વિક્રમી સપાટીથી હેઠો ઉતરીને સેન્સેક્સ ૮૦,૦૦૦ની અંદર સરકી ગયો, નિફટી પહોંચ્યો નવા શિખરે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: યુએસ જોબ ડેટાની જાહેરાત અને તેના ફેડરલ દ્વારા અપાનારા રિસ્પોન્સની ચિંતા વચ્ચે બજારમાં એકંદર સાવચેતીનું માનસ રહ્યું હતું. સેન્સેક્સ ૫૫૦ પોઇન્ટ અને નિફ્ટી ૧૩૦ પોઇન્ટની નીચી સપાટીથી પાછાં તો ફર્યા પરંતુ શેરબજારની આગેકૂચને સપ્તાહના અંતિમ સત્રમાં બ્રેક લાગી હતી. વિક્રમી સપાટીથી હેઠો ઉતરીને સેન્સેક્સ ૮૦,૦૦૦ની અંદર સરકી ગયો હતો. અલબત્ત, નિફ્ટી શુક્રવારે સતત ત્રીજા સત્રમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે સ્થિર થવામાં સફળ થયો હતો.
સત્રને અંતે નિફ્ટી ૨૧.૭૦ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા વધીને ૨૪,૩૨૩.૮૫ પોઇન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે બીએસઇનો ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૩.૦૭ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા ઘટીને ૭૯,૯૯૬.૬૦ પોઇન્ટના સ્તર પર સેટલ થયો હતો. સેન્સેક્સ પેકમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રીડ, આઈટીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ અને સન ફાર્માસ્યુટિકલ્સ ટોપ ગેનર્સ શેરોની યાદીમાં હતાં. બીજી તરફ, એચડીએફસી બેંક, ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, એચસીએલ ટેક્નોલોજીસ અને એશિયન પેઇન્ટ્સ ટોપ લૂઝર્સ શેરોમાં હતા.
માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, સ્થાનિક બજારમાં મિશ્ર પૂર્વગ્રહ સાથે વેપાર થયો, જેમાં હેવીવેઇટ બેન્કિંગ સેક્ટર પાછળ રહી ગયું હતૂ. ટોચની ધિરાણ આપતી બેન્કોએ જૂન ક્વાર્ટરમાં ડિપોઝિટ વૃદ્ધિમાં ક્રમિક ઘટાડો નોંધાવીને ચિંતામાં ઉમેરો કર્યો હતો.
નાના શેરોમાં ફરી લેવાલીનો સળવળાટ વધ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં લાર્જ કેપ શેરો કરતા ફરી એક વખત વધુ સુધારો જોવા મળ્યો હતો અને તેમના સંબંધિત બીએસઇ બેન્ચમાર્ક સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.
એશિયન બજારો ગુરુવારે મિશ્ર નોટ પર બંધ રહ્યા હતા અને ગુરૂવારે સ્વતંત્રતા દિવસ માટે યુએસ બજારો બંધ રહ્યા હતા. ગુરુવારે, ૩૦ શેરો ધરાવતા સેન્સેક્સે શરૂઆતના વેપારમાં ૮૦,૩૯૨.૬૪ ની ઇન્ટ્રાડે રેકોર્ડ હાઈ સ્કેલ કરી હતી. બાદમાં, સેન્સેક્સ ૬૨.૮૭ પોઈન્ટ અથવા ૦.૦૮ ટકા વધીને ૮૦,૦૪૯.૬૭ પર બંધ રહ્યો હતો, જે તેની સર્વકાલીન ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. વ્યાપક નિફ્ટી પણ લગભગ ફ્લેટ બંધ થતા પહેલા શરૂઆતના વેપારમાં ૨૪,૪૦૧ની ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. ૫ચાસ શેર ધરાવતો આ ઈન્ડેક્સ ૧૫.૬૫ પોઈન્ટ અથવા ૦.૦૬ ટકા વધીને રેકોર્ડ ૨૪,૩૦૨.૧૫ પર સ્થિર થયો હતો.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) ગુરુવારે મૂડીબજારમાં ચોખ્ખા ખરીદદાર હતા, કારણ કે તેઓએ રૂ. ૨,૫૭૫.૮૫ કરોડના શેર ખરીદ્યા હતા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૨૩૭૫.૧૮ કરોડની વૈચવાલી નોંધાવી હતી.
કોઇપણ નક્કર કારણના અભાવમાં પણ એકધારા ઊંચે જઇ રહેલા માર્કેટ અંગેના પ્રશ્ર્નના જવાબમાં એક ટોચના એનાલિસ્ટે તો એવો અભિપ્રાય આપ્યો છે કે, બજાર વઘુને વધુ ઊંચે જઇ શકે છે. તેઓ કહે છે કે અંદાજપત્રમાં કંઇ પણ આવે અથવા ના આવે તો પણ અને વેલ્યુએશન વધુ ઊંચા થાય તો પણ બેન્ચમાર્ક સતત ઊંચી સપાટીએ જ જતું રહેશે. તમે મંદીવાળા હો કે તેજીવાળા, તમે ગમે તે દૃષ્ટિકોણથી જુઓ માર્કેટ નીચે ગબડે એવી શક્યતા એટલે ઓછી છે કે ભારતીય શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ મારફત રીટેલ ઇન્વેસ્ટર્સ ભરપૂર નાણાં ઠાલવી રહ્યાં છે. સ્થાનિક ફંડો એફઆઇઆઇની એકધારી વેચવાલીને પણ સરભર કરી નાંખે છે, એના પરથી આ વાત સમજી શકાય છે.
નિફ્ટી પર સેક્ટરલ ગેઇનર્સમાં, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ ૧.૯ ટકાના વધારા સાથે આગળ છે,મોખરે રહ્યો હતો, ત્યારબાદ નિફ્ટી ફાર્મા અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ બંને ૧.૩ ટકાના વધારા સાથે આગળ હતા. નિફ્ટી એફએમસીજી ઇન્ડેકસે પણ એક ટકાના વધારા સાથે મજબૂતી દર્શાવી હતી. બીજી તરફ, સેક્ટરલ લુઝર્સમાં, નિફ્ટી બેન્ક ટોચના ૦.૮ ટકાના ઘટાડા સાથે હતો, ત્યારબાદ નિફ્ટી ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨ ટકા નીચે સરક્યો હતો.
મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ અને સર્વિસ સેક્ટર પીએમઆઇ રિપોર્ટ્સ જોતા અમેરિકાની અર્થવ્યવસ્થા ઠંડી પડી રહી હોવાના સંકેતો વચ્ચે શુક્રવારના યુએસ જોબ્સ ડેટાની જાહેરાત પહેલાં રોકાણકારોમાં સાવચેતીનું માનસ જોવા મળ્યું હતું. જોબ ડેટા મધ્યમ આવવાની અપેક્ષા છે. પેરોલ રિપોર્ટ ફેડરલના રેટ કટના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે.
આ સપ્તાહે સેન્સેક્સ ૩૦ અને નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ નવી ઊંચાઈએ પહોંચવા સાથે ભારતીય ઈક્વિટી માર્કેટ સેન્ટિમેન્ટ્સ સકારાત્મક રહ્યા હતા. સાપ્તાહિક ધોરણે, બીએસઇ ૩૦ અને નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો વધારો થયો છે, જ્યારે બીએસઇ મિડકેપ અને બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સે લાર્જ-કેપ્સે ઇન્ડેક્સ કરતાં વધુ પ્રદર્શન કર્યું છે. બજારની હકારાત્મક ગતિ વચ્ચે, મોટાભાગના ક્ષેત્રીય સૂચકાંકોએ આ સપ્તાહે સકારાત્મક લાભ નોંધાવ્યો હતો. આગામી નાણાકીય ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરની કમાણીની સિઝન થતાં પહેલા પહેલા બીએસઇ આઇટી ઇન્ડેક્સે મજબૂત પ્રદર્શન કર્યું છે. પાછલા એક મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ ધીમે ધીમે ઉપર તરફ જઈ રહ્યા છે, જેના પર નજર રાખવાની જરૂર છે.
આગામી થોડા અઠવાડિયામાં, બજાર માટેની મુખ્ય ઘટનાઓમાં મેક્રો પરિબળો, કેન્દ્રીય બજેટ અને નાણાકીય ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરની કમાણીનો સમાવેશ થાય છે. વ્યક્તિગત શેરો આગામી થોડા અઠવાડિયામાં નાણાકીય ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરની કમાણી અને મેનેજમેન્ટ કોમેન્ટ્રી પર ધ્યાન કેન્દ્રિત કરશે. બીએસઈ સેન્સેક્સ ગુરુવારના ૮૦,૦૪૯.૬૭ બંધથી ૫૩.૦૭ પોઈન્ટ્સ (૦.૦૭ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.૨.૫૮ લાખ કરોડ વધીને રૂ.૪૪૯.૮૮ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૭૯,૭૭૮.૯૮ ખૂલીને ઊંચામાં ૮૦,૧૪૯.૮૭ સુધી અને નીચામાં ૭૯,૪૭૮.૯૬ સુધી જઈને અંતે ૭૯,૯૯૬.૬૦ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સની ૧૭ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૩ સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં ૪,૦૧૬ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૨૪૨ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૬૮૬ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૮૮ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૩૭૮ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૧૬ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૭૫ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૭૦ ટકા અને બીએસઈ ઓલ કેપ ૦.૩૬ ટકા વધ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૭૭ ટકા વધ્યો હતો અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૦૩ ટકા ઘટ્યો હતો. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૫૯ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૩ ટકા, બેંકેક્સ ૦.૧૮ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૧૩ ટકા, ટેક ૦.૦૬ ટકા અને રિયલ્ટી ૦.૦૪ ટકા ઘટ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ ૧.૭૭ ટકા, એનર્જી ૧.૭ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૫૫ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૪૮ ટકા, પાવર ૧.૨૪ ટકા, હેલ્થકેર ૧ ટકા, એફએમસીજી ૦.૯૭ ટકા, યુટિલિટીઝ ૦.૮ ટકા, સર્વિસીસ ૦.૪ ટકા, મેટલ દ.૩૬ ટકા , કોમોડિટીઝ ૦.૨ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૧૯ ટકા, ઓટો ૦.૧૨ ટકા અને ટેલિકોમ્યુનિકેશન્સ ૦.૦૧ ટકા વધ્યા હતા.
બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંના મુખ્યત્વે સ્ટેટ બેન્ક ૨.૪૮ ટકા, રિલાયન્સ ૨.૩૨ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૨.૦૧ ટકા, એનટીપીસી ૧.૮૬ ટકા, લાર્સન ૧.૫૨ ટકા, પાવર ગ્રીડ ૧.૨૧ ટકા, નેસ્લે ઈન્ડિયા ૧.૧૯ ટકા, આઈટીસી ૧.૧૧ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૧.૦૨ ટકા, કોટક બેન્ક ૦.૯૬ ટકા, સન ફાર્મા ૦.૭૦ ટકા અને ભારતી એરટેલ ૦.૪૭ ટકા વધ્યા હતા.
જ્યારે એચડીએફસી બેન્ક ૪.૫૫ ટકા, ટાઈટન ૧.૯૯ ટકા, તાતા સ્ટીલ ૦.૮૫ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૭૨ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૬૫ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૯ ટકા, ટાટા મોટર્સ ૦.૫૪ ટકા, એચસીએલ ટેકનોલોજી ૦.૩૪ ટકા, બજાજ ફિનસર્વ ૦.૨૩ ટકા, ટીસીએસ ૦.૨૨ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૨૧ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૧૫ ટકા અને ઈન્ફોસિસ ૦.૧૨ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૨૧૪.૦૬ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૧,૭૬૬ સોદામાં ૨,૬૭૭ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૫૨,૫૪,૦૯૩ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૪,૦૭,૬૮,૦૭૭.૫૪ કરોડનું રહ્યું હતું.