સતત ત્રીજા સત્રની આગેકૂચ સાથે સેન્સેક્સે ૭૨,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરી: નિફ્ટી ૨૧,૯૦૦ ઉપર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના મક્ક્મ સંકેત વચ્ચે વધુ એક અફડાતફડીથી ભરેલા દિવસમાં, સતત ત્રીજા સત્રની આગેકૂચ સાથે નિફ્ટી ૨૧,૯૦૦ ઉપર પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સે ૨૨૮ પોઈન્ટના સુધારા સાથે ૭૨,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરી હતી. ખાસ કરીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેન્ક અને સ્ટેટ બેન્ક સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. સ્મોલ અને મિડ કેપ શેરોમાં પણ સારો સુધારો હતો.
સેન્સેક્સ ઊંચા ગેપ સાથે ખૂલીને સત્ર દરમિયાન ૭૨,૧૬૪.૯૭ પોઇન્ટની ઊંચી અને ૭૧,૬૪૪.૪૪ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ અંતે ૨૨૭.૫૫ પોઇન્ટ અથવા તો ૦.૩૨ ટકાના સુધારા સાથે ૭૨,૦૫૦.૩૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૭૦.૭૦ પોઇન્ટ અથવા તો ૦.૩૨ ટકાના સુધારા સાથે ૨૧,૯૧૦.૭૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
એચડીએફસી બેન્કનો શેર ૨.૧૫ ટકાના ઉછાળા સાથે રૂ. ૧૪૧૩.૭૫ની સપાટીએ પહોંચ્યો હતો. જોકે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૬.૫૧ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સનો ટોપ ગેઇનર બન્યો હતો. બીએસઇ બેન્ચમાર્કના અન્ય ગેનર્સ શેરોમાં એનટીપીસી, પાવરગ્રીડ, સ્ટેટ બેન્ક, એચડીએફસી બેન્ક, એશિયન પેઇન્ટ અને વિપ્રોનો સમાવેશ હતો. જ્યારે એક્સિસ બેન્ક, આઇટીસી, એચયુએલ, નેસ્લે ઇન્ડિયા અને સન ફાર્મા ટોપ લૂઝર રહ્યાં હતાં. એનએમડીસીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ૬૨ ટકાના વધારા સાથે રૂ. ૧૪૬૯.૭૩ કરોડનો કોન્સોલિડેટેડ નેટપ્રોફિટ નોંધાવ્યો હતો, જે વર્ષ અગાઉ સમાન સમયગાળામાં રૂ. ૯૦૩.૮૯ કરોડના સ્તરે હતો. કંપનીની કુલ આવક રૂ. ૩૯૨૪.૭૫ કરોડ સામે વધીને રૂ. ૫૭૪૬.૪૭ કરોડના સ્તરે પહોંચી હતી. કંપની બોર્ડે શેરદીઠ રૂ. ૫.૭૫ના ઇન્ટરિમ ડિવિડંડ માટે ૨૭ ફેબ્રુઆરીની રેકોર્ડ ડેટ જાહેર કરી છે.
ક્યુએમએસ મેડિકલ એલાઈડ સર્વિસિસ લિમિટેડે નવ માસિક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં૩.૧૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૯૦.૧૮ કરોડની કુલ આવક અને ૫૫.૧૮ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૭.૪૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા ૬૯.૧૫ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૪.૭૪ કરોડ અને એબિટા માર્જિન ૧૬.૩૪ ટકા રહ્યું છે. નેટ પ્રોફિટ માર્જિન ૮.૨૮ ટકા નોંધાયું છે.
દેશનું ડાએટ્રી સપ્લીમેન્ટ માર્કેટ ૨૨ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ સાથે ૨૦૨૬ સુધીમાં ૧૦ અબજ ડોલર સુધી પહોંચશે અને વીટામિન્સ અને મિનરલ્સ માર્કેટમાં ૨૦૨૪થી ૨૦૨૮ સુધીમાં ૭.૭૧ ટકાના અંદાજિત વાર્ષિક વૃદ્ધિ દર નોંધાવે એવી ધારણા હોવાની માહિતી ઇન્ફોર્મા માર્કેટ્સ દ્વારા વીટાફુડ્સ ઇન્ડિયાની બીજી એડિશન દરમિયાન આપવામાં આવી હતી, જેમાં ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કંપનીઓ ઝડપથી વિકસતા ન્યુટ્રાસ્યુટિકલ બજારમાં પોતાનો ફાળો નોંધાવવા સહભાગી થઇ હતી.
નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં એમએન્ડએમ, બીપીસીએલ, ઓએનજીસી, એનટીપીસી અને પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ હતોે, જ્યારે ટોપ લુઝર્સમાં એક્સિસ બેન્ક, એપોલો હોસ્પિટલ્સ, આઇટીસી, એચયુએલ અને નેસ્લે ઇન્ડિયાનો સમાવેશ થાય છે. સેક્ટોરલ મોરચે, એફએમસીજી ઇન્ડેક્સ ૦.૯ ટકા ઘટ્યો હતો, જ્યારે બીજી તરફ ઓટો, પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી પાવર અને ઓઇલ એન્ડ ગેસ ૧-૨ ટકા વધ્યો હતો. નાના શેરોમાં પણ ફરી લેવાલીનો સળવળાટ જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પ્રત્યેકમાં એક ટકા જેવો ઉછાળો જોવા મળ્યો હતો.
વ્યક્તિગત શેરોમાં, પોલિકેબ ઇન્ડિયા, મુથુટ ફાઇનાન્સ અને પીએનબીમાં ૩૦૦ ટકાથી વધુનો વોલ્યુમ ઉછળો જોવા મળ્યો હતો. એચપીસીએલ, પોલીકેબ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે વેદાંત, મુથૂટ ફાઇનાન્સ અને શ્રી સિમેન્ટમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
એજિસ લોજિસ્ટિક્સ, એસ્ટર ડીએમ હેલ્થ, કેનેરા બેંક, કોલગેટ પામોલિવ, કમિન્સ ઈન્ડિયા, ફોર્સ મોટર્સ, ગુજરાત પીપાવાવ, એચપીસીએલ, કલ્યાણ જ્વેલર, એમ એન્ડ એમ, એમઆરપીએલ સહિત ૩૦૦થી વધુ શેરો બીએસઈ પર તેમની બાવન સપ્તાહની ટોચને સ્પર્શી ગયા છે. એશિયાઇ બજારોમાં જાપાનનો નિક્કી અને હોંગકોંગનો હેંગસેંગ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી રેડ ઝોનમાં સરકી ગયો હતો. ચાઇનાના નાણાં બજારો લ્યુનાર ન્યૂ યરની રજાને કારણે બંધ હતાં. યુરોપના બજારોમાં ખૂલતા સત્રમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે અમેરિકાના બજારોબુધવારે સુધારા સાથે બંધ રહ્યાં હતાં. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૯ ટકા લપસીને બેરલદીઠ ૮૧.૫૩ ડોલર બોલાયું હતું. અગ્રણી એનાલિસ્ટે જણાવ્યું હતું કે, શેરબજારમાં જોવા મળેલો વૈશ્ર્વિક બજારમાં પ્રવર્તી રહેલા સકારાત્મક સેન્ટિમેન્ટને પ્રતિબિંબિત કરે છે. યુરોઝોનમાં ડિસ-ફ્લેશનના વલણ અને કોર્પોરેટ સેકટરની સારી કામગીરીને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. જોકે એ નોંધવું રહ્યું કે, વ્યાપક-આધારિત રિકવરી હોવા છતાં, બજારના સહભાગીઓ ગુણવત્તાયુક્ત લાર્જ-કેપ તરફ વધુ ઝુકાવ ધરાવે છે.
જીટીએલ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન હાથ ધરશે
મુંબઇ: ગ્લોબ ટેક્સટાઈલ્સ (ઈન્ડિયા) લિમિટેડ (જીટીએલ)એ એક્વિઝિશન દ્વારા ફોરવર્ડ ઇન્ટિગ્રેશન હાથ ધરી રહી છે. ડેનિમ જીન્સ, શર્ટિંગ ફેબ્રિક્સ, કોટન પ્રિન્ટેડ ફેબ્રિક્સ, હોમ ટેક્સટાઈલની ઉત્પાદક આ કંપની રૂ.૪૯ કરોડના રાઇટ ઈશ્યુની જાહેરાત કરી છે. ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાત, એક્વિઝિશન અને સામાન્ય કોર્પોરેટ હેતુસર કરવામાં આવશે. કંપનીના ડિરેકટર્સ બોર્ડે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ યોજાયેલી અસાધારણ સામાન્ય સભામાં, કંપનીએ અધિકૃત શેર મૂડી રૂ. ૪૮ કરોડથી વધારીને રૂ. ૬૧ કરોડ કરવાની અને કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં મૂડી કલમમાં ફેરફારને મંજૂરી આપી હતી.