શેર બજાર

બેતરફી સાંકડી વધઘટને અંતે સેન્સેક્સમાં સાધારણ ૯૨ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૨૮ પૉઈન્ટનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બેતરફી સાંકડી વધઘટને અંતે ખાસ કરીને ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી ઈન્ફોસિસ, આઈટીસી અને રિલાયન્સમાં લેવાલી નીકળતાં સત્રના અંતે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ સાધારણ ૯૨.૪૭ પૉઈન્ટના અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી સાધારણ ૨૮.૪૫ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતા. જોકે, તાજેતરમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાને કારણે પણ સુધારો અટકી રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૪૫૫.૫૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.
એકંદરે આજે વિશ્ર્વ બજારમાં પણ મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો તેમ જ સ્થાનિકમાં સુધારા માટેનાં કોઈ નક્કર પરિબળોનો અભાવ રહ્યો હોવાને કારણે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી ચોક્કસ શૅરોમાં લે-વેચ જોવા મળી હોવાનું મહેતા ઈક્વિટીઝ લિ.નાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું.

ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં નીતિઘડવૈયાઓનો રેટકટ બાબતે સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હોવા છતાં ગઈકાલના સુધારા બાદ આજે ધીમો સુધારો જોવા મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત હાલમાં રોકાણકારોનું ધ્યાન વર્તમાન સપ્તાહના આઈપીઓ પર કેન્દ્રિત થયું હોવાને કારણે પણ અમુક અંશે નફારૂપી વેચવાલીનું દબાણ પણ જોવા મળ્યું છે. જોકે, અમેરિકામાં શાંત પડી રહેલો ફુગાવો અને ટૂંકાથી મધ્યમ ગાળાના બૉન્ડની યિલ્ડમાં ઘટાડો આવી રહ્યો હોવાથી બજારનો અન્ડરકરન્ટ અથવા તો આંતરપ્રવાહ તો સકારાત્મક જ હોવાનું જણાઈ રહ્યું છે.
દરમિયાન આજે રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસે બૅન્કિંગ સિસ્ટમ સતત સ્થિતિસ્થાપક થઈ રહી છે અને તાત્કાલિક ધોરણે કોઈ ચિંતાનું કારણ ન હોવાનું જણાવતાં ધિરાણકર્તાઓને સાવધ રહેવાની સાથે જોખમોને વહેલી તકે ઓળખવાની સલાહ આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બૅન્કો અને બૅન્ક સિવાયની નાણાં સંસ્થાઓ હાલમાં સારી કામગીરી દાખવી રહી છે ત્યારે તેને ટકાવી રાખવા માટે નક્કર પ્રયાસોની આવશ્યકતા છે આથી જોખમો ક્યાંથી ઉદ્ભવી શકે છે તે અંગે આત્મનિરિક્ષણ કરવું જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૫,૯૩૦.૭૭ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૬૫,૮૩૯.૬૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૫,૬૬૪.૮૫ અને ઉપરમાં ૬૬,૦૬૩.૪૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૯૨.૪૭ પૉઈન્ટ અથવા તો ૦.૧૪ ટકા વધીને ૬૬,૦૨૩.૨૪ની સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે આજે સેન્સેક્સમાં સત્ર દરમિયાન ૨૬૫.૯૨ પૉઈન્ટનો ઘટાડો અને ૧૩૨.૬૬ પૉઈન્ટનો સુધારો જોવા મળતાં કુલ ૩૯૮.૫૮ પૉઈન્ટની વધઘટ જોવા મળી હતી. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૯,૭૮૩.૪૦ના બંધ સામે ૧૯,૭૮૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૯,૭૦૩.૮૫થી ૧૯,૮૨૫.૫૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૧૪ ટકા અથવા તો ૨૮.૪૫ પૉઈન્ટના સુધારા સાથે ૧૯,૮૦૦ની સપાટી પાર કરીને ૧૯,૮૧૧.૮૫ના મથાળે બંધ રહ્યો હતો.

એકંદરે આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૮ શૅરના ભાવ વધીને અને ૧૨ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૯ શૅરના ભાવ વધીને, ૨૦ શૅરના ભાવ ઘટીને અને એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૧.૫ ટકાનો સુધારો એનટીપીસીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ફોસિસમાં ૧.૨૭ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૨૪ ટકાનો, ટિટાનમાં ૧.૦૫ ટકાનો, આઈટીસીમાં ૦.૮૪ ટકાનો અને ટૅક મહિન્દ્રામાં ૦.૮૧ ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૧૦ ટકાનો ઘટાડો ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે કોટક મહિન્દ્રા બૅન્કમાં ૧.૨૭ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૦૭ ટકાનો, જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૦.૯૩ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૦.૪૧ ટકાનો અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૦.૪૦ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીસએઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૩૩ ટકાનો સુધારો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૬૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં મુખ્યત્વે બીએસઈ પાવર ઈન્ડેક્સમાં ૧.૪૧ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૬૪ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૫૪ ટકાનો, આઈટી ઈન્ડેક્સ અને ટૅકનોલૉજી ઈન્ડેક્સમાં ૦.૫૨ ટકાનો અને ક્ધઝયુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૪૭ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૭૫ ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં ૦.૬૩ ટકાનો અને મેટલ ઈન્ડેક્સમાં ૦.૬૨ ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે એશિયન બજારમાં સિઉલ અને ટોકિયોની બજાર સુધારા સાથે અને શાંઘાઈ તથા હૉંગકૉંગની બજાર નરમાઈના ટોન સાથે બંધ રહી હતી. તેમ જ યુરોપની બજારોમાં મધ્યસત્ર દરમિયાન સુધારો જોવા મળી રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button