શેર બજાર

સાર્વત્રિક ધોવાણ વચ્ચે સેન્સેક્સે ૯૦૦ પોઇન્ટના તોતિંગ કડાકા સાથે ૬૪,૦૦૦ની સપાટી ગુમાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની ટ્રેઝરી બિલના ઉછાળા સાથે ઇઝરાયલ અને હમસ વચ્ચેના યુદ્ધના લંબાતા દોરને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટને કારણે જોરદાર વેચવાલીનું ઘોડાપૂર ચાલુ રહેતા ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ ગુરૂવારે લગભગ ૯૦૦ પોઈન્ટના તોતિંગ કડાકા સાથે ૬૪,૦૦૦ના સ્તરની નીચે ખાબકી ગયોે હતો. વૈશ્ર્વિક બજારોના નકારાત્મક સંકેત ઉપરાંત સ્થાનિક ધોરણે ઓટોમોબાઇલ, ફાઇનાન્શિયલ અને એનર્જી શેરોમાં નોંધપાત્ર ધોવાણ થવાની સાથે બીજી તરફ વિદેશી રોકાણકારો દ્વારા નવેસરની વેચવાલીને કારણે બજારનું માનસ વધુ ખરડાયું હતું અને મંદીવાળા હાવી થઇ ગયા હતા.
બીએસઇનો ત્રીસ શેરો ધરાવતો બેન્ચમાર્ક એસએન્ડપી સેન્સેક્સ ૯૦૦.૯૧ પોઈન્ટ અથવા ૧.૪૧ ટકાના કડાકા સાથે ૬૪,૦૦૦ પોઇન્ટની સપાટી તોડતો ૬૩,૧૪૮.૧૫ પોઇન્ટના સ્તરે સ્થિર થયો હતો. દિવસ દરમિયાન આ બેન્ચમાર્ક ૯૫૬.૦૮ પોઈન્ટ અથવા ૧.૪૯ ટકા ઘટીને ૬૩,૦૯૨.૯૮ પોઇન્ટના સ્તરે આવી ગયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૨૬૪.૯૦ પોઈન્ટ અથવા ૧.૩૯ ટકા ઘટીને ૧૮,૮૫૭.૨૫ પોઇન્ટની સપાટી પર આવી ગયો હતો. ૧૭ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં બીએસઇ બેન્ચમાર્ક ૩,૨૭૯.૯૪ પોઈન્ટ્સ અથવા ૪.૯૩ ટકા ગબડ્યો છે, જ્યારે નિફ્ટી ૯૫૪.૨૫ પોઈન્ટ્સ અથવા ૪.૮૧ ટકા તૂટ્યો છે. સેન્સેક્સ પેકમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ ૪.૦૬ ટકાના કડાકા સાથે ટોપ લુઝર બન્યો હતો, આ યાદીમાં ત્યારબાદ બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઇટન, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટુબ્રોનાન નામ હતા. તેનાથી વિપરીત, એક્સિસ બેન્ક, આઇટીસી, એચસીએલ ટેક્નોલોજીસ, એનટીપીસી અને ઇન્ડસઇન્ડ બેન્ક વધ્યા હતા.કેપિટલ માર્કેટમાં રોજ નવી કંપનીઓ આવી રહી છે. મામાસઅર્થ બ્રાન્ડની માલિક હોનાસા ક્ધઝ્યુમર લિમિટેડનું ભરણું ૩૧મી ઓક્ટોબરે ખુલશે. પ્રાઈસ બેન્ડ શેર દીઠ રૂ. ૩૦૮થી રૂ. ૩૨૪ નક્કી થઇ છે. ઓફર બીજી નવેમ્બરેબંધ થશે. મિનિમમ બિડ લોટ ૪૬ ઇક્વિટી શેરનો છે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૪ પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૪.૭૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. ૧૧.૫૨ કરોડ હતો અને નાણાંકીય વર્ષ ૨૦૨૩માં રૂ. ૧૫૧ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી.

કોર્પોરેટ પરિણામોની મોસમ જારી છે. ઇકો રિસાઇક્લિગં લિમિટેડે વર્ષ ૨૦૨૪ના બીજા ક્વાર્ટરમાં ૭૮.૪૩ ટકાના વધારા સાથે વાર્ષિક તુલનાએ રૂ. ૬.૧૨ કરોડનો ચોખ્ખો નપો નોંધાવ્યો છે. કુલ રેવન્યુ ૭૫.૩૦ ટકા વધીને રૂ. ૧૦.૦૮ કરોડ રહી હતી. એબિટા માર્જિન ૭૨૬ બેસિસ પોઇન્ટ વધીને ૭૧.૮૫ ટકા અને ૧૦૬ બેસિસ પોઇન્ટના વધારા સાથે ૬૦.૭૧ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે. કોર્પોરેટ હલચલમાં અગ્રણી વીએફએક્સ સ્ટુડિયો બેસિલિક ફ્લાય સ્ટુડિયો લિમિટેડે નવા એક્ઝિક્યુટિવ વીએફએક્સ સુપરવાઇઝર તરીકે ડેન લેવિટનની નિમણૂક કરી છે. તેઓ ૩૦વર્ષથી વધુ અનુભવ ધરાવતા ધરાવે છે અને ૨૪ ઓક્ટોબરથી બીએફએસ ખાતે લોસ એન્જલસમાં સ્થિત ઓફિસમાં કામકાજ શરૂ કરશે અને કંપનીની કેનેડિયન પેટાકંપની સાથે મળીને કામ કરશે.

એશિયન બજારોમાં, સિયોલ, ટોક્યો અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા, જ્યારે શાંઘાઈનો ઇન્ડેક્સ ગ્રઈન ઝોનમાં સ્થિર થયો હતો. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં નોંધપાત્ર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે અમેરિકન બજારો નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. ગ્લોબલ ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૫ ટકા ઘટીને ૮૯.૫૪ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રાાણકારો (એફઆઇઆઇ) એ બુધવારે રૂ. ૪,૨૩૬.૬૦ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. પાછલા એકાદબે સત્રમાં એફઆઇઆઇએ મામૂલી નેટ બાઇંગ કર્યું હતું. બુધવારે બીએસઇ બેન્ચમાર્ક ૫૨૨.૮૨ પોઈન્ટ અથવા ૦.૮૧ ટકા ઘટીને ૬૪,૦૪૯.૦૬ પર સેટલ થયો હતો. નિફ્ટી ૧૫૯.૬૦ પોઈન્ટ અથવા ૦.૮૩ ટકા ઘટીને ૧૯,૧૨૨.૧૫ પર આવી ગયો હતો.

વૈશ્ર્વિક પરિબળો ઉપરાંત સ્થાનિક સ્તરે વિદેશી ફંડોનું સતત વેચાણ અને કોર્પોરેટ ક્ષેત્રની અપેક્ષા કરતાં નબળી નાણાંકીય કમાગીરીનું પણ ભારતીય ઇક્વિટી બજારના માનસ પર નકારાત્મક દબાણ આવ્યું હતું. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો પણ યુએસ બોન્ડની વધતી જતી ઉપજ અને મધ્યપૂર્વમાં વધતી જતી ભૌગોલિક-રાજકીય કટોકટીથી ધ્યાન હટાવવા માટે પર્યાપ્ત નથી. જોકે, ક્રૂડ ઓઇલનો ભાવ ઘટાડો પણ અલ્પજીવી રહ્યો હતો અને ભાવ ફરી ઊછળ્યાં હતાં. માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, અર્થશાસ્ત્ર અને ભૌગોલિક રાજકીય પરિબળો એકત્ર થવાને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં જોખમ ઊભું થયું છે. ઇઝરાયેલ-હમાસ વચ્ચેનો લશ્કરી સંઘર્ષ બજારો માટે મુખ્ય અવરોધ બની રહ્યો છે. જો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહે તો તે વૌશ્ર્વિક વૃદ્ધિને પણ અસર કરે તેવી સંભાવના છે, એ નોંધવું રહ્યું કે વૈશ્ર્વિક અર્થતંત્ર પહેલેથી જ મંદીથી ઘેરાયેલું છે. જો કે, નજીકના ગાળામાં, બજાર માટે સૌથી મજબૂત અને મોટો અવરોધ અમેરિકન બોન્ડની ઝડપી ગતિએ ઊંચી જઇ રહેલી ઉપજ છે. તેમના જણાવ્યા અનુસાર ૧૦-વર્ષના બોન્ડની ઉપજ લગભગ ૫ાંચ ટકાની ઊપર જવાની સાથે એફઆઇઆઇ સેલ મોડમાં રહેવાની શક્યતા છે. વિદેશી ફંડો માટે એયુએમ (એસેટ અંડર મેનેજમેન્ટ)નો સૌથી મોટા હિસ્સો આવરી લેતા બેંકિંગ અને આઇટી જેવા ક્ષેત્રો દબાણ હેઠળ રહેવાની શક્યતા છે. જોકે, આ પરિસ્થિતિ લાંબા ગાળાના રોકાણકારોને ગુણવત્તાયુક્ત શેરો, ખાસ કરીને બેંકિંગમાં, આકર્ષક દરે ખરીદવાની તકો પૂરી પાડશે.

શેરબજારમાં આર્થિક મંદીની અપેક્ષા છે?

બજાર નોંધપાત્ર કરેક્શનમાંથી પસાર થઈ રહ્યું છે, જે મોટાભાગે વૌશ્ર્વિક પરિબળોથી પ્રભાવિત છે. આ કરેક્શન મોટાભાગના બજારોમાં વિવિધ એસેટ ક્લાસમાં સ્પષ્ટ છે, જે પુરવઠા-બાજુના વિક્ષેપો અને ઉચ્ચ ફુગાવાના દ્રઢતા અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. રસપ્રદ વાત એ છે કે, બજારો યુએસ ફેડરલ રિઝર્વ કરતાં એક ડગલું આગળ હોવાનું જણાય છે, જેમાં સંભવિત સ્લોડાઉન અને અમેરિકામાંં પણ મંદી આવી શકે છે, એવા સંકેત આપી રહ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) ઓક્ટોબરમાં નોંધપાત્ર વેચવાલી કરી રહ્યા છે તેમાં પણ આ જ સંકેત જણાઇ
રહ્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…