મેટલ અને ટેલિકોમ શૅરો ઝળકતા સતત બીજા સત્રમાં સેન્સેક્સ-નિફ્ટીમાં આગેકૂચ, સેન્સેક્સ 223 પૉઈન્ટ વધ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં મક્કમ વલણ રહ્યું હોવાના અહેવાલો સાથે સ્થાનિકમાં બજાર તેજી-મંદી વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. તેમ છતાં આજે મુખ્યત્વે મેટલ એને ટેલિકોમ ક્ષેત્રના શૅરો ઝળક્યા હાવાથી સતત બીજા સત્રમાં સુધારાની આગેકૂચ જોવા મળી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 223.86 પૉઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 57.95 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો. એકંદરે આજે સત્ર દમિયાન સેન્સેક્સમાં 333.74 પૉઈન્ટ સુધીનો ઘટાડો અને 268.68 પૉઈન્ટ સુધીનો સુધારો જોવા મળ્યો હોવાથી કુલ 602.42 પૉઈન્ટની બેતરફી વધઘટ જોવા મળી હતી.
ગઈકાલની દશેરા તથા ગાંધી જયંતીની જાહેર રજા બાદ આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત બુધવારના 80,983.31ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 80,684.14ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 80,649.57 અને ઉપરમાં 81,251.99ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 0.28 ટકા અથવા તો 223.86 પૉઈન્ટ વધીને 81,207.17ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી આગલા 24,836.30ના બંધ સામે 24,759.55ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 24,747.55 અને ઉપરમાં 24,904.80ની રેન્જમાં રહ્યા બાદ અંતે 57.95 પૉઈન્ટ અથવા તો 0.23 ટકા વધીને 24,894.25ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે બીએસઈ ખાતે 2710 શૅરના ભાવમાં સુધારો, 1490 શૅરના ભાવમાં ઘટાડો અને 139 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. જોકે, સાપ્તાહિક ધોરણે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 780.71 પૉઈન્ટનો અથવા તો 0.97 ટકાનો અને નિફ્ટીમાં 0.97 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: ટ્રુઅલ્ટ બાયોએનર્જીનાં શૅરનું 11 ટકા અને જિનકૌશલ ઈન્ડ.ના શૅરનું ત્રણ ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ
એકંદરે આજે બજાર રેન્જબાઉન્ડ રહ્યા બાદ ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ ઑક્ટોબર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતા મેટલ અને ક્નઝ્યુમર ડ્યુરેબલ શૅરોનાં કાઉન્ટરમાં લેવાલી અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં બૅન્ચમાર્કના સુધારાને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતા ઉમેર્યું હતું કે આ ઉપરાંત આ વર્ષે વરસાદ સારો રહ્યો હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં આવકો વધતાં વપરાશી માગમાં વધારો થવાના આશાવાદે ક્નઝ્યુમર ડ્યુરેબલ શૅરોમાં પણ લેવાલીનો ટેકો મળ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 15 શૅરના ભાવ વધીને અને 15 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય વધનાર શૅરોમાં ટાટા સ્ટીલમાં 3.40 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 3.15 ટકાનો, એક્સિસ બૅન્કમાં 1.92 ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં 1.84 ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 1.69 ટકાનો અને ભારતી એરટેલમાં 1.51 ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય મુખ્ય ઘટનાર શૅરોમાં ટેક મહિન્દ્રામાં 1.11 ટકાનો, મારુતિ સુઝુકીમાં 1.04 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.86 ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 0.51 ટકાનો, બજાજ ફિનસર્વ અને ટીસીએસમાં 0.41 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આ પણ વાંચો: ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે પણ મંદી , સેન્સેકસ નિફ્ટીમાં ઘટાડો
એકંદરે આજે બજારમાં સુધારા માટે મુખ્યત્વે સ્થાનિક પરિબળો જ કારણભૂત હોવાનું રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગનાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કે નીતિવિષયક બેઠકમાં ફુગાવાના અંદાજમાં કરેલા ઘટાડા અને વૃદ્ધિના અંદાજમાં સુધારો કરવાની સાથે વ્યાજદરમાં સંવેદનશીલ એવા બૅન્કિંગ ક્ષેત્રમાં રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો છે. વધુમાં આવકોમાં વધારો થવાથી વપરાશી માગ વધવાના આશાવાદનો પણ બજારને ટેકો મળ્યો હતો.
આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1.09 ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં 0.78 ટકાનો વધારો થયો હતો. જોકે, બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ખાસ કરીને લોઈડ મેટલ્સ ઍન્ડ એનર્જીમાં 6.18 ટકાનો, નાલ્કોમાં 3.10 ટકાનો અને જિન્દાલ સ્ટેઈનલેસમાં 2.87 ટકાનો ઉછાળો આવ્યો હોવાથી સૌથી વધુ 1.85 ટકાનો ઉછાળો મેટલ ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે ઈન્ડસ્ટ્રીયલ ઈન્ડેક્સમાં 1.28 ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 1.16 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.15 ટકાનો, કોમોડિટી ઈન્ડેક્સમાં 1.12 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.02 ટકાનો અને યુટિલિટી ઈન્ડેક્સમાં 0.95 ટકાનો સુધારો આવ્યો હતો.
આ પણ વાંચો: રિઝર્વ બેન્ક દ્વારા આઇપીઓ ફાઇનાન્સિંગ ધોરણોમાં ફેરફાર
સરકાર મૂડીગત્ ખર્ચ વધારવા માટે પ્રતિબદ્ધ હોવાનું નાણાં પ્રધાને આજે જણાવ્યું હોવાથી કેપિટલ ગૂડ્સ ક્ષેત્ર મુખ્યત્વે ફોકસમાં રહ્યું હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં વેલ્થ મેનેજમેન્ટ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું.
દરમિયાન આજે એશિયન બજારોમાં જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો, જ્યારે હૉંગકૉંગના હૅન્ગસેન્ગમાં નરમાઈ હતી. જોકે, આજે ચીન અને દક્ષિણ કોરિયાની બજાર બંધ રહી હતી. તેમ જ યુરોપ ખાતે મધ્યસત્ર દરમિયાન સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આ સિવાય આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.86 ટકા વધીને બેરલદીઠ 64.61 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.