શેર બજાર

રાજકીય ચિંતા હળવી થતાં સતત બીજા દિવસના સુધારામાં સેન્સેક્સે૬૯૨ પોઇન્ટના જમ્પ સાથે ૭૫,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત અને સ્થાનિક સ્તરે ત્રીજી વખત મોદી સરકાર રચાવાની ખાતરીના ટ્રીગરે શેરબજારમાં જળવાયેલા તેજીના માહોલ વચ્ચે સેન્સેકસ અને નિફ્ટીએ ગુરુવારના સત્રમાં વધુ એક ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. સેન્સેક્સ ૭૫,૦૦૦ની સપાટી પુન:હાંસલ કરી ૬૯૨.૨૭ પોઇન્ટ અથવા તો ૦.૯૩ ટકાના ઉછાળા સાથે ૭૫,૦૭૪.૫૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક ૭૫,૨૯૭.૭૩ પોઇન્ટ સુધી ઊછળ્યો હતો. જ્યારે નિફ્ટી સત્રમાં ૨૨,૯૧૦.૧૫ પોઇન્ટ સુધી ઊંચે જઇને અંતે ૨૦૧.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૮૯ ટકાના સુધારા સાથે ૨૨,૮૨૧.૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

નિફ્ટી પીએસયુ બેન્ક અને ઓઇલ એન્ડ ગેસ સેકટરમાં, પ્રત્યેકમાં ચાર ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં ધોવાયેલા મિડકેપ અને સ્મોલ કેપ શેરોએ એક્ઝિટ પોલ અગાઉના સ્તરો ફરી હાંસલ કરી લીધા છે. નવો ઓર્ડર મળ્યો હોવાની ચર્ચાએ ભેલના શેરમાં ઉછાળા સાથે ૧૦ ટકાની ઉપલી સર્કિટ જોવા મળી હતી.

ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજીસ, સ્ટેટ બેન્ક, એનટીપીસી, ઇન્ફોસિસ, લાર્સન એન્ડ ટૂબ્રો, ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ અને વિપ્રો સેનેસ્કેસના શેરોમાં સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં રહ્યાં હતાં.

જ્યારે હિંદુસ્તાન યુનિલીવર, એશિયન પેઇન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે, ઇન્ડસઇન્ડ બેન્ક અને સન ફાર્મા સોથી વધુ ઘટવનારા શેરોની યાદીમાં રહ્યાં હતાં.

બીટુબી, બીટુબીટુસી અને નાણાકીય ટેક્નોલોજી ક્ષેત્રોમાં ડિજિટલ પ્રોડક્ટસ અને સર્વિસ પ્રોવાઇડર અગ્રણી કંપનીઓમાંની એક એમઓએસ યુટિલિટી લિમિટેડે ઓડિટેડ નાણાકીય પરિણામમાં ૭૬.૦૭ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૯૩.૦૯ કરોડની કુલ આવક, ૧૧૩.૬૧ ટકાની વૃદ્ધિ સાથે રૂ.૧૨.૧૩ કરોડનો ચોખ્ખો નફો અને રૂ. ૧૭.૮૫ કરોડનો એબિટા નોંધાવ્યો છે. વ્હીકલ અને એમએસએમઇ લોન વર્ટિકલ્સમાં મજબૂત સ્થાન ધરાવતી બૈદ ફિનસર્વ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ઓડિટેડ નાણાકીય પરિણામોમાં એબિટામાં ૩૦ ટકાનો ઉછાળો અને માર્જિનમાં ૫૩૪ બેસિસ પોઇન્ટની વૃદ્ધિ નોંધાવી છે. કુલ આવક રૂ. ૬૬.૩૬ કરોડ, ચોખ્ખો નફો રૂ. ૧૨.૯૨ કરોડ અને એબિટા રૂ. ૪૧.૬૨ કરોડ નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૬૨.૭૨ ટકા અને નેટ પ્રોફિટ માર્જિન ૧૯.૪૭ ટકા રહ્યું છે.

ઍઈમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર એનએસઈ ઈમર્જ પર રૂ. ૨૪૧.૦૦ના દરે લિસ્ટ થયા હતા, જે તેના રૂ.૧૬૧ પ્રતિ શેરના ઈશ્યુ ભાવથી લગભગપચાસ ટકાનું પ્રીમિયમ દર્શાવે છે. આઇપીઓની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ.૧૫૩થી ૧૬૧ હતી. આઇપીઓ ૯૯.૨૪ગણો સબસ્ક્રાઇબ થયો હતો. લીડ મેનેજર હેમ સિક્યોરિટિઝ હતા. કંપની ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સેવાઓ માટે પ્રોડક્ટ અને સોલ્યુશન પ્રોવાઇડર છે. ખૂલતા સત્રથી જ તેજીનો માહોલ હતો.

સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનવાની સંભાવના અને મોદીના પીએમ બનવાની આશા પ્રબળ બનવાથી બજારના સેન્ટિમેન્ટને ટેકો
મળ્યો છે.

આ ઉપરાંત અમેરિકાના લેબર ડેટા નબળા આવવાથી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં કાપ જાહેર કરશે એવી આશા વચ્ચે વિશ્ર્વ બજારમાંથી સારા સંકેત છે. એ જ સાથે યુએસ ટ્રેઝરી બિલની યિલ્ડમાં ઘટાડો થયો છે.આ કારણો ભેગા થતા નિફ્ટી, સેન્સેક્સ અને બેન્ક નિફ્ટી ત્રણે ગ્રીન જોનમાં ખૂલ્યા હતા.

પાંચમી જૂને શેરબજારમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી. આગલા દિવસે ભારે ભયાનક કડાકો સહન કર્યા પછી, નિફ્ટીએ ફરીથી મજબૂતી મેળવી અને ૭૩૫ પોઇન્ટના વધારા સાથે ૨૨,૬૦૦ની નજીક બંધ થયો હતો. નિષ્ણાતો માને છે કે બજારને રાજકીય સ્થિરતા બાબતે સંતોષ મળ્યો હોવાથી આ ઉછાળો આવ્યો છે, જોકે સરકાર મીલીજુલી હોવાથી આર્થિક એજન્ડા આગળ વધારવામાં મુશ્કેલી થઈ શકે છે. વિદેશી ફંડોની વેચવાલી પણ ચાલુ રહી છે કારણકે તેમના મતે ભારતના વેલ્યુએશન હજુ ઘણાં ઊંચા છે. આ વર્ગ ચાઇના તરફ ફંટાયો છે.

બજારના નિષ્ણાતો અનુસાર પાછલા ત્રણ દિવસની અસાધારણ ઉથલપાથલ અને અસ્થિરતા પછી બજાર સામાન્ય સ્થિતિમાં આવી ગયું હોય એવું લાગે છે, ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની વધતી સંભાવના સાથે વૈશ્વિક પરિબળો પણ સાનુકૂળ થઈ ગયા છે. યુએસમાં શ્રમ બજારના નબળા પડવાના સ્પષ્ટ સંકેતોને કારણે યુએસ બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઘટાડો થયો છે. વિદેશી મૂડી પ્રવાહ માટે આ બાબત અનુકૂળ હોવા છતાં, વિદેશી ફંડો, ખાસ કરીને ચીનના શેરોના સસ્તા મૂલ્યાંકનની સરખામણીમાં ભારતમાં ઊંચા મૂલ્યાંકનને કારણે વેચવાલી ચાલુ રાખે એવી શક્યતા છે.

નજીકના ગાળામાં આપણી પાસે રાજકીય સ્થિરતા છે પરંતુ રાજકીય વિકાસ બજારો પર ભાર મૂકવો આવશ્યક રહેશે. બજારની ચિંતા એ છે કે સાથી પક્ષો પર ભાજપની અવલંબન આર્થિક સુધારાને અસર કરી શકે છે, જે વૃદ્ધિને અસર કરે છે અને તેથી લાંબા ગાળે કોર્પોરેટ અર્નિંગ પર અસર કરી શકે છે.

નોંધવું રહ્યું કે મંગળવારે લોકસભાની ચૂંટણીમાં ભાજપને અપેક્ષા અને ધારણાં કરતા ખૂબ જ ઓછી બેઠકો મળી હોવાથી શેરબજારમાં હતાશાની સુનામી ફરી વળી હતી અને એક તબક્કે ૬,૨૩૫ પોઇન્ટના ભયાનક કડાકા સાથે ૭૦,૨૩૪.૪૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૪૩૮૯.૭૩ પોઇન્ટ અથવા તો ૫.૭૪ ટકાના જોરદાર કડાકા સાથે ૭૨,૦૭૯.૦૫ પોઇન્ટની સપાટી પર, જ્યારે નિફ્ટી ૧,૨૮૧.૪૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૧,૩૭૯.૪૦ પોઇન્ટ અથવા તો ૫.૯૩ ટકાના તોતિંગ કડાકા સાથે ૨૧,૮૮૪.૫૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા