શેર બજાર

વિક્રમી તેજીની દોડ પછી પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી નેગેટીવ ઝોનમાં સરક્યા, જેપી મોર્ગનના ડાઉનગ્રેડિંગથી ટાઇટનમાં કડાકો

મુંબઇ: એશિયાઇ બજારોની નરમાઇ પાછળ સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ વધતાં સપ્તાહના પહેલા દિવસે બંને બેન્ચમાર્ક સાધારણ ઘટાડા સાથે નેગેટિવ ઝોનમાં સરકયા હતા. ટાઇટનના શેરમાં ચારેક ટકાનો કડાકો બોલાયો હોવાની પણ અમુક અંશે બજારના માનસ પર અસર થઇ હોવાનું સાધનો જણાવે છે. રોકાણકારોએ ઇક્વિટીમાં તાજેતરની રેકોર્ડ રેલી પછી નફો ગાંઠે બાંધવાનું પસંદ કર્યું હોવાથી શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે નિરસ કામકાજ વચ્ચે અથડાયેલા રહ્યાં હતાં. અમેરિકા અને યુરોપના બજારોમાં સુધારો રહ્યો હોવા છતાં એશિયન બજારોના નબળા સંકેતોએ પણ સ્થાનિક ઇક્વિટીમાં મ્યૂટ વલણમાં ઉમેરો કર્યો હતો.

નબળા ટોન સાથે કામકાજની શરૂઆત કર્યા પછી, ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૩૬.૨૨ પોઈન્ટ અથવા ૦.૦૫ ટકા ઘટીને ૭૯,૯૬૦.૩૮ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૨૬૪.૭૭ પોઇન્ટ અથવા ૦.૩૩ ટકા ઘટીને ૭૯,૭૩૧.૮૩ પોઇન્ટ સુધી નીચે ગયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ૩.૩૦ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકા ઘટીને ૨૪,૩૨૦.૫૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. જેપી મોર્ગને ટાઇટનના જૂન કવાર્ટરના બિઝનેસ અપડેટને આધારે તેનું રેટિંગ ઓવરવેઇટથી ઘટાડીને ન્યુટ્રલ કર્યુ હોવાથી તેના શેરમાં ચારેક ટકાનો કડાકો નોંધાયો હતો. આ બ્રોકરેજ ફર્મે તેની ટાર્ગેટ પ્રાઇસમાં પણ ઘટાડો કર્યો છે. સેન્સેક્સ પેકમાં, ટાઇટન, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફિનસર્વ ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં હતા. જ્યારે આઇટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, એચસીએલ ટેક્નોલોજીસ અને ટાટા મોટર્સ ટોપ ગેઇનર્સ શેરોમાં સામેલ હતા. સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંના મુખ્યત્વે આઈટીસી ૨.૨૭ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૫૫ ટકા, નેસ્લે ૧.૧૪ ટકા, એચસીએલ ટેકનોલોજી ૦.૯૨ ટકા, તાતા મોટર્સ ૦.૮૭ ટકા, ઈન્ફોસિસ ૦.૭૪ ટકા, રિલાયન્સ ૦.૬૯ ટકા ટેક મહિન્દ્ર ૦.૪૦ ટકા, ભારતી એરટેલ ૦.૩૪ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૨૧ ટકા વધ્યા હતા. જ્યારે ટાઈટન ૩.૫૪ ટકા, અદામી પોર્ટ્સ ૧.૬૫ ટકા, તાતા સ્ટીલ ૧.૪૦ ટકા, એશિયલ પેઈન્ટ્સ ૧.૩૧ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૧.૨૧ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૦૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૨ ટકા, ટીસીએસ ૦.૯૧ ટકા, સન ફાર્મા ૦.૮૪ ટકા અને એચડીએફસી બેન્ક ૦.૮૦ ટકા ઘટ્યા હતા. એશિયન બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઈ અને હોંગકોંગ નીચામાં સ્થિર થયા હતા. બપોરના સત્ર સુધી યુરોપિયન બજારો સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. શુક્રવારે અમેરિકન બજારો ઉછાળા સાથે બંધ થયા હતા. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૭ ટકા ઘટીને ડોલર ૮૫.૭૦ પ્રતિ બેરલ થયું છે. એક્સચેન્જના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. ૧,૨૪૧.૩૩ કરોડની ઇક્વિટી ખરીદી હતી. વૈશ્ર્વિક મોરચે રોકાણકારોની નજર જૂન માટે યુએસ ફુગાવાના ડેટા તેમજ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલની ટેસ્ટીમની પર રહેશે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ મંગળવાર, ૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ નિર્ણાયક જુબાની (ટેસ્ટીમની) આપવા માટે તૈયાર છે, ત્યારબાદ ૧૦ જુલાઈના રોજ નોંધપાત્ર સ્પીચ આપશે. રોકાણકારો પોવેલની સ્પીચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કારણ કે આ ઘટનાઓ જુલાઈ ૧૧ના રોજ યુએસ ફુગાવાના ડેટાના પ્રકાશન સાથે જ બનવાની છે અને તે આ સપ્તાહના માર્કેટ સેન્ટિમેન્ટને આકાર અને વ્યૂહરચનાને દિશા આપશે. બજાર કોઇ દેખીતા અથવા તો નક્કર કારણ વગર લગભગ રોજ નવી ઊંચી સપાટી હાંસલ કરી રહ્યું છે તેને કારણે રોકાણકારો હર્ષિત હોવા સાથે સહેજ ચિંતિત પણ છે. જોકે, ટેક્નિકલ એનાલિસ્ટ માને છે કે જો નિફ્ટી ૨૪,૦૦૦ની સપાટી ટકાવી રાખવામાં સફળ રહે તો, આગામી સત્રોમાં તે ૨૪,૫૦૦ અને તે પછી ૨૪,૮૦૦ સુધી આગળ વધી શકે છે. બજારનો અંડરટોન મજબૂત છે. પાંચમી જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન લગભગ આઠ ટકાના વધારા સાથે બેન્ચમાર્ક ઇન્ડેક્સે સતત પાંચમા સપ્તાહમાં સુધારો નોંધાવ્યો હતો. વિશ્ર્લેષકો અનુસાર માર્કેટનું વલણ એકંદરેે હકારાત્મક રહેશે, જો કે, કોર્પોરેટ પરિણામની સિઝનની શરૂઆત અને યુએસ અને ભારતના ફુગાવાના આંકડા જાહેર થવા સાથે અસ્થિરતા જોવા મળી શકે છે. શુક્રવારે અસ્થિર સત્રમાં, વ્યાપક એનએસઇ નિફ્ટીએ તેનો વિક્રમી તેજીની દોડ ચાલુ રાખી હતી અને ૨૧.૭૦ પોઈન્ટ્સ અથવા ૦.૦૯ ટકાના ઉછાળા સાથે ૨૪,૩૨૩.૮૫ની તેના જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો. જોકે બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ૫૩.૦૭ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા ઘટીને ૭૯,૯૯૬.૬૦ પર પોઇન્ટના સ્તરે સેટલ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button