શેર બજાર

વિશ્ર્વબજારની નબળાઇ અને વિદેશી ફંડોની વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૨,૬૫૦ની નીચે ધસી ગયો, નિફ્ટીએ ૨૨,૦૦૦ની સપાટી માંડ જાળવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં એક દિવસની રાહત બાદ ફરી મંદીવાળા હાવી થઇ ગયા હતા. વિશ્ર્વબજારના નબળા સંકેત અને વિદેશી ફંડોની વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૨,૬૫૦ની નીચે ધસી ગયો, જ્યારે નિફ્ટી ૨૨,૦૦૦ની સપાટી માંડ જાળવી શક્યો હતો. સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે ઇક્વિટી બેન્ચમાર્ક શેરઆંકોમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો હતો.

ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ નબળી શરૂઆત બાદ ૪૫૩.૮૫ પોઈન્ટ અથવા ૦.૬૨ ટકા ઘટીને ૭૨,૬૪૩.૪૩ પોઇન્ટ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, બેન્ચમાર્ક ૬૧૨.૪૬ પોઈન્ટ અથવા ૦.૮૩ ટકા ઘટીને ૭૨,૪૮૪.૮૨ સુધી ગબડ્યો હતો. જ્યારે એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી ૧૨૩.૩૦ પોઈન્ટ અથવા ૦.૫૬ ટકા ઘટીને ૨૨,૦૨૩.૩૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.

સેન્સેક્સ બાસ્કેટમાંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, એનટીપીસી, એચસીએલ ટેક્નોલોજીસ, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ટોપ લુઝર શેરોમાં સમાવેશ હતો. જ્યારે ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં સિઓલ, ટોકીયો અને હોંગકોંગ શેરબજાર નેગેટીવ ઝોનમાં સ્થિર થયા હતા, જ્યારે શાંઘાઈ શેરબજાર પોઝિટીવ ઝોનમાં આગળ વધ્યું હતું. યુરોપિયન બજારો નિરસ માહોલમાં નજીવા વધારા સાથે અથડાયેલા રહ્યા હતા, જ્યારે ગુરૂવારે યુએસ બજારો નકારાત્મક ક્ષેત્રમાં સમાપ્ત થયા હતા.

એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ ગુરૂવારે રૂ. ૧,૩૫૬.૨૯ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. જોકે, આજે શુક્રવારે એફઆઇઆઇએ રૂ. ૮૪૮.૫૬ કરોડની લેવાલી કરી હોવા છતાં બજારને ટેકો મળ્યો નહોતો. આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૮ ટકા ઘટીને ૮૪.૮૪ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.

એનાલિસ્ટ અને માર્કેટ રેગ્યુલેટરે આપેલી ચેતવણી પછી મીડ અને સ્મોલકેપ પ્રત્યે સાવધાનીના વલણ સાથે ફંડો દ્વારા આ વર્ગના શેરોમાં વેચાણ રહેતા. બજારના સેન્ટિમેન્ટને વ્યાપક નકારાત્મક અસર પહોંચાડી છે. જો કે, વૈશ્ર્વિક કોમોડિટીના ભાવમાં ઘટાડો અને નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ભારતના જીડીપીના અંદાજનો સુધારો મજબૂત સ્થાનિક માગને પ્રદર્શિત છે, જે વ્યાપક બજારને રિબાઉન્ડ થવામાં ટેકો આપે છે.

આ સત્રમાં બ્રોડર માર્કેટમાં, બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૦.૫૧ ટકા ઘટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૨૫ ટકા વધ્યો હતો. ગુરૂવારે બેન્ચમાર્ક ૩૩૫.૩૯ પોઈન્ટ અથવા ૦.૪૬ ટકા વધીને ૭૩,૦૯૭.૨૮ પર સેટલ થયો હતો. નિફ્ટી ૧૪૮.૯૫ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા વધીને ૨૨,૧૪૬.૬૫ પર પહોંચ્યો હતો.

ચાર બેન્કોનો સહયોગ સાંપડતા પેટીએમના શેરમાં ઉપલી સર્કિટ: પેટીએમનો શેર બજારમાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે. ચાર બેન્કોના સહયોગ સાતે પેટીએમ તેના યુપીઆઇ ટ્રાન્ઝાકશનનું કામ ચાલુ રાખી શકશે, એવા અહેવાલો પછી લેવાલી વધતા પેટીએમ બ્રાન્ડની માલિક કંપની વન ૯૭ કમ્યુનિકેશનનો શેર પાંચ ટકાના ઉછાળા સાથે અપર સર્કિટમાં અથડાયો હતો.

બીએસઇ પર આ કંપનીનો શેર પાંચ ટકાની ઉપલી સર્કિટ સુધી ઉચળીને રૂ. ૩૭૦.૯૦ બોલાયો હતો અને એનએસઇ પર પણ રૂ. ૩૭૦.૭૦ સુધી ઉછળીને પાંચ ટકાના ઉછાળા સાથે ઉપલી સર્કિટમાં અથડાયો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન તે તબક્કે રૂ. ૨૩,૫૬૭.૫૦ કરોડ રહ્યું હતું.

પેટીએમના પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર તરીકે ચાર બેંક કામ કરશે, જેમાં એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ, યસ બેંકનો સમાવલેશ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીએ)એ પેટીએમની માલિકીવાળી વન૯૭ કમ્યુનિકેશન્સ લિમિટેડને મલ્ટીબેંક મોડલ હેઠળ યૂપીઆઈ સિસ્ટમમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડરના રૂપમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે.

એનપીસીઅનો આ નિર્ણય રિઝર્વ બેંકની તે ડેડલાઈનના એક દિવસ પહેલા આવ્યો છે, જેમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના ગ્રાહકો અને વેપારીઓને ૧૫ માર્ચ સુધી પોતાના એકાઉન્ટ અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરવા માટે કહેવાયું હતું. નોંધવું રહ્યું કે, ૧૭ ફેબ્રુઆરીએ પેટીએમએ પણ પોતાના નોડલ એકાઉન્ટ્સને એક્સિસ બેંકની સાથે ટ્રાન્સફર કરી દીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button