
નિલેશ વાઘેલા
મુંબઇ: સેન્સેકસ ૭૦,૦૦૦ની લગોલગ અને નિફ્ટી ૨૧,૦૦૦ની નિકટ હોવા છતાં એકાએક બજારમાં પીછેહઠ જોવા મળી છે. સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો છે, જ્યારે નિફ્ટી ૨૦,૮૦૦ની નીચે લપસ્યો છે.
બજારના સાધનો અનુસાર ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો આજે સ્થાનિક અને યુએસ ફુગાવાના ડેટાને પગલે નકારાત્મક વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ફુગાવાની ઊંચી સપાટીએ રેટ કટમાં વિલંબની ચિંતા ફરીથી સપાટી પર આવી હતી.
ઓટો અને ફાર્મા સિવાયના તમામ સેક્ટર રેડ ઝોનમાં ગબડ્યા હતા. નિફ્ટી આઇટી ટોપ સેક્ટરલ લુઝર હતો, જે 1% થી વધુ ઘટી ગયો હતો.
જોકે નિષ્ણાતો કહે છે કે, હાઈ વેલ્યુએશન હોવા છતાં બજારનો ટૂંકા ગાળાનો અંડરકરન્ટ તેજીમાં છે. અર્થતંત્રમાં વૃદ્ધિની ગતિ, DII અને છૂટક રોકાણકારો દ્વારા સતત ખરીદી, FPI વ્યૂહરચનાનું વેચાણથી ખરીદી અને સાનુકૂળ વૈશ્વિક સંકેતો બજારને સ્થિતિસ્થાપક રાખશે.
વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં, વૈશ્વિક બજારના વલણને સેટ કરવા માટે આજની રાતનો ફેડ સંદેશ મહત્વપૂર્ણ છે. બજારો નિર્ણાયક વળાંક લેતા પહેલા ફેડના વડાના સંદેશની રાહ જોશે.