ઈન્ડેક્સ હેવી વેઈટ શૅરોમાં લેવાલીએ સેન્સેક્સમાં વધુ ૩૨૯ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૯૩ પૉઈન્ટની આગેકૂચ
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ₹ ૧૭૬૧.૮૬ કરોડની વેચવાલી, સ્થાનિક ફંડોની ₹ ૧૩૨૮.૪૭ કરોડની લેવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારોનાં મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આરંભિક તબક્કામાં નરમાઈનું વલણ જોવા મળ્યા બાદ ખાસ કરીને ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતા શૅરો જેમ કે રિલાયન્સ, એચડીએફસી બૅન્ક અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં રોકાણકારોની લેવાલી ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટયાના અહેવાલો સાથે સતત બીજા સત્રમાં સુધારો આગળ ધપતા બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ફરી ૬૪,૦૦૦ની સપાટી પાર કરીને ૬૪,૧૧૨.૬૫ના મથાળે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૯૩.૬૫ પૉઈન્ટ વધીને ૧૯,૧૪૦.૯૦ના મથાળે બંઘ રહ્યો હતો. વધુમાં એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૭૬૧.૮૬ કરોડની ચોખ્ખી વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૩૨૮.૪૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.
એકંદરે આજે સપ્તાહના આરંભે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૬૩,૭૮૨.૮૦ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૬૩,૮૮૫.૫૬ના મથાળે ખૂલ્યા બાદ વેચવાલીનું દબાણ વધતા સત્ર દરમિયાન નીચામાં ૬૩,૪૩૧.૪૫ સુધી ઘટ્યા બાદ લેવાલી નીકળતાં ઉપરમાં સેન્સેક્સ ૬૪,૧૮૪.૫૮ સુધી વધ્યા બાદ અંતે આગલા બંધ સામે ૦.૫૨ ટકા અથવા તો ૩૨૯.૮૫ પૉઈન્ટ વધીને ૬૪,૧૧૨.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી આગલા ૧૯,૦૪૭.૨૫ના બંધ સામે ૧૯,૦૫૩.૪૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૮,૯૪૦થી ૧૯,૧૫૮.૫૦ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે ૦.૪૯ ટકા અથવા તો ૯૩.૬૫ પૉઈન્ટ વધીને ૧૯,૧૪૦.૯૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
આગામી પહેલી નવેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવા આશાવાદ ઉપરાંત સ્થાનિકમાં જાહેર થઈ રહેલા સપ્ટેમ્બર અંતના બીજા ત્રિમાસિકગાળાના પરિણામો આકર્ષક આવી રહ્યા હોવાથી રોકાણકારોમાં થોડાઘણાં અંશે ખરીદીમાં ઉત્સાહ જોવા મળ્યો હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું. વધુમાં એચડીએફસી સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ દિપક જસાણીએ જણાવ્યું હતું કે આજે જાપાન અને દક્ષિણ કોરિયાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે એશિયા પેસિફિક બજારોમાં મિશ્ર વલણ રહ્યું હતું. તે જ પ્રમાણે યુરોપના બજારોમાં ખાસ કરીને ઈઝરાયલના ગાઝા પરના આક્રમણને કારણે તણાવ વધવાની ભીતિ અને અમેરિકી ફેડરલ રિઝર્વનાં નિર્ણય પૂર્વે સત્રના આરંભે સુધારા સાથે ખૂલ્યા બાદ મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
પશ્ર્ચિમ એશિયામાં જોવા મળી રહેલા રાજકીયભૌગોલિક તણાવની અસર યુરોપ અને એશિયાની બજારો પર જોવા મળી રહી છે અને તેની અસર ભારતીય બજાર પર પણ પડી છે અને ગત સપ્તાહે વ્યાપક માત્રામાં વેચવાલીનું દબાણ આવ્યા બાદ આજે પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામો અને વિશ્ર્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં આવેલા ઘટાડાને કારણે થોડોઘણો સુધારો જોવા મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતા ઉમેર્યું હતું કે બજારની આગામી ચાલનો આધાર રાજકીયભૌગોલિક તણાવની સ્થિતિ અને બૉન્ડની યિલ્ડની વધઘટ પર અવલંબિત રહેશે. નોંધનીય બાબત એ છે કે આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૧.૫૫ ટકા ઘટીને બેરલદીઠ ૮૯.૧૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન આજે સ્થાનિકમાં સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૫ શૅરના ભાવ વધીને અને ૧૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૯ શૅરના ભાવ વધીને અને ૨૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જોકે, સેન્સેક્સ હેઠળના શૅરોમાં મુખ્ય વધનાર શૅરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટમાં સૌથી વધુ ૨.૫૦ ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સિવાય રિલાયન્સમાં ૨.૦૪ ટકા, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૩૩ ટકા, ભારતી એરટેલમાં ૧.૨૪ ટકા, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૦૭ ટકા અને એચડીએફસી બૅન્કમાં ૧.૦૪ ટકા વધી આવ્યા હતા, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૯૪ ટકાનો ઘટાડો ટાટા મોટર્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મારુતિ સુઝુકીમાં ૧.૫૨ ટકા, એક્સિસ બૅન્કમાં ૧.૩૧ ટકા, એનટીપીસીમાં ૦.૮૫ ટકા, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૦.૮૨ ટકા અને આઈટીસીમાં ૦.૭૨ ટકા ઘટી આવ્યા હતા. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૧૩ ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૦૬ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં મુખ્યત્વે રિયલ્ટી ઈન્ડેક્સમાં સૌથી વધુ ૧.૯૯ ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં ૧.૫૨ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૧.૨૪ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૧.૧૬ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૦.૫૭ ટકાનો અને બૅન્કેક્સમાં ૦.૫૪ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકા, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૯૧ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૪૨ ટકાનો અને એફએમસી ઈન્ડેક્સમાં ૦.૩૫ ટકાનો ઘટાડો આવ્યો હતો.