સેન્સેક્સ અને નિફ્ટીએ સતત બીજા દિવસે નવી સર્વોચ્ચ ઊંચી સપાટી નોંધાવી, બૅન્ક નિફ્ટી પણ નવા શિખરે પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયાઇ બજારોના ગરમાટા સાથે સ્થાનિક બજારમાં શેરબજારને આગળ વધવા ઇંધણ મળ્યું હોવાથી ઇન્ેડેક્સ હેવીવેઇટ શેરોમાં નીકળેલી નવેસરની લેવાલીના ટેકા સાથે શેરબજારે સતત બીજા દિવસે પણ આગેકૂચ ચાલુ રાખતાં નવી ઊંચી વિક્રમી સપાટી હાંસલ કરી છે. સેન્સેક્સ ૬૨૦.૭૩ પોઈન્ટ અથવા ૦.૮૦ ટકા વધીને ૭૮,૬૭૪.૨૫ પોઇન્ટની નવી વિક્રમી ઊંચી સપાટીએ અને નિફ્ટી ૧૪૭.૫૦ પોઈન્ટ અથવા ૦.૬૨ ટકા વધીને ૨૩,૮૬૮.૮૦ પોઇન્ટના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
બેન્કો, ઇન્ફ્રા શેરો અને ઇન્ડેક્સ હેવીવેઈટ્સની આગેવાની હેઠળ નિફ્ટીએ પ્રથમ વખત ૨૩,૮૫૦ની સપાટી પાર કરી છે. નિફ્ટી બેંક પણ નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવતો ૫૩,૦૦૦ની નજીક પહોંચ્યો છે. બીએસઇના માર્કેટ કેપિટલમાં રૂ. ૧.૪૦ લાખ કરોડનો ઉમેરો થયો છે. સેન્સેક્સ અને નિફ્ટીએ ઇન્ટ્રા-ડે અનુક્રમે ૭૮,૭૫૯.૪૦ પોઈન્ટ અને ૨૩,૮૮૯.૯૦ પોઈન્ટની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ પણ ૫૩,૦૦૦ની નજીક જતાં તાજી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સનો શેર તેના ઇશ્યુ ભાવ સામે ૬૭ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઉત્પાદક આરઆર ગ્લોબલ દ્વારા સમર્થિત બીગૌસ કંપનીએ તેનું નવું હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક મોડલ આરયુવી૩૫૦ લોન્ચ કર્યું છે. કંપની દાવો કરે છે કે તેણે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સમાં રાઇડર્સ યુટિલિટી વ્હીકલ (આરયુવી)ની નવી કેટેગરી લોન્ચ કરી છે. આ વાહનમાં સ્કૂટર અને બાઇક બંનેની વિશેષતાઓ એક સાથે હોવાથી કંપની ૨૦૩૨ સુધીમાં લગભગ ૨૫થી ૩૦ ટકા બજાર હિસ્સો હાંસલ કરવાની નેમ ધરાવે છે.
કોર્પોરેટ હલચલમાં કમ્પ્રેસ્ડ બાયોગેસના ઉત્પાદનને આગળ ધપાવવાની દિશામાં નોંધપાત્ર પગલારૂપે, કાચા બાયોગેસને કોમ્પ્રેસ્ડ બાયોગેસમાં અપગ્રેડ કરવા સ્વિંગ એડસોર્પ્શન ટેકનોલોજી માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ અને ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડ એ કટીંગ-એજ વેક્યુમને લાઇસન્સ આપવા અને અમલમાં મૂકવા માટે એક કરાર કર્યો છે. આ કરાર પર કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાનની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અગાઉના સત્રોની તુલનાએ સહેજ નિરસ શરૂઆત પછી, બજાર પ્રથમ બે કલાકો સુધી ફ્લેટ રહ્યું હતું, જો કે, બપોરના સત્રમાં બૅન્ક, ઓઇલ-ગેસ અને એફએમસીજી શેરોમાં જોવા મળેલી લેવાલી વચ્ચે બજારનો ટોન ફરી મજબૂત બન્યો હતો અને બજારે તાજી રેકોર્ડ ઉંચી સપાટી હાંસલ કરી હતી.
નિફ્ટીમાં સૌથી વધુ વધનારા શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ હતો, જ્યારે અપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, એમએન્ડએમ, ટાટા સ્ટીલ અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઘટનારા શેરોમાં હતા. સેક્ટરમાં બેન્ક, ઓઇલ એન્ડ ગેસ, ટેલિકોમ, મીડિયા અને એફએમસીજી ૦.૩-૨ ટકા, જ્યારે ઓટો, મેટલ અને રિયલ્ટી ૦.૭-૧.૫ ટકા ઘટ્યા હતા. મિડકેપ ઈન્ડેક્સ ૦.૩૦ ટકા ડાઉન હતો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ નોટ પર બંધ થયો હતો.
સેન્સેક્સની ૧૯ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૧ સ્ક્રિપ્સ ઘટી હતી. સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંના મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૪.૦૯ ટકા, ભારતી એરટેલ ૩.૦૭ ટકા, અલ્ટ્રા સિમેન્ટ્સ ૨.૭૮ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૬૦ ટકા, સન ફાર્મા ૧.૩૭ ટકા, એક્સિસ બેન્ક ૧.૨૬ ટકા અને એનટીપીસી ૧.૧૪ ટકા, એનટીપીસી ૧.૧૪ ટકા અને બજાજ ફાઈનાન્સ ૧.૦૯ ટકા વધ્યા હતા, જ્યારે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૦૨ ટકા, તાતા સ્ટીલ ૧.૭૯ ટકા, ટેક મહિન્દ્ર ૧.૧૦ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૦૭ ટકા, ટાઈટન ૦.૮૬ ટકા અને એચડીએફસી બેન્ક ૦.૬૭ ટકા ઘટ્યા હતા.
એક્સચેન્જમાં ૪,૦૦૮ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૯૨૨ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૯૬૦ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૨૬ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૨૯૬ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૨૫ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં મુખ્યત્વ બીએસઈ મિડકેપ ૦.૨૯ ટકા ઘટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ૦.૧૫ ટકા વધ્યો હતો. સેન્સેક્સ -૫૦ ઈન્ડેક્સ ૦.૬૨ ટકા અને બીએસઈ ઓલ કેપ ૦.૩૦ ટકા વધ્યા હતા. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૭૩ ટકા વધ્યો હતો, જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૭૦ ટકા ઘટ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે ટેલિકોમ્યુનિકેશન ૨.૩ ટકા, એનર્જી ૧.૪૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૯૮ ટકા, ટેક ૦.૭૮ ટકા, બેન્કેક્સ ૦.૫૮ ટકા, સર્વિસીસ ૦.૪૬ ટકા, એફએમસીજી ૦.૩૨ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૨૫ ટકા, યુટિલિટીઝ ૦.૨૨ ટકા અને ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૦૨ ટકા વધ્યા હતા, જ્યારે મેટલ ૧.૪૬ ટકા, રિયલ્ટી ૧.૪૨ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૫૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૫ ટકા, હેલ્થકેર ૦.૧૪ ટકા, પાવર ૦.૧૧ ટકા, આઈટી ૦.૦૭ ટકા કોમોડિટીઝ ૦.૦૫ ટકા અને કેપિટલ ગુડ્સ ૦.૦૧ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૪૩.૪૩ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૪૨૬ સોદામાં ૫૬૩ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૧,૦૩,૫૫,૮૭૫ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૩,૧૯,૩૫૯.૪૫ કરોડનું રહ્યું હતું.