નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્રમાં પણ તેજીની આગેકૂચ ચાલુ રહી છે. નોમુરાએ નિફ્ટી માટે ૨૦૨૪ના અંત સુધીમાં ૨૪૨૬૦ના સ્તરની આગાહી કરી હોવાથી સેન્ટિમેન્ટને સારો ટેકો મળ્યો છે.
બેંકો, રિલાયન્સ અને આઈ ટી શેરોમાં ઉછાળાની આગેવાની હેઠળ સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોએ શુક્રવારના વેપારમાં તેજીને આગળ વધારી હતી. સેન્સેક્સે 72,000ની સપાટી ફરી મેળવી હતી જ્યારે નિફ્ટી50 એ 21,700 ની ટોચની સપાટી બનાવી હતી.
સેન્સેકસ પ્રારંભિક સત્રમાં 72,156 સુધી ઊંચે ગયો હતો. જોકે, નોંધવા જેવી બાબત એ છે કે વિશ્લેષકોની સતત ચેતવણી છતાં નાના શેરોમાં લેવાલી એટલી જળવાઈ છે કે વ્યાપક બજારે સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય બેન્ચમાર્કને પાછળ રાખી દીધા છે.
ભારત VIX ઇન્ડેક્ષ આજના સત્રમાં હળવો થયો હતો. ક્ષેત્રીય શેરઆંકોમાં એફએમસીજી અને ફાર્મા સિવાયના તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં હતા.
બજારમાં ચાલી રહેલી તેજીની એક મહત્વની વિશેષતા એ છે કે સંસ્થાઓ નહીં, પણ રિટેલ રોકાણકારો ધૂમ મચાવી રહ્યા છે. નોંધવું રહ્યું કે વ્યાપક બજારના અતિશય ઊંચા મૂલ્યાંકન લાંબા સમય સુધી ટકાવી શકાતા નથી, એમ કહેતા જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વી કે વિજયકુમારે ચેતવણી આપી હતી કે વ્યાપક બજારમાં મોટા કરેક્શનની શક્યતા છે, એકમાત્ર પ્રશ્ન એ છે કે ક્યારે!
Taboola Feed