ફેડરલના રેટ કટને પગલે સેન્સેક્સ ૨૩૬ પૉઈન્ટ અને નિફ્ટી ૩૮ પૉઈન્ટ વધીને નવી ઊંચી સપાટીએ
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ₹ ૨૫૪૭.૫૩ કરોડની ચોખ્ખી વેચવાલીથી સુધારો મર્યાદિત
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ વ્યાજદરમાં બમ્પર ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કર્યો હોવાથી વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૨૩૬.૫૭ પૉઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૩૮.૨૫ પૉઈન્ટના ઉછાળા સાથે નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૭,૮૫૨.૩૨ કરોડની ખરીદી સામે રૂ. ૨૦,૩૯૯.૮૫ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૨૫૪૭.૫૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬,૨૩૪.૬૯ કરોડની ખરીદી સામે રૂ. ૧૪,૨૨૧.૮૩ કરોડની વેચવાલી રહેતાં રૂ. ૨૦૧૨.૮૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાના અહેવાલ હતા.
એકંદરે આજે સ્થાનિકમાં એક તબક્કે સેન્સેક્સે ગઈકાલના ૮૨,૯૪૮.૨૩ના બંધ સામે ૮૨૫.૩૮ પૉઈન્ટની તેજી સાથે ૮૩,૭૭૩.૬૧ પૉઈન્ટની ઈન્ટ્રા ડે હાઈ સપાટી નોંધાવી હતી, પરંતુ ત્યાર બાદ નફારૂપી વેચવાલીના આંચકા આવતા સત્ર દરમિયાન નીચામાં ૮૩,૦૭૧.૬૬ સુધી ઘટીને અંતે ગઈકાલના બંધ સામે ૨૩૬.૫૭ પૉઈન્ટ અથવા તો ૦.૨૯ ટકાના સુધારા સાથે સર્વોચ્ચ ૮૩,૧૮૪.૮૦ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે આજે નિફ્ટી ગઈકાલના ૨૫,૩૭૭.૫૫ના બંધ સામે ૨૫,૪૮૭.૦૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૨૩૪.૪ પૉઈન્ટની તેજી સાથે ઈન્ટ્રાડે હાઈ ૨૫,૪૧૫.૮૦ની સપાટી નોંધાવ્યા બાદ નીચામાં ૨૫,૩૭૬.૦૫ની સપાટીને સ્પર્શીને અંતે ગઈકાલના બંધ સામે ૩૮.૨૫ પૉઈન્ટ અથવા તો ૦.૧૫ ટકાના સુધારા સાથે ૨૫,૪૧૫.૮૦ની ઑલ ટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણને કારણે બજારમાં જોવા મળેલો સુધારો અમુક અંશે ધોવાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અપેક્ષિત જ હોવાથી છેલ્લા ૧૦ દિવસમાં રેટ કટના આશાવાદ હેઠળ નિફ્ટીમાં ૨.૧ ટકા જેટલો ઉછાળો આવી ગયો હોવાથી એકંદરે આજે બજારમાં મધ્યસત્ર સુધી જોવા મળેલો રેટ કટનો ઉત્સાહ ઓસરી ગયો હતો જે દર્શાવે છે કે બજારે અગાઉથી જ રેટ કટના પ્રત્યાઘાતો આપી દીધા હતા. વધુમાં હાલ ક્રૂડતેલના વૈશ્ર્વિક ભાવ બાવન સપ્તાહની નીચી સપાટી આસપાસ અને આવશ્યક ગણાતી આયર્ન ઑર અને સ્ટીલ જેવી ધાતુના ભાવ એક કરતા વધુ વર્ષની નીચી સપાટીએ પ્રવર્તી રહ્યા છે જે વૈશ્ર્વિક અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાના સંકેતો આપે છે, એમ માર્કેટમોજોના ગ્રૂપ સીઈઓ અમિત ગોલિયાએ જણાવા ઉમેર્યું હતું કે હવે બજારની નજર રેટ કટ પશ્ર્ચાત્ કોર્પોરેટ આવકો અને આર્થિક સ્થિતિ પર કેવી પડે છે તેના પર સ્થિર થઈ છે.
ફેડરલ દ્વારા રેટ કટની જાહેરાતને ધ્યાનમાં લેતા આજે બૅન્ચમાર્ક આંકોમાં નોંઘપાત્ર ઉછાળો જોવા મળ્યા બાદ સાધારણ સુધારા બંધ રહ્યા હતા. એકંદરે ૫૦ બેસિસ પૉઈન્ટનો બમ્પર રેટ કરવામાં આવ્યો હોવાથી બજારમાં આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ચિંતા સપાટી પર આવતા વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
આજે બીએસઈ ખાતે કુલ ૪૦૭૫ શૅરોમાં કામકાજ થયા હતા, જેમાં ૧૨૪૬ શૅરના ભાવ વધીને, ૨૭૩૪ શૅરના ભાવ ઘટીને અને ૯૫ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ ૨૪૧ શૅરના ભાવ બાવન સપ્તાહની ઊંચી અને ૫૩ શૅરના ભાવ બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૯ શૅરના ભાવ વધીને અને ૧૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૨.૪૫ ટકાનો સુધારો એનટીપીસીમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે કોટક મહિન્દ્રા બૅન્કમાં ૧.૮૨ ટકાનો, ટિટાનમાં ૧.૫૬ ટકાનો, નેસ્લેમાં ૧.૫૧ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૨૧ ટકાનો અને મારૂતિમાં ૦.૯૯ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૩૨ ટકાનો ઘટાડો અદાણી પોર્ટમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૨૬ ટકાનો, ટીસીએસમાં ૧.૧૪ ટકાનો, જેએસડબ્લ્યુમાં ૦.૯૧ ટકાનો, એચસીએલ ટેક્નોલૉજિસમાં ૦.૮૬ ટકાનો અને ટાટા સ્ટીલમાં ૦.૬૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૬૪ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૪૭ ટકાનો, બૅન્કેક્સમાં ૦.૪૬ ટકાનો, એફએમસી ઈન્ડેક્સમાં ૦.૪૦ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૩૨ ટકાનો અને યુટિલિટિ ઈન્ડેક્સમાં ૦.૧૮ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ટેલિકોમ ઈન્ડેક્સમાં ૩.૮૯ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૮૧ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૧.૫૮ ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૧.૫૬ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૧.૪૬ ટકાનો અને ઈન્ફા ઈન્ડેક્સમાં ૧.૪૩ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૦૬ ટકાનો અને મિડકેપઈન્ડેક્સમાં ૦.૫૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.