શેર બજાર

સેન્સેક્સ, નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીને અથડાઇને અંતે નેગેટિવ ઝોનમાં ગબડ્યા, આઇસીઆઇસીઆઇ, એરટેલમાં મોટું ધોવાણ

મુંબઈ: સેન્સેક્સ, નિફ્ટી મંગળવારના સત્રમાં નવી વિક્રમી ઊંચી સપાટીને અથડાઇને અંતે નેગેટિવ ઝોનમાં ગબડ્યા હતા. ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ મંગળવારે ઊંચા વેલ્યુએશનની ચિંતા વચ્ચે પસંદગીના બેન્કિંગ અને ટેલિકોમ શેર્સમાં પ્રોફિટ-ટેકિંગને કારણે નીચી સપાટીએ બંધ થતાં પહેલાં જીવનકાળની વધુ અને નવી ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો. આઇસીઆઇસીઆઇ, એરટેલમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું.

બીએસઇનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ અફડાતફડીમાંથી પસાર થઇને અંતે ૩૪.૭૪ પોઈન્ટ અથવા ૦.૦૪ ટકા ઘટીને ૭૯,૪૪૧.૪૫ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૩૭૯.૬૮ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા ઉછળીને ૭૯,૮૫૫.૮૭ પોઇન્ટની વિક્રમી ટોચ પર પહોંચ્યો હતો.

એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી પણ ૧૮.૧૦ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા ઘટીને ૨૪,૧૨૩.૮૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. ઈન્ટ્રા-ડે, તે ૯૪.૪ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૨૪,૨૩૬.૩૫ પોઇન્ટની જીવનકાળની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકમાં, કોટક મહિન્દ્રા બેંક, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ફાઇનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ટાઇટન સૌથી વધુ પાછળ હતા. લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, એચસીએલ ટેક્નોલોજીસ અને ટાટા સ્ટીલ સૌથી વધુ વધ્યા હતા.

સોમવારે, બીએસઇ બેન્ચમાર્ક ૪૪૩.૪૬ પોઈન્ટ અથવા ૦.૫૬ ટકા વધીને ૭૯,૪૭૬.૧૯ ની સર્વકાલીન ટોચ પર સ્થિર થયો હતો. નિફ્ટી ૧૩૧.૩૫ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકા વધીને ૨૪,૧૪૧.૯૫ની નવી લાઈફ ટાઈમ હાઈ પર સેટલ થયો હતો.

એશિયન બજારોમાં, ટોકિયો, શાંઘાઈ અને હોંગકોંગ મંગળવારે સુધારા સાથે પોઝિટિવ ઝોનમાં સ્થિર થયા હતા, જ્યારે સિઓલ નેગેટિવ ઝોનમાં ગબડ્યું હતું. યુરોપિયન બજારોમાં મધ્ય સત્ર સુધી ઘટાડો રહ્યો હોવાના અહેવાલ હતા. યુએસ બજારો સોમવારે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. જૂનમાં ભારતનું ગ્રોસ જીએસટી કલેક્શન આઠ ટકા વધીને રૂ. ૧.૭૪ લાખ કરોડ નોંધાયું હોવાનું સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૬ ટકા વધીને ૮૭.૧૭ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સોમવારે રૂ. ૪૨૬.૦૩ કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી. શેરબજારની તેજી મંદી પર એફઆઇઆઇના વલણની ખાસ અસર થતી હોય છે. વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશી ફંડોએ પાંચ મુખ્ય ક્ષેત્રોમાંથી રૂ. એક લાખ કરોડનું રોકાણ પાછું ખેચ્યું છે અને આગળના વલણનો આધાર સરકાર આગામી અંદાજપત્રમાં કેવા પગલાં જાહેર કરે છે તેના પર રહેલો છે. આ પાંચ મોટા ક્ષેત્રોમાં બાંધકામ, આઈટી, નાણાંકીય, ઓઈલ અને ગેસ તથા એફએમસીજીનો સમાવેશ છે.

કેન્દ્રીય અંદાજપત્રની સૌ પ્રતિક્ષા કરી રહ્યાં છે કારણ કે તેના પરથી સરકારના વલણ અને વિદેશી ફંડોની ચાલનો અંદાજ મળી શકશે. આ તરફ મોસમના મિજાજ પર પણ ઘણો આધાર છે. આખલો ચાતકની જેમ વરસાદની પ્રતીક્ષા કરી રહ્યો છે અને આખા અર્થતંત્રનું ભારણ મેઘરાજ પર છે.

વરસાદની અસંતુલિત વ્હેચણી અને ખેંચ ફુગાવો વકરાવશે અને અર્થતંત્રની ગાડીને બ્રેક મારશે એવી આશંકા પણ સેવાઇ રહી છે. પાછલા સપ્તાહે ખાસ કરીને ફુગાવાની ચિંતાને કારણેે વૈશ્ર્વિક બજારના મિશ્ર સંકેતો છતાં ભારતીય બેન્ચમાર્ક શેરઆંકોએ આ સપ્તાહે લગભગ રોજ નવા શિખર સર કરવા સાથે નોંધપાત્ર સુધારો પણ નોંધાવ્યો હતો. બજારોએ પ્રવર્તમાન અપટ્રેન્ડને ચાલુ રાખીને પાછલા અઠવાડિયે બે ટકાથી વધુનો જમ્પ નોંધાવીને બે સપ્તાહના કોન્સોલિડેશનનો તબક્કો પૂરો કર્યો છે. દરમિયાન, થાઈલેન્ડ, પોલેન્ડ અને ચેક રિપબ્લિક, એમ ત્રણ દેશ ભારતના ત્રણ ઉભરતા બજાર સ્પર્ધકો છે, જેમને આગામી ૧૦ મહિનામાં જેપી મોર્ગન ઇમજગ માર્કેટ્સ બોન્ડ ઈન્ડેક્સમાં પોતપોતાના વેઈટેજમાં ઘટાડાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે એમ એચએસબીસીના વિશ્ર્લેષકોએ તાજેતરમાં જણાવ્યું હતું. ૨૮ જૂન, ૨૦૨૪થી ભારત સરકારની સિક્યોરિટીઝ આ ઇન્ડેક્સમાં સામેલ થવાનું શરૂ થયું છે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંના મુખ્યત્વે લાર્સન એન્ડ ટુબ્રો ૨.૭૪ ટકા, ઈન્ફોસિસ ૧.૫૭ ટકા, એચડીએફસી બેન્ક ૧.૫૧ ટકા, તાતા ક્ધલ્ટન્સી ૦.૮૦ ટકા, એચસીએલ ટેકનોલોજી ૦.૭૦ અને પાવર ગ્રીડ ૦.૫૫ ટકા વધ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો