ફેડરલના રેટ કટના આશાવાદે વિશ્વ બજાર પાછળ સેન્સેક્સમાં 369 પૉઈન્ટની તેજી, નિફ્ટી 118 પૉઈન્ટ વધીને 26,000ની પાર | મુંબઈ સમાચાર
શેર બજાર

ફેડરલના રેટ કટના આશાવાદે વિશ્વ બજાર પાછળ સેન્સેક્સમાં 369 પૉઈન્ટની તેજી, નિફ્ટી 118 પૉઈન્ટ વધીને 26,000ની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વ આજે સમાપન થતી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાની શક્યતાને ધ્યાનમાં લેતા આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 368.97 પૉઈન્ટની તેજી આવી હતી, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 117.70 પૉઈન્ટ વધીને 26,000ની સપાટી પાર કરી ગયો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 10,339.80 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલે તેજીને પ્રેરકબળ પૂરું પાડ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 84,628.16ના બંધ સામે સુધારા સાથે 84,663.68ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 84,638.68 અને ઉપરમાં 85,105.83ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.44 ટકા અથવા તો 368.97 પૉઈન્ટ વધીને 84,997.13ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 25,936.20ના બંધ સામે વધીને 25,982ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 25,960.30 અને ઉપરમાં 26,097.85ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.45 ટકા અથવા તો 117.70 પૉઈન્ટ વધીને 26,053.90ની સપાટીએ બંધ રહ્યો હતો.

આપણ વાચો: ફાર્મા અને બૅન્કિંગ શૅરોમાં લેવાલીને ટેકે સેન્સેક્સમાં 329 પૉઈન્ટની અને નિફ્ટીમાં 103 પૉઈન્ટની તેજી…

એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ ખાતે કુલ 4325 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાં 2482 શૅરના ભાવ વધીને, 1668 શૅરના ભાવ ઘટીને અને 175 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ 179 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 78 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે બંધ રહ્યા હતા

એકંદરે અમેરિકી ફેડરલ રિઝર્વ આજે બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકશે અને અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ સાથે વિશ્વ બજારમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિકમાં રોકાણકારોના વલણમાં બદલાવ આવ્યો હતો અને બૅન્ચમાર્કમાં લગભગ અડધા ટકા જેટલો સુધારો જોવા મળ્યો હોવાનું રેલિગેર બ્રોકિંગ લિ.ના રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું.

આપણ વાચો: મેટલ અને ટેલિકોમ શૅરો ઝળકતા સતત બીજા સત્રમાં સેન્સેક્સ-નિફ્ટીમાં આગેકૂચ, સેન્સેક્સ 223 પૉઈન્ટ વધ્યો

વૈશ્વિક વેપારોમાં ભારત તથા ચીન સાથે અમેરિકાની ટ્રેડ ડીલ થવાની ઉજળી શક્યતા પ્રબળ બનતાં અનિશ્ચિતતાનાં વાદળો દૂર થવાનો આશાવાદ સપાટી પર આવતા એેશિયન બજારોના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક બજાર મક્કમ અન્ડરટોને બંધ રહી હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કાપ અંગેના નિર્ણય પર મંડાયેલી છે. જોકે, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.

દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 21 શૅરના ભાવ વધીને અને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 2.78 ટકાનો ઉછાળો અદાણી પોર્ટસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એનટીપીસીમાં 2.61 ટકાનો, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં 2.61 ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજીસમાં 2.35 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.81 ટકાનો અને સન ફાર્મામાં 1.73 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 1.54 ટકાનો ઘટાડો ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈટર્નલમાં 1.24 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 1.15 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 1.10 ટકાનો, મારુતિ સુઝુકી લિ.માં 1.04 ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 0.53 ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 0.68 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.56 ટકાનો ઉછાળો આવ્યો હતો.

વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં પાવર ઈન્ડેક્સમાં 2.72 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 2.61 ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 2.55 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 1.68 ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં 1.51 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 1.33 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 1.16 ટકાનો અને કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.01 ટકાનો ઉછાળો આવ્યો હતો. જોકે, તેની સામે આજે એકમાત્ર ઑટો ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.

આજે એશિયન બજારોમાં ખાસ કરીને દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સમાં અને શાંઘાઈનાં એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ સુધારાના અન્ડરટોને બંધ રહ્યા હતા. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન યુરોપનાં બજારોમાં પણ સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button