સેન્સેક્સ ૩૮૦ પોઈન્ટ લપસ્યો, નિફ્ટી ૨૨,૩૦૦ ઉપર માંડ માંડ ટક્યો; માર્કેટ કૅપમાં ₹ ૪.૯૬ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારમાં સુધારાનું હવામાન હોવા છતાં ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોના ઊંચા વેલ્યુએશન્સ અંગે ચિંતા વચ્ચે વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સ ૩૮૦ પોઈન્ટ લપસ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૩૦૦ પોઇન્ટની સપાટી માંડ માંડ ટકાવી શક્યો હતો. એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક, પાવરગ્રીડ, ઇન્ડસઇન્ડ, ટાટા મોટર્સમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું.
બજારના સાધનો અનુસાર કોર્પોરેટ ક્ષેત્રની કેટલીક કંપનીઓના નિરાશાજનક પરિણામ વચ્ચે સાર્વત્રિક વેચવાલીનું દબાણ સર્જાતા બજારના સેન્ટિમેન્ટને ફટકો પડ્યો હતો. અગ્રણી ચાર્ટિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટીએ બેરિશ પેટર્નની રચના કરી છે તે જોતાં જણાય છે કે તે ૨૨,૨૦૦-૨૧,૮૫૦ની નીચી રેન્જ સુધી જઇ શકે છે. માર્કેટ કેપ રૂ.૪.૯૬ લાખ કરોડ ઘટીને રૂ.૩૯૮.૪૩ લાખ કરોડ રહ્યું હતું.
મંગળવારે સેન્સેક્સ ૩૮૩.૬૯ પોઈન્ટ અથવા તો ૦.૫૨ ટકા ઘટીને ૭૩,૫૧૧.૮૫ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. સત્ર દરમિયાન આ બેન્ચમાર્ક ૬૩૯.૨૮ પોઇન્ટ અથવા તો ૦.૮૬ ટકા નીચી સપાટીએ ગબડીને ૭૩,૨૫૯.૨૬ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૪૦.૨૦ પોઈન્ટ અથવા તો ૦.૬૨ ટકા ઘટીને ૨૨,૩૦૨.૫૦ના સ્તર પર બંધ થયો. કુલ ટ્રેડેડ શેરોમાંથી, ૮૪૦ વધ્યા, ૨,૪૪૧ ઘટ્યા અને ૮૨ યથાવત રહ્યા હતા. સેક્ટર્સમાં ટોપ ગેઇનર્સમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સનો બે ટકા વૃદ્ધિ અને નિફ્ટી આઇટીનો ૦.૭૭ ટકાના વધારા સાથે સમાવેશ થાય છે. ડાઉનસાઇડ પર, નિફ્ટી રિયલ્ટી અને મેટલ્સ અનુક્રમે ૩.૫૦ ટકા અને ૨.૪૦ ટકા ઘટ્યા હતા. નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સ ૨.૩૦ ટકા નીચે, નિફ્ટી હેલ્થકેર બે ટકા નીચે અને નિફ્ટી ઓટો ૧.૮૦ ટકા ડાઉન હતા.
ઊંચા મૂલ્યાંકનથી સાવચેતીનું માનસ સર્જાતા રોકાણકારોએ બેન્કિંગ, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી અને પાવર શેર્સમાં પોર્ટફોલિયો હળવો થયો હોવાથી બજારોમાં જોરદાર વેચવાલીનો માહોલ જામ્યો હતો. અમેરિકાના જોબ ડેટા નબળા આવવા છતાં ફુગાવો હજુ પણ કમ્ફર્ટ લેવલથી ઉપર હોવાથી અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા તેના રેટ કટના નિર્ણયમાં વિલંબ થવાની શક્યતા વધુ જણાવાથી રોકાણકારોએ વેચવાલી કરી હતી.
ટોચની બ્રોકિંગ ફર્મના ચીફ એનાલિસ્ટે કહ્યું હતું કે, સકારાત્મક વૈશ્ર્વિક સંકેતો છતાં સ્થાનિક બજારમાં વર્તમાન ચૂંટણીમાં ઓછું મતદાન અને ઊંચા વેલ્યુએશન સહિતના વિવિધ પરિબળોને કારણે સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જો કે, એફએમસીજી આજના ટ્રેડિંગ સેશનમાં સૌથી મોટો સેક્ટોરલ ગેનર રહ્યો હતો, જે ગ્રામીણ વિસ્તારોમાંથી સાનુકૂળ ચોમાસાની અપેક્ષાઓથી પ્રેરિત હતો.
સેન્સેક્સના શેરોમાં પાવરગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, એચસીએલ ટેકનોલોજી, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ લૂઝર્શની યાદીમાં હતા. જ્યારે હિંદુસ્તાન યુનીલીવર પાંચ ચકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય વધનારા મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, નેસ્લે, આઇટીસી, વિપ્રો, ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ હતો. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૯૦ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૧.૬૫ ટકાનો કડાકો નોંધાયો હતો.
આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામોની ચાલુ મોસમ રોકાણકારો માટે એક મુખ્ય પરિબળ હશે. આ ઉપરાંત બજાર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના વલણ અને યુકેના જીડીપી ડેટા પર પણ ફંડો અને રોકાણકારો નજર રાખશે. એકંદરે ઊંચા વેલ્યુએશન અને ચૂંટણીના પડઘમને કારણે અફવા બજારના ગરમાટાને કારણે તે બજારમાં કોન્સોલિડેશનની સંભાવના રહે છે.
ટોચના બ્રેકિંગ ફર્મના રિસર્ચ ચીફ અનુસાર બજારની વ્યાપક શ્રેણીમાં કોન્સોલિડેશન જોવા મળશે, પરંતુ અંડરટોન મજબૂત હોવાથી ગતિ ધીમી પડવા છતાં દિશા આગેકૂચની રહી શકે છે. બજારના સહભાગીઓ માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે, જે હવે તેના પાંચમા સપ્તાહમાં પ્રવેશ કરશે. અત્યાર સુધી કોર્પોરેટ પરિણામો વિશ્ર્લેશકોની અપેક્ષાઓ સાથે વ્યાપકપણે સુસંગત છે. આ સપ્તાહે ૩૦૦થી વધુ કંપનીઓ તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે, જેમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, હીરો મોટોકોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો, એશિયન પેઈન્ટ્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સિપ્લા, આઈશર મોટર્સ અને ટાટા મોટર્સ જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે. અન્ય મહત્વની નોન-નિફ્ટી કંપનીઓ જેમ કે લ્યુપિન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, કેનેરા બેંક, એબીબી ઈન્ડિયા, ટાટા પાવર, ટીવીએસ મોટર, એસ્કોર્ટ્સ કુબોટા, મેરિકો, પીબી ફિનટેક, ગોદરેજ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, જેએસડબ્લ્યુ એનર્જી, વોલ્ટાસ, ભારત ફોર્જ અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ પણ આ સપ્તાહે તેમની કમાણીની જાહેરાત કરશે.
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી સામે આ વખતે પ્રથમ અને બીજા તબક્કામાં મતદાનની ટકાવારી નીચી રહી હોવાથી રોકાણકારો ત્રીજા તબક્કાના મતદાન પર ઉત્સુકતાપૂર્વક નજર રાખશે. ત્રીજા તબક્કામાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળ સહિત ૧૨ રાજ્યોના ૯૬ મતવિસ્તારોમાં મતદાન થશે. આ વખતે મતદાન ઓછું થઇ રહ્યું હોવાથી પણ બજારના માનસ પર ખરાબ અસર થઇ રહી છે.
વૈશ્ર્વિરક સ્તરે, રોકાણકારો નવમી મેના રોજ નિર્ધારિત બેન્ક ઓફ ઇંગ્લેન્ડના નીતિ નિર્ણય પર નજર રાખશે અને તે જ તારીખે યુકેના જીડીપી ડેટા માટેના પ્રારંભિક અંદાજો પર પણ નજર રાખશે. યુકેમાં નબળો વિકાસ અને ઠંડો ફુગાવાએ પોલિસી શિફ્ટ માટે સાનુકૂળ ગ્રાઉન્ડ સેટ કર્યું છે; જો કે, તેના એમપીસી (મોનેટરી પોલિસી કમિટી)ના અધિકારીઓ ચાર વર્ષમાં પ્રથમ રેટ કટના સમય અંગે વિભાજિત રહ્યાં છે, નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ગ્રાહક ભાવ ફુગાવો માર્ચ માટે ૩.૨ ટકા હતો અને નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે તે એપ્રિલમાં વધુ ઘટશે, જ્યારે યુકેની અર્થવ્યવસ્થા ટેકનિકલ મંદીમાં પ્રવેશી છે અને પાછલા ત્રિમાસિક ગાળામાં (ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૩) જીડીપી ૦.૧ ટકાની સામે માઇનસ ૦.૩ ટકા પર આવી છે. અગાઉના ક્વાર્ટરમાં (૨૦૨૩) ટકા સંકોચન નોંધાયું હતું. આ સિવાય યુ.એસ.ના સાપ્તાહિક જોબ્સ ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે; યુરોપ, જાપાન અને ચીનમાંથી એપ્રિલ માટે પીએમઆઈ સર્વિસ ડેટા અને ચીન તરફથી એપ્રિલ માટે ફુગાવો અને પીપીઆઇ ડેટા પણ મહત્ત્વના પરિબળ બની શકે.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી ૧.૮૦ ટકા, આઈટી ૦.૫૫ ટકા અને ટેક ૦.૪૪ ટકા વધ્યા હતા જ્યારે રિયલ્ટી ૩.૪૧ ટકા, યુટિલિટીઝ ૨.૮૫ ટકા, પાવર ૨.૨૬ ટકા, મેટલ ૨.૨૬ ટકા, કોમોડિટીઝ ૨.૧૮ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૧૭ ટકા, હેલ્થકેર ૧.૯૦ ટકા, એનર્જી ૧.૭૩ ટકા, ઓટો ૧.૭૧ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૪૩ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૧.૩૭ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ૧.૩૬ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૩૬ ટકા, સર્વીસીસ ૧.૩૫ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૧૦ ટકા, બેન્કેક્સ ૧.૦૯ ટકા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૬૭ ટકા ઘટ્યા હતા.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં હિંદ યુનિલિવર ૫.૫૧ ટકા, ટેક મહિન્દ્રા ૨.૩૭ ટકા, નેસ્લે ઈન્ડિયા ૨.૦૬ ટકા, ટીસીએસ ૧.૩૬ ટકા અને આઈટીસી ૧.૩૩ ટકા વધ્યા હતા જ્યારે પાવર ગ્રીડ ૩.૮૦ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૦૫ ટકા, ટાટા મોટર્સ ૨.૭૨ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૪૧ ટકા અને એચસીએલ ટેક ૨.૧૩ ટકા ઘટ્યા હતા. કુલ ૮ કંપનીઓને ઉપલી સર્કિટ જ્યારે ૨ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ.૫૬.૫૧ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૬૮૯ સોદામાં ૭૬૨ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૫૨,૦૭,૩૧૬ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) એ મંગળવારે રૂ.૩,૬૬૮.૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈએ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર) રૂ.૨,૩૦૪.૫૦ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.