શેર બજાર

સેન્સેક્સે ૩૩૬ પોઇન્ટના સુધારા સાથે ૭૩,૦૦૦ની સપાટી પાછી હાંસલ કરી, નિફ્ટી ફરી ૨૨,૧૫૦ નજીક સરક્યો

રોકાણકારોની સંપત્તિમાં ₹ ૭.૮૧ લાખ કરોડનો ઉમેરો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં ગુરુવારના સત્રમાં વ્યાપક લેવાલી સાથે સુધારાનો ચમકારો જોવા મળ્યો હતો. સેન્સેક્સે ૩૩૬ પોઇન્ટના સુધારા સાથે ૭૩,૦૦૦ પોઇન્ટની સપાટી પાછી હાંસલ કરી હતી, જ્યારે નિફ્ટી ફરી ૨૨,૧૫૦ નજીક સરક્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ ફરી લેવાલીનો સળવળાટ શરૂ થતાં મિડકેપ ઈન્ડેક્સ ૨.૨ ટકા વધ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ ત્રણ ટકા જેટલો ઊછળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૮૧ લાખ કરોડનો ઉમેરો નોંધાયો હતો.

શેરબજારે પ્રારંભિક અફડાતફડીને બાજુએ મૂકીને સ્મોલ અને મિડકેપ શેરોને આધારે એકધારી આગેકૂચ નોંધાવી હતી. એકદંરે સકારાત્મક માહોલ વચ્ચે તમામ ક્ષેત્રોમાં વ્યાપક લેવાલી જોવા મળી હતી. બજાર પ્રારંભિક સત્રની ખોટ ભૂંસીનેે સત્રના બાકીના ભાગમાં નિફ્ટીએ ૨૨,૨૦૦ ઈન્ટ્રાડે વટાવીને ઊંચા સ્તર સુધી આગેકૂચ કરી હતી અને સેન્સેક્સે પણ સરળતાથી ૭૩,૦૦૦ની સપાટી વટાવીૂ નાંખી હતી. સત્રને અંતે, સેન્સેક્સ ૩૩૫.૩૯ પોઈન્ટ અથવા ૦.૪૬ ટકા વધીને ૭૩,૦૯૭.૨૮ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૧૪૯ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા વધીને ૨૨,૧૪૬.૭૦ પોઇન્ટના સ્તરે સ્થિર થયો હતો.

સેન્સેક્સના શેરોમાં એચસીેલ ટેકનોલોજીસ, ઇન્ફોસિસ, વિપ્રો, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીેસ અને એશિયન પેઇન્ટ મેજર ગેઇનર રહ્યાં હતાં. નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસીનો સમાવેશ હતો. જ્યારે બીએસઇ અને એનએસઇ પર એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક અને જેએસડબ્લ્યુ સ્ટીલનો સમાવેશ ટોપ લુઝર્સ શેરોમાં હતો. બૅન્ક સિવાય, ટેલિકોમ, પાવર, ઓઇલ અને ગેસ પ્રત્યેક ત્રણેક ટકાના વધારા સાથે અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યાં હતાં, જ્યારે ઓટો, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, હેલ્થકેર અને મેટલ ઇન્ડેક્સમાં એકથી બે ટકાવનો વધારો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૨.૨ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ત્રણ ટકા વધવા સાથે વ્યાપક શેરઆંકોએ મુખ્ય બેન્ચમાર્કને પાછળ રાખી દીધા હતા. બિરલાસોફ્ટ, ઇપ્કા લેબ અને અંબુજા સિમેન્ટ્સમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે એક્સિસ બેન્ક, એનએમડીસી અને બજાજ ફાઇનાન્સમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.

બજારના વિશ્ર્લેષકો અને ખુદ બજાર નિયામક દ્વારા ઊંચા વેલ્યુએશન અંગે આટલી ચેતવણીઓ છતાં આ સત્રમાં બ્રોડ માર્કેટમાં ફરી લેવાલીનું જોર જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતા સ્મોલ કેપ ઇન્ડેક્સમાં વધુ જોરદાર ઉછાળો જોઇ વિશ્ર્લેષકો પણ ચોંકી ગયા હતા, તેમના મતે આ એકાએક ઉછાળો અપેક્ષિત નહોતો.

બજારના સાધનો અનુસાર સત્રની નબળી શરૂઆત પછી, બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી, તેમના વ્યાપક બજારના તેજીના વલણને અનુસરીને પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યા હતા. બજારના પીઢ અભ્યાસુ જણાવે છે કે, વાસ્તવમાં તો મૂલ્યાંકન સતત અને અવાસ્તવિક સ્તરે વધવાને કારણે વ્યાપક બજારમાં વધુ કરેકશનની સંભાવના છે. રોકાણકારોએ હવે લાર્જકેપ્સ અને ગુણવત્તાયુક્ત મિડકેપ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવેથી અતાર્કિક ઉત્સાહને સ્થાને તર્કસંગત મૂલ્યાંકન અને ગુણવત્તા પ્રેરક બળ બનશે.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેક્નોલોજીસ ૨.૯૬ ટકા, વિપ્રો ૨.૬૩ ટકા, ઈન્ફોસિસ ૨.૫૩ ટકા, ભારતી એરટેલ ૨.૨૩ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૦૯ ટકા વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૧.૬૮ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૩૩ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૦૫ ટકા, જેએસડબલ્યૂ સ્ટીલ ૦.૮૨ ટકા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૭૬ ટકા ઘટ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button