Top Newsશેર બજાર

Stock market: સેન્સેકસને એવું શું થયું કે ૭૧૫ પોઇન્ટ પટકાયા બાદ ઊછળ્યો?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: એકધારા પાંચ સત્રની પીછેહઠ બાદ સોમવારે ભારતીય શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. રોકાણકારોએ નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે વેપાર અંગે નવી વાતચીતના સંકેતોથી રાહત અનુભવી હોવાથી વેચવાલીનો જબરો ટેકો આપ્યો હતો. ભારતમાં આવનારા અમેરિકન રાજદૂતે ૧૩ જાન્યુઆરીએ ટ્રેડ ડીલ પર ચર્ચા શરૂ થવાના સંકેત આપ્યા પછી સેન્સેક્સ નીચી સપાટીથી ભછળ્યો હતો.

સેન્સેક્સ સત્ર દરમિયાન ૭૧૫.૧૭ પોઇન્ટના કડાકા સાથે ૮૨,૮૬૧ની નીચી સપાટીને અથડાયા બાદ અંતે ૩૦૧.૯૩ પોઈન્ટ અથવા ૦.૩૬ ટકા વધીને ૮૩,૮૭૮.૧૭ની સપાટી પર સ્થિર થયો, જ્યારે નિફ્ટી ૧૦૬.૯૫ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૨૫,૭૯૦.૨૫ પર બંધ થયો હતો.

ટાટા સ્ટીલ, એશિઅન પેઇન્ટ, ટ્રેન્ટ, સ્ટેટ બેન્ક, હિંદુસ્તાન યુનિલીવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ભારતી એરટેલ ટોપ ગેઇનરમાં સામેલ હતા. જ્યારે ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, લાર્સન એન્ડ ટૂબ્રો અને એચડીએફસી બેન્ક ટોપ લુઝરમાં સામેલ હતા.

આ પણ વાંચો: બીએસઇ દ્વારા રોકાણકારોને નકલી ડીપફેક વીડિયો અંગે એલર્ટ કરાયા, કહ્યું ખોટો અને ગેરમાર્ગે દોરનારો વીડિયો

સેકટરલ ધોરણે મિશ્ર ચિત્ર જોવા મળ્યું હતું, જેમાં બેંકિંગ, ફાઇનાન્સ અને મેટલ્સમાં પસંદગીયુક્ત લેવાલીજોવા મળી હતી. એકંદરે એફએમસીજી અને પીએસયુ બેંકોમાં પણ સાધારણ ટેકો જોવા મળ્યો. દરમિયાન, રિયલ્ટી, મીડિયા, મિડકેપ-હેવી સેગમેન્ટ્સ અને ટેકનોલોજીમાં નબળાઈ ચાલુ રહી, જે વ્યાપક બજારમાં સાવચેતીભર્યા સેન્ટિમેન્ટને પ્રતિબિંબિત કરે છે.
સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે ટાટાાા સ્ટીલ ૨.૭૫ ટકા, એશિયન પેઈન્ટ ૨.૫૪ ટકા, ટ્રેન્ટ ૨.૦૫ ટકા, સ્ટેટ બેન્ક ૧.૫૧ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૩૬ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૨૬ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૧૪ ટકા, ભારતી એરટેલ ૦.૮૭ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી ૦.૮૬ ટકા, ટાઈટન ૦.૬૮ ટકા, મારુતિ ૦.૬૫ ટકા અને અદાણી પોર્ટ્સ ૦.૫૭ ટકા વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ ૧.૧૬ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૯૩ ટકા, બીઈએલ ૦.૨૯ ટકા, એચડીએફસી બેન્ક ૦.૨૨ ટકા અને લાર્સન ૦.૨૦ ટકા ઘટ્યા હતા.

સત્રની શરૂઆતમાં બંને બેન્ચમાર્ક દબાણ હેઠળ હતા, સેન્સેક્સ ૭૧૫ પોઈન્ટ સુધી સરકી ગયો હતો અને નિફ્ટી થોડા સમય માટે ૨૫,૫૦૦ના સ્તરથી નીચે ગયો હતો, સેન્ટિમેન્ટ ચાલુ થાય તે પહેલાં, જેનાથી વેપાર સંબંધિત ચિંતાઓ હળવી થઈ ગઈ હતી. ભારત અને અમેરિકા વેપારમાં સક્રિય સહયોગ ચાલુ રાખશે, તેવી જાહેરાત થયા પછી ભારતીય શેરબજારો પ્રારંભિક નુકસાનીમાંથી બહાર આવ્યા અને બંને પક્ષો વચ્ચે આગામી વાતચીત મંગળવારે થવાની છે, એમ નવી દિલ્હીમાં વોશિંગ્ટનના નવા નિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે સોમવારે જણાવ્યું હતું.

અમેરિકાની તોતિંગ ટેરિફની આશંકાને કારણે સર્જાયેલા સાવચેતીના માનસ વચ્ચે ભારતીય શેરબજારોમાં વેચવાલીનું દબાણ ચાલુ રહેતા સોમવારે સતત છઠ્ઠા દિવસે ઘટાડો જારી રહ્યો હતો અને બેન્ચમાર્ક સેન્સેક્સમાં સત્ર દરમિયાન લગભગ ૭૦૦ પોઇન્ટ જેવો કડાકો જોવા મળ્યો હતો. માર્કેટ કેપનું નુકસાન આ તબક્કે અંદાજે રૂ. ૧૭ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. જોકે, સત્રના પાછલા ભાગમાં લેવાલીનો ટેકો મળતા બેન્ચમાર્ક તમામ ઘટાડો પચાવીને પોઝિટીવ ઝોનમાં આગળ વધ્યો હતો.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા નવી ટેરિફ-સંબંધિત ટિપ્પણીઓને પગલે વૈશ્ર્વિક વેપાર અનિશ્ર્ચિતતામાં વધારો થવાને કારણે ભારતીય ઇક્વિટી બજારો સમીક્ષા હેઠળના પાછલા આખા અઠવાડિયા દરમિયાન સતત દબાણ હેઠળ રહ્યા હતા. એકંદરે અમેરિકાએ ટેરિફ વધારવા આપેલી ધમકી, ભૂ-રાજકીય તંગદીલી અને એફઆઇઆઇની સતત વેચવાલીને કારણે શેરબજારમાં સતત પીછેહઠ જોવા મળી હતી. સાપ્તાહિક ધોરણે બંને બેન્ચમાર્કે અઢી ટકા ગુમાવ્યા છે. સાપ્તાહિક ધોરણે બંને બેન્ચમાર્કે અંદાજે અઢી ટકાનો કડાકો નોંધાવ્યો છે.

આ પણ વાંચો: સેન્સેક્સમાં કેમ પડ્યો ૨,૨૦૦ પોઇન્ટનો કડાકો? જાણો શેરબજારમાં મંદીના પંચક પાછળના કારણો

બજારના નિષ્ણાતો અનુસાર સેન્સેક્સ અને નિફ્ટી આ સપ્તાહમાં અનેક ચિંતાજનક બાબતો છે અને આ સપ્તાહે ત્રીજા ક્વાર્ટરના પરિણામો તથા વૈશ્ર્વિક ચિંતાઓ બજારના મૂડને સેટ કરશે. આ સપ્તાહથી ત્રીજા ક્વાર્ટરના કમાણીની મોસમ શરૂ થાય છે. ભારતની કેટલીક ટોચની આઇટી કંપનીઓ જેમ કે ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજી, વિપ્રો અને ટેક મહિન્દ્રા તેમના પરિણામો જાહેરા કરશે. આ પરિણામો સ્પષ્ટ ચિત્ર આપશે કે આઇટી ક્ષેત્ર મુશ્કેલ વૈશ્ર્વિક વાતાવરણમાં કેવું પ્રદર્શન કરી રહ્યું છે. બજારમાં આઇટી શેરોનું વેઇટેજ મોટું હોવાથી, તેમના આંકડા સેન્સેક્સ અને નિફ્ટી પર મજબૂત અસર બતાવશે.

રોકાણકારોની નજર ઇન્ફ્લેશન અને આર્થિક ડેટા પર પણ રહેશે. જેમાં ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો, જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો, વ્યાપાર સંતુલન અને વિદેશી વિનિમય અનામતનો સમાવેશ થાય છે. આ આંકડા પરથી જાણવા મળશે કે ભારતનું અર્થતંત્ર કેટલું મજબૂત છે અને ભાવ દબાણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. ફુગાવાના આંકડા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરના નિર્ણયોને અસર કરે છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button