સેન્સેક્સ ૩૨૪ પોઈન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૫,૦૦૦ની નજીક સરક્યો | મુંબઈ સમાચાર
શેર બજાર

સેન્સેક્સ ૩૨૪ પોઈન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૫,૦૦૦ની નજીક સરક્યો

નિલેશ વાઘેલા

મુંબઇ:
વિશ્વબજારમાં ફેડરલના રેટકટની સંભાવનાએ આવેલા સુધારા સાથે સ્થાનિક સ્તરે અમેરિકા સાથેની વ્યાપાર વાટાઘાટોના સકારાત્મક પરિણામના આશાવાદ વચ્ચે વધેલી લેવાલીના ટેકાએ, સતત છઠ્ઠા દિવસે આગેકૂચ જાળવી રાખતાં સેન્સેક્સ ૩૨૪ પોઈન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૫,૦૦૦ની નજીક સરક્યો હતો.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે ટ્રમ્પના પોઝિટિવ કથનોને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમનું વહીવટ ભારત સાથે વેપાર અવરોધોને દૂર કરવા માટે વાટાઘાટો ચાલુ રાખી રહ્યું છે. જ્યારે આ તરફ માલ અને સેવા કર (જીએસટી)ના ઘટાડા અંગે આશાવાદ અને યુએસ દર ઘટાડાની આશાએ સેન્ટિમેન્ટને વધુ ટેકો આપ્યો હતો.

દિવસ દરમિયાન ૫૪૨.૫૬ પોઇન્ટ અથવા તો ૦.૬૬ ટકાના ઉછાળા સાથે ૮૧,૪૨૫.૧૫ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૩૨૩.૮૩ પોઈન્ટ અથવા ૦.૪૦ ટકા વધીને ૮૧,૪૨૫.૧૫ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૦૪.૫૦ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૨૪,૯૭૩.૧૦ની સપાટી પર બંધ થયો હતો.

નિફ્ટીએ સત્ર દરમિયાન ૨૫,૦૦૦ની સપાટી વટાવી હતી, જોકે પ્રોફિટ બુકિંગને કારણે બેન્ચમાર્ક આ સપાટી જાળવવામાં નિષ્ફળ રહ્યો હતો. આઇટી, ફાઇનાન્શિયલ અને રિયલ્ટી શેરોના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, ઓટો અને મીડિયા શેરોમાં પ્રોફિટ બુકિંગથી ઇન્ટ્રાડેમાં બેન્ચમાર્કનો ઘણોખરો લાભ ગુમાવવો પડ્યો હતો.

૩૦ શેર ધરાવતા સેન્સેક્સમાં બીઇએલ, એચસીએલ ટેક્નોલોજીસ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક અને ટીસીએસના શેરમાં બે ટકાથી ૪.૩૦ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. વ્યાપક બજારના શેરઆંકોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ્સમાં ૦.૭૦ ટકા અને મિડકેપ્સમાં ૦.૯૦ ટકાનો વધારો નોંધાયો હતો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે તેમના વહીવટતંત્રએ ભારત સાથે વેપાર અવરોધોને દૂર કરવા માટે વાટાઘાટો ચાલુ રાખી છે અને તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની યોજના બનાવી રહ્યા છે. ટ્રમ્પના આ કથનથી અઠવાડિયાના તણાવ પછી ટ્રેડ ટોકમાં સફળતાની આશા જાગી છે.

આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સંભવિત રેટ ઘટાડાની અપેક્ષાઓએ આઇટી શેરોમાં વધુ વધારો કર્યો, પાછલાબે સત્રોમાં આ સેકટરમાં ૫.૫૦ ટકા જેવો સુધારો જોવા મળ્યો છે. વેલ્સ્પન લિવિંગ, વર્ધમાન ટેક્સટાઇલ, ટ્રાઇડેન્ટ અને અરવિંદ સહિતની ટેક્સટાઇલ કંપનીઆના શેરમાં, અમેરિકા અને ભારતના વેપાર સોદા અંગેના આશાવાદની ચર્ચાઓ વચ્ચે ૩.૭૦ ટકાથી ૧૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.

નિફ્ટીમાં સૌથી વધુ તેજી દર્શાવનારા શેરોમાંં ભારત ઇલેક્ટ્રોનિક્સ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, બજાજ ફાઇનાન્સ, ટીસીએસનો સમાવેશ થાય છે, જ્યારે એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સનો સૌથી વધુ ઘટનારા શેરોમાં સમાવેશ થાય છે. સેક્ટર્સમાં, ઓટો ઇન્ડેક્સ એક ટકા ઘટ્યો, જ્યારે આઇટી ઇન્ડેક્સ ૨.૬૦ ટકા વધ્યો, પીએસયુ બેંક ઇન્ડેક્સ ૨.૨૦ ટકા વધ્યો અને રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકા વધ્યો હતો.

યુએસ-ભારતે ચાલુ વેપાર ઘર્ષણને ઉકેલવા માટે વાટાઘાટો ફરી શરૂ કરવાનો સંકેત આપ્યો હોવાથી એપેક્સ ફ્રોઝન ફૂડ્સના શેરમાં ૧૬ ટકા, અવંતિ ફીડ્સમાં ૧૫ ટકા, કોસ્ટલ કોર્પોરેશનના શેરમાં ૨૦ ટકા, ગોકલદાસ એક્સપોર્ટ્સમાં ચાર ટકા, વેલ્સપન લિવિંગમાં ૮ ટકા, અરવિંદના શેરમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઈ પર ૧૦૦ થી વધુ શેરોએ તેમના ૫૨ સપ્તાહના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ કર્યો, જેમાં ઈન્ડિયન બેંક, એચબીએલ એન્જિનિયરિંગ, ગુજરાત મિનરલ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, કમિન્સ ઈન્ડિયા, આઈશર મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, મણપ્પુરમ ફાઇનાન્સ, બોશ, મુથૂટ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી વગેરેનો સમાવેશ થાય છે.

દરમિયાન, બજાર નિયમનકાર સેબીએ પ્રાઇવેટ પ્લેસમેન્ટ હેઠળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ઇન્વીટ્સત) માટે પ્રાથમિક બજારમાં લઘુત્તમ ફાળવણી લોટ ઘટાડીને રૂ. ૨૫ લાખ કરવા માટે નિયમો સૂચિત કર્યા છે. આ રીતે સેબીએે તેને સેક્ધડરી માર્કેટના ટ્રેડિંગ લોટના કદ સાથે એકરૂપ બનાવ્યા છે.

આ પહેલા, ખાનગી રીતે પ્લેસ કરેલા ઇન્વીટ્સ માટે પ્રાથમિક બજારમાં લઘુત્તમ ફાળવણી લોટ એસ્ટ્સ મિક્સ અનુસાર એક કરોડ રૂપિયા અથવા રૂ. ૨૫ કરોડ જેટલો હતો. જો કે, સુધારાના પહેલા રાઉન્ડમાં, એસેટ મિક્સને ધ્યાનમાં ના લેતા, સેકટન્ડી માર્કેટમાં ટ્રેડિંગ લોટ કદ પહેલાથી જ ઘટાડીને રૂ. ૨૫ લાખનું કરવામાં આવ્યું હતું.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button