમાં જોવા મળી રહેલી મજબૂતાઇ, અમેરિકાના નબળા આર્થિક ડેટા અને મધ્યપૂર્વમાં વધતા ભૌગોલિક રાજકીય તણાવને કારણે વૈશ્ર્વિક ઇક્વટી માર્કેટનું સેન્ટિમેન્ટ ડહોળાઇ ગયું છે.
આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીએ મંગળવારે ત્રણ દિવસીય ચર્ચા શરૂ કરી હતી.
આરબીઆઈ ગવર્નર ગુરુવારે દ્વિ-માસિક નીતિની જાહેરાત કરશે. બજારના સાધનોે જણાવ્યું હતું કે, સતત ફુગાવાના દબાણ વચ્ચે, ખાસ કરીને ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને કારણે, આરબીઆઇ વર્તમાન બેન્ચમાર્ક દરને જાળવી રાખે તેવી અપેક્ષા છે. આ સાવચેતીભર્યો અભિગમ ભાવ સ્થિરતા સાથે આર્થિક વૃદ્ધિને સંતુલિત કરવા માટે અપનાવાયો છે.
એશિયન બજારોમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો હતો, જ્યાં સિઓલ, ટાિેક્યો અને શાંઘાઈ નોંધપાત્ર રીતે ઊંચા સ્તરે સ્થિર થયા, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ નીચી સપાટીએ ગબડ્યો હતો. જાપાનનો બેન્ચમાર્ક નિક્કી ૨૨૫ શેર ઇન્ડેક્સ મંગળવારની શરૂઆતમાં ૧૦.૭ ટકા જેટલો ઉછળ્યો હતો, તેના એક દિવસ પછી તે ૩૭ વર્ષમાં સૌથી વધુ ગબડ્યો હતો. યુરોપિયન બજારો નકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે યુએસ બજારો જબરદસ્ત ઘડાડા સાથે નીચી સપાટીએ સ્થિર થયા હતા.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ સોમવારે રૂ. ૧૦,૦૭૩.૭૫ કરોડના મૂલ્યની ઇક્વિટીઓ ઓફલોડ કરી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૦ ટકા વધીને ૭૬.૫૨ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. બીએસઇ બેન્ચમાર્ક સોમવારે ૨,૨૨૨.૫૫ પોઈન્ટ્સ અથવા ૨.૭૪ ટકા ઘટીને ૭૮,૭૫૯.૪૦ની એક મહિનાની નીચી સપાટીએ સ્થિર થયો હતો, જે ચોથી જૂન, ૨૦૨૪ પછીની તેની સૌથી ખરાબ સિંગલ-ડે પીછેહઠ દર્શાવે છે. દિવસ દરમિયાન, તે ૨,૬૮૬.૦૯ પોઈન્ટ્સ અથવા ૨,૬૮૬.૦૯ પોઈન્ટ્સ અથવા ૨.૮૩૬.૮૩ ટકા ઘટી ગયો હતો.
જ્યારે એનએસઇ નિફ્ટી ૬૬૨.૧૦ પોઈન્ટ અથવા ૨.૬૮ ટકા ઘટીને ૨૪,૦૫૫.૬૦ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૮૨૪ પોઈન્ટ અથવા ૩.૩૩ ટકા ઘટીને ૨૩,૮૯૩.૭૦ પર પહોંચ્યો હતો. નિફ્ટીમાં ચોથી જૂન, ૨૦૨૪ પછીનો સૌથી ખરાબ સિંગલ-ડે ઘટાડો પણ જોવા મળ્યો હતો, જ્યારે સામાન્ય ચૂંટણીના પરિણામો પછી બજારો ૫ાંચ ટકાથી વધુ તૂટી ગયા હતા.
મંગળવારે બીએસઈ સેન્સેક્સ ગત સોમવારના ૭૮,૭૫૯.૪૦ના બંધથી ૧૬૬.૩૩ પોઈન્ટ્સ (૦.૨૧ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૨.૨૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૩૯.૫૯ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૭૮,૯૮૧.૯૭ ખૂલીને ઊંચામાં ૭૯,૮૫૨.૦૮ સુધી અને નીચામાં ૭૮,૪૯૬.૫૭ સુધી જઈને અંતે ૭૮,૫૯૩.૦૭ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૩ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૯ સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં ૪,૦૨૮ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૫૯૨ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૩૪૪ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૯૨ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૮૮ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૪૧ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૭૧ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૫૭ ટકા ઘટ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૯૧ ટકા ઘટ્યો અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૨.૬૬ ટકા ઘટ્યો હતો. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ રિયલ્ટી ૦.૮૪ ટકા, સર્વિસીસ ૦.૨૭ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૨૫ ટકા અને એફએમસીજી ૦.૧ ટકા વધ્યા હતા, જ્યારે ટેલિકોમ્યુનિકેશન ૧.૧૫ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૦૩ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૯૨ ટકા, બેન્કેક્સ ૦.૭૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૭ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૯ ટકા, પાવર ૦.૬૪ ટકા, એનર્જી ૦.૫૯ ટકા, ઓટો ૦.૫૬ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૪૮ ટકા, યુટિલિટીઝ ૦.૪૬ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૪ ટકા, હેલ્થકેર ૦.૧૧ ટકા, મેટલ ૦.૧૧ ટકા, ટેક ૦.૦૯ ટકા અને કોમોડિટીઝ ૦.૦૫ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંથી જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૩૬ ટકા, ટેક મહિન્દ્ર ૧.૬૩ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૪૪ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૨૬ ટકા, રિલાયન્સ ૦.૫૯ ટકા એનટીપીસી ૦.૪૧ ટકા, ટીસીએસ ૦.૩૭ ટકા, ટાટા સ્ટીલ ૦.૩૦ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૧૫ ટકા અને ઈન્ફોસિસ ૦.૦૮ ટકા વધ્યા હતા.
સેન્સેક્સ સમાવિષ્ટ સૌથી અધિક ઘટેલા શેરો હતા: ભારતી એરટેલ ૧.૪૪ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૩૨ ટકા, સ્ટેટ બેન્ક ૧.૨૮ ટકા, એચડીએફસી બેન્ક ૦.૭૫ ટકા, ટાઈટન ૦.૭૨ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૭૦ ટકા, સન ફાર્મા ૦.૬૫ ટકા, એક્સિસ બેન્ક ૦.૬૦ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૫૭ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૭ ટકા ઘટ્યા હતા. બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૫૮.૬૩ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૫૨૧ સોદામાં ૭૩૩ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૨,૫૮,૨૫૮ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૨,૨૦,૪૪૦.૮૦ કરોડનું રહ્યું હતું.