સેન્સેક્સે સાધારણ સુધારા સાથે 72,000ની સપાટી પુન:હાંસલ કરી, નિફ્ટી 21,700ની ઉપર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્વિક બજારોના મિશ્ર પ્રતિસાદ છતાં સ્થાનિક સ્તરે વિદેશી રોકાણકારોની લેવાલી ચાલુ રહેવાના આશાવાદ વચ્ચે સેન્ટિમેન્ટ જળવાિ રહેવા સાથે આઇટી શેરોની આગેવાની હેઠળ નવેસરની લેવાલીનો ટેકો મળતાં ભારતીય શેરબજાર સતત બીજા સત્રમાં આગળ વધ્યું હતું અને સેન્સેક્સે સાધારણ સુધારા સાથે 72,000ની સપાટી પુન:હાંસલ કરી છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)નો આંતરપ્રવાહ ફરી શરૂ થવા સાથે ખાસ કરીને આઇટી, ટેકનોલોજી અને કેપિટલ ગુડ્ઝ શેર્સમાં ઉછાળાને પગલે બેન્ચમાર્ક સ્ટોક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે સતત બીજા દિવસે ઊંચા સ્તરે બંધ રહ્યા હતા.
બજારના સાધનો અનુસાર મોડી બપોરના વેપાર દરમિયાન થોડા સમય માટે લપસ્યા પછી, ત્રીસ શેર ધરાવતા સેન્સેક્સે ઝડપી રિકવરી સાધી હતી અને 178.58 પોઈન્ટ અથવા 0.25 ટકા ઉછળીને 72,026.15 પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન બેન્ચમાર્ક 308.91 પોઈન્ટ અથવા 0.42 ટકા વધીને 72,156.48 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
જ્યારે પચાસ શેર ધરાવતો એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ 52.20 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 21,710.80 પોઇન્ટના સ્તર પર પહોંચ્યો હતો.
સેન્સેક્સ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજીસ, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને વિપ્રો સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં સામેલ હતા. જ્યારે નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક અને એચડીએફસી બેન્કનો સમાવેશ સૌથી વધુ ઘટનારા શેરેોમાં હતો.
સાનુકૂળ આર્થિક સ્થિતિ અને સકારાત્મક માગના વલણોને ટેકો આપતા ડિસેમ્બરમાં ભારતમાં સર્વિસ સેક્ટરની વૃદ્ધિ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હોવાનું શુક્રવારે માસિક સર્વેક્ષણમાં જણાવાયું હતું.
સીઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઇન્ડિયા સર્વિસીસ પીએમઆઇ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ નવેમ્બરમાં 56.9ના સ્તરથી વધીને ડિસેમ્બરમાં 59 સુધી પહોંચ્યો હતો, જે આઉટપુટમાં સપ્ટેમ્બર પછીનો સૌથી વધુ તીવ્ર વધારો દર્શાવે છે.
એશિયન બજારોમાં, ટોક્યો સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા હતા, જ્યારે સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ નીચા સ્તરે બંધ થયા હતા. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં ખોટ સાથે કામકાજ કરી રહ્યા હોવાના અહેવાલ હતા. ગુરૂવારે અમેરિકન બજારો મોટાભાગે નીચા મથાળે બંધ રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.94 ટકા વધીને 78.32 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરૂવારે રૂ. 1,513.41 કરોડની ઇક્વિટી ખરીદી હતી. પાછલા સત્રમાં ગુરૂવારે, બીએસઇ બેન્ચમાર્ક 490.97 પોઈન્ટ અથવા 0.69 ટકા વધીને 71,847.57 પર સેટલ થયો હતો અને નિફ્ટી 141.25 પોઈન્ટ્સ અથવા 0.66 ટકા વધીને 21,658.60 પર સ્થિર થયો હતો.