
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારની એકધારી તેજીને બુધવારે એકાએક બ્રેક લાગી હતી. એક તબક્કે સેન્સેકસમાં ૮૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. વ્યાપક બજારમાં વેચવાલીનું દબાણ વધતાં નિફ્ટી મીડકેપમાં ૧૨૦૦ પોઇન્ટનું ધોવાણ જોવા મળ્યું હતું
સત્રની શરૂઆતે કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની ચાલી રહેલી રેલીને કારણે બુધવારે સવારના સત્રમાં ભારતીય શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. જો કે, નાણાકીય શેરોમાં વેચવાલીનું દબાણ વધી જવાને કારણે બેન્ચમાર્ક સૂચકાંકો ઝડપથી આ ઊંચાઈથી પીછેહઠ કરી ગયા હતા.
બજારના સાધનો અનુસાર ભારતીય બજારમાં ભરપૂર પ્રવાહિતા છે અને અર્થતંત્ર મજબૂત છે. જોકે એક તરફ ઊંચા વેલ્યુએશન અને બીજી તરફ ફેડરલના ચેરમેન પોવેલએ વ્યાજ ઘટાડા બાબતે મગનું નામ મરી પાડવાનો ઇનકાર કર્યો એટલે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયું હતું.
ભારતમાં ચાલી રહેલા બુલ માર્કેટમાં ફાળો આપતા બે મહત્વપૂર્ણ પરિબળો વૈશ્વિક રેલી અને રિટેલ રોકાણકારો તરફથી ભારતીય બજારમાં ઠલવાઈ રહેલો સતત આંતરપ્રવાહ છે. આ બે પરિબળો અકબંધ રહ્યા છે. દરમિયાન અમેરિકાના S&P 500 એ ભારતના નિફ્ટીના 12.38% રિટર્ન YTD સામે 17.6% YTD રિટર્ન આપ્યું છે. અમેરિકન માર્કેટ અત્યંત સારું પ્રદર્શન કરી રહ્યું હોવાથી વિદેશી ફંડો માટે વિકલ્પ છે.
નોંધવુ રહ્યું કે જૂનમાં રૂ. 21262 કરોડને સ્પર્શતા SIP ના પ્રવાહ સાથે રિટેલ રોકાણકારોનો બજારમાં પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે. આ સકારાત્મક વલણો બજારને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરી શકે છે, તેમ છતાં વેલ્યુએશન ચિંતાનો વિષય છે.