શેર બજાર

એચડીએફસી અને રિલાયન્સના ધબડકા પાછળ સેન્સેક્સ કારમા કડાકા સાથે ૭૧,૦૦૦ની નીચે ધસી ગયો

મુંબઇ: વિશ્ર્વબજારમાંથી કોઇ તગડા ટ્રીગર વગર સ્થાનિક સ્તરે એચડીએફસી અને રિલાયન્સના ધબડકા પાછળ સેન્સેક્સ કારમા કડાકા સાથે ૭૧,૦૦૦ની નીચે ધસી ગયો છે અને એ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ પણ નોંધાયું છે.

શેરબજારે સત્રની શરૂઆત જોરદાર થઈ હતી. સેન્સેકસ ખુલતા સત્રમાં ૬૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૨,૦૦૦ની સપાટી પાર કરી ગયો હતો, પરંતુ એચડીએફસી અને ઝી એન્ટ.ની આગેવાની હેઠળ જોરદાર વેચવાલી શરૂ થતાં સેન્સેકસ સત્રની ઊંચી સપાટી સામે ૧૬૦૦ પોઇન્ટ નીચે પટકાઈ ગયો હતો અને નિફ્ટી પણ ૨૧,૩૦૦ની નીચે સરકી ગયો હતો.

સેન્સેક્સ ૪૫૦ પોઇન્ટના ઊંચા ગેપ સાથે ખૂલ્યા બાદ અંતે ૧૦૫૩.૧૦ પોઇન્ટ અથવા તો ૧.૪૭ ટકાના કડાકા સાથે ૭૦,૩૭૦.૫૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો પચાસ શેરવાળો નિફ્ટી ઇન્ડેક્સ ૩૩૦.૧૫ પોઇન્ટ અથવા તો ૧.૫૩ ટકાના કડાકા સાથે ૨૧,૨૪૧.૬૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. વિશ્ર્વબજારના અસ્પષ્ટ સંકેત સાથે સ્થાનિક સ્તરે એચડીએફસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાનીએ તીવ્ર વેચવાલી થવાને કારણે સેન્સેકસમાં ૧૦૫૩ પોઈન્ટનો જબરદસ્ત ધબડકો જોવા મળ્યો છે. આજ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે. સેન્સેક્સના શેરોમાં ૬.૧૩ ટકાના કડાકા સાથે ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ લૂઝર બન્યો હતો. અન્ય સૌથી વધુ ગબડનારા શેરોમાં સ્ટેટ બેન્ક ૩.૯૯ ટકા, હિંદુસ્તાન યુનિલીવર ૩.૮૨ ટકા, એક્સિસ બેન્ક ૩.૪૧ ટકા અને એચડીએફસી બેન્ક ૩.૪૫ ટકા ગબડ્યો હતો. આની સામે સનફાર્મા, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેન્ક અન પાવરગ્રીડ પ્રવાહથી ઊંધા તરીને ૩.૬૭ ટકા સુધી ઊચળ્યા હતા. ટીસીએસ અને બજાજ ફિનસર્વ પણ ગેનર્સની યાદીમાં હતા.

સોની પિક્ચર્સે ૨૨ જાન્યુઆરીએ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ સાથે ૧૦-અબજ ડોલરના મર્જર સોદાને રદ્ કરવાની જાહેરાત કરતા ઝીલને કરારભંગ માટે ૯૦ મિલિયન ડોલરની માગણી સાથે આબ્રિટ્રેશનની નોટીસ આપી હતી. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે બ્રાન્ચ વિસ્તરણ હેઠળ મુંબઇમાં ચાર નવા આઉટલેટની સ્થાપના સાથે મહારાષ્ટ્રમાં આઉટલેટની સંખ્યા ૭૪ સુધી અને દેશમાં ૮૮૩ સુધી પહોંચાડી છે.

એચડીએફસીમાં તેના પરિણામની જાહેરાતથી ગબડી રહ્યો છે, જ્યારે ઝીલમાં સોનીએ છેડો ફાડી નાખ્યો હોવાથી ૨૭ ટકા સુધીનો કડાકો હતો, જે અંતે ૩૩ ટકા સુધી નીચી સપાટીએ ગબડ્યો હતો. આ ઓછું હોય તેમ ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ ધોવાણ થતાં સેન્સેકસને વધુ ઝટકો લાગ્યો હતો. ઇન્ડેક્સને સૌથી વધુ નુકસાન એચડએફસી અને રિલાયન્સને કારણે થયું છે.
દરમિયાન ખુલતા સત્રમાં એક નવો વિક્રમ પણ સર્જાયો હતો. ભારતીય શેરબજારે હોંગકોંગને પાછળ છોડીને વિશ્ર્વનું ચોથું સૌથી મોટા સ્ટોક માર્કેટનું સ્થાન મેળવી લીધું હતું. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મંગળવારના રોજ ભારતીય સ્ટોકનું માર્કેટ કેપિટલ હોંગકોંગના ૪.૨૯ ટ્રિલિયન ડોલરના સામે ૪.૩૩ ડોલર હતું. ભારતીય શેરબજારનું માર્કેટ કેપિટલ પાંચમી ડિસેમ્બરના રોજ પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…