
મુંબઇ: જીએસટીના સુધારાની જાહેરાત પછીના બીજા દિવસે પણ શેરબજારમાં ભારે ઊછલપાથલમાંથી પસાર થયા બાદ શુક્રવારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી યથાવત બંધ રહ્યા હતા. આઇટી અને એફએમસીજી શેરોમાં થયેલું ધોવાણ ઓઇલ, ગેસ અને ઓટો શેરોના સુધારા સાથે સરભર થઇ ગયું હતું.
સત્રને અંતે સેન્સેક્સ 7.25 પોઈન્ટ અથવા 0.01 ટકા ઘટીને 80,710.76ના સ્તરે પર બંધ થયો હતો, જેમાં તેના 14 ઘટકો વધારા સાથે અને 16 ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી 6.70 પોઈન્ટ અથવા 0.03 ટકા વધીને 24,741 પોઇન્ટના સ્તરે પર બંધ થયો હતો. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સ્થિર રહ્યા હતા.
સેન્સેક્સ ઊંચો ખુલ્યો હતો, પરંતુ બપોર પહેલા જ રેડ ઝોનમાં સરકી ગયો. બપોરના સત્રમાં તે 80,321.19ની નીચી સપાટીએ પહોંચ્યો અને પછી પ્રી-ક્લોઝ સત્રમાં નુકસાન સરભર કર્યું હતું. દિવસના ઉચ્ચ અને નીચલા સ્તર વચ્ચે ઇન્ડેક્સ 715.37 પોઈન્ટ ફંગોળાયો હતો. અઠવાડિયા દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.2 ટકાનો વધારો થયો છે.
ભારતીય શેરબજારો ફ્લેટ બંધ થયા, પરંતુ સપોર્ટ લેવલ પર ખરીદીને કારણે મુખ્ય સૂચકાંકો ઇન્ટ્રા-ડે નીચા સ્તરેથી પાછા ફર્યા હોવાથી સેન્ટિમેન્ટ સહેજ હકારાત્મક રહ્યું હોવાનું જણાવતાં જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે, બજારને વૈશ્વિક સંકેતોએ પણ ટેકો આપ્યો, યુએસ રોજગાર અહેવાલ પહેલાં યુએસ અને એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો હતો.
શુક્રવારે પણ પાછલા સત્રની માફક સુધારા સાથે શરૂઆત બાદ બેન્ચમાર્ક નીચી સપાટીએ સરક્યા હતા. આ સત્રમાં બેન્ચમાર્ક સેન્સેક્સ સવારના સત્રમાં જ દિવસના ઉચ્ચતમ સ્તરથી 650 પોઈન્ટ નીચે સરકી ગયો હતો અને નિફ્ટી 24,700ના સ્તરથી નીચે ગબડ્યો હતો. બજારના સાધનો અનુસાર રોકાણકારોએ આઇટી શેરોમાં નબળાઈ અને બજારની અસ્થિરતાને ધ્યાનમાં લઇને પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું હોવાથી આમ થયું હતું.
જીએસટી દર ઘટાડાની જાહેરાતો અને મજબૂત વૈશ્વિક સંકેતોને પગલે શરૂઆતના કામકાજમાં 318.55 પોઈન્ટ વધીને 81,036.56ના સ્તર પર પહોંચેલો સેન્સેક્સ ગબડીને 80,544 પર પાછો ફર્યો હતો. 24,700ના આંકનેપાર કર્યા પછી વ્યાપક નિફ્ટી 24,653.25 સુધી પાછો ફર્યેો હતો.
સત્રને અંતે સેન્સેક્સ કંપનીઓમાં મહિન્દ્રા અને મહિન્દ્રા 2.34 ટકા વધ્યો હતો, ત્યારબાદ મારુતિ સુઝુકીમાં 1.70 ટકાનો વધારો હતો. અન્ય વધનારા શેરોમાં પાવર ગ્રીડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને ઇટર્નલનો સમાવેશ હતો. જોકે, આઇટીસી, એચસીએલ ટેક, ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ પાછળ રહ્યા.
સ્મોલકેપ ગેજ 0.09 ટકા વધ્યો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 0.10 ટકા ઘટ્યો હતો. ફોકસ્ડ આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ 1.44 ટકા ઘટ્યો હતો, ત્યારબાદ આઇટી (1.25 ટકા), એફએમસીજી (1.22 ટકા), રિયલ્ટી (1.07 ટકા), ટેક (0.70 ટકા) અને સર્વિસીસ (0.60 ટકા)નો ક્રમ રહ્યો હતો. સેકટરલ ઇન્ડેક્સમાં, ઓટો 1.30 ટકા અને ટેલિકોમ્યુનિકેશન 0.96 ટકા વધ્યા હતા. એ જ સાથે, મેટલ (0.71 ટકા), ગ્રાહક વિવેકાધીન (0.60 ટકા) અને ઊર્જા (0.20 ટકા) પણ વધ્યા હતા.
પ્રાઇમરી માર્કેટમાં જય અંબે સુપરમાર્કેટનો રૂ. 18.45 કરોડનો બુક બિલ્ડ ઇશ્યૂ સંપૂર્ણપણે રૂ. 18.45 કરોડના 0.24 કરોડ શેરનો નવો ઇશ્યૂ છે. આઇપીઓ નવમી સપ્ટેમ્બર, 2025ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 11 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ થશે. શેરની ફાળવણી 12 સપ્ટેમ્બરે અને લિસ્ટિંગ 16 સપ્ટેમ્બરે થશે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 74થી રૂ. 78 છે. અરજી માટે લોટ સાઈઝ 1,600 છે. એબ્રિલ પેપર 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો.
ભારતીય રેલ્વે દ્વારા ઉપયોગમાં લેવાતા રોલિંગ સ્ટોક માટેના કમ્પોનન્ટ્સના મેન્યુફેક્ચરિગમાં વ્યસ્ત એરફ્લોઆ રેલ ટેકનોલોજી લિમિટેડ 11 સપ્ટેમ્બર, 2025ના રોજ રૂ. 91.10 કરોડની ઈનિશિયલ પબ્લિક ઓફરિગ સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 133થી રૂ. 140 અને મિનિમમ લોટ સાઇઝ 1000 ઇક્વિટી શેરનો છે. એન્કર પોર્શન બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે અને ઇશ્યુ સોમવાર, 15 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ થશે.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, નીતિગત સુધારાઓ અને સહાયક સ્થાનિક પરિબળો અંગે આશાવાદ હોવા છતાં, બજારો એકીકરણ તબક્કામાં પ્રવેશી રહ્યા હોય તેવું લાગે છે, જે ટેરિફ ચિંતાઓ અને સતત વિદેશી સંસ્થાકીય આઉટફ્લોને કારણે છે.
બજારના ઘટવાના સૌથી પહેલા કારણમાં, 0.5 ટકાના પ્રારંભિક વધારા પછી માહિતી ટેકનોલોજી કંપનીઓના શેર 1.5 ટકા સુધી ઘટ્યા હતા, કારણ કે નબળા યુએસ લેબર ડેટાએ ભારતીય આઇટી સેવાઓ માટે વિશ્વના સૌથી મોટા બજારમાં આર્થિક વૃદ્ધિ અંગે ચિંતા ઊભી કરી હતી.
દિવસના અંતમાં આવનારા એમ્પ્લોઇમેન્ટ ડેટામાં કોરોના મહામારી પછી ભરતીની સૌથી ધીમી ગતિ દર્શાવે એવી ધારણાં છે, જેમાં વધતા ખર્ચ અને નીતિગત અનિશ્ચિતતાઓ યુએસ અર્થતંત્ર પર દબાણ ઉમેરશે.
આને કારણે ભારતની આઇટી સેકટરની કંપનીઓ પર નકારાત્મક અસર જોવા મળે એવી સંભાવના છે. બીજું કારણમાં મોટાપાયાનું પ્રોફિટ બુકિંગ છે. બે સત્રની આગેકૂચ પછી વિવિધ કારણસર રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું હોવાથી બેન્ચમાર્ક પર દબાણ આવ્યું હતું.
વોલેટિલિટી ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. બજારનો વોલેટિલિટી ગેજ, ઇન્ડિયા વીઆઇએક્સ 2.4 ટકા વધીને 11.12 પર પહોંચ્યો હતો, જે રોકાણકારોમાં વધતી અનિશ્રિઅચતતા દર્શાવે છે, જે ઘણીવાર વેચાણ દબાણ તરફ દોરી જાય છે.
સાપ્તાહિક મોરચે, બીએસઇ બેન્ચમાર્ક 901.11 પોઈન્ટ અથવા 1.12 ટકા ઉછળ્યો અને નિફ્ટી 314.15 પોઈન્ટ અથવા 1.28 ટકા વધ્યો છે.
એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ, શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ સકારાત્મક વલણમાં સ્થિર થયા. યુરોપના બજારો મજબૂત નોંધ પર ટે્રડ થઈ રહ્યા હતા. ગુરુવારે યુએસ બજારો ઊંચા સ્તરે બંધ થયા.
એક્સચેન્જ ડેટા અનુસાર, ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. 106.34 કરોડના ઇક્વિટી વેચ્યા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. 2,233.09 કરોડના શેર ખરીદ્યા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.07 ટકા ઘટીને 66.93 ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. ગુરુવારે, સેન્સેક્સ 150.30 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 80,718.01 પર અને નિફ્ટી 19.25 પોઈન્ટ અથવા 0.08 ટકા વધીને 24,734.30 પર બંધ થયો હતો.
સરકારે રોટી, કપડાથી માંડીને કાર સુધીની ચીજો પરના જીએસટી દરોમાં ઘટાડો જાહેર કર્યા બાદ ગુરુવારે સેન્ટિમેન્ટલ પુશને આધારે પ્રારંભિક સત્ર દરમિયાન લગભગ 900 પોઇન્ટ સુધી ઊંચે ઊછળ્યા બાદ સેન્સેક્સ માત્ર 150 પોઇન્ટના સુધારા સાથે સ્થિર થયો હતો.
તહેવારોની મોસમ પહેલા વપરાશ વધારવા અને અમેરિકામાં ભારે ટેરિફના દબાણને દૂર કરવા માટે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માં કરેલા ફેરફાર અનુસાર રોટલી, પરાઠાથી લઈને વાળના તેલ, આઈસ્ક્રીમ અને ટીવી સુધીની સામાન્ય ઉપયોગની વસ્તુઓની કિમત ઓછી થશે, જ્યારે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને જીવન વીમા પર કરનો દર શૂન્ય કરવામાં આવશે.
22 સપ્ટેમ્બરથી અમલમાં આવનારા ભારતના જીએસટી 2.0 સુધારામાં ઓટો, એફએમસીજી, સિમેન્ટ, વીમા, ક્નઝ્યુમર ડ્યુરેબલ્સ, એપેરલ, ફૂટવેર, હોટેલ્સ, એનબીએફસી, ફર્ટિલાઇઝર અને કાપડ પર કર ઘટાડાનો સમાવેશ થાય છે.
ઓટો અને કોમ્પોનન્ટ્સ ક્ષેત્રે 350 સીસીથી ઓછી ક્ષમતાવાળા ટુ-વ્હીલર, નાની કાર અને ઓટો પાર્ટ્સ માટે જીએસટી ઘટાડીને 18 ટકા થવાથી હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, એમએન્ડએમ, મારુતિ, ટાટા મોટર્સ, એન્ડ્યુરન્સ ટેક, યુનો મિન્ડા, એક્સાઇડ, મધરસનને ફાયદો થશે.
એફએમસીજી, એપેરલ, ફૂટવેર, સિમેન્ટ અને ક્નઝ્યુમર ડ્યુરેબલ્સમાં જીએસટી ઘટાડાથી આઇટીસી, બ્રિટાનિયા, એચયુએલ, નેસ્લે, બાટા, રિલેક્સો, અલ્ટ્રાટેક, અંબુજા, વોલ્ટાસ, હેવેલ્સને લાભ થશે. વીમા, એફએમસીજી, હોટલ, ખાતર અને કાપડ ક્ષેત્રોને લાભ થશે.
એક વિશ્લેષકે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ કરવેરા કાપની જાહેરાત થઈ ત્યારથી જ બજારમાં આ નિર્ણયની અસરો ડિસ્કાઉન્ટ થવા માંડી હતી. એફઆઇઆઇની એકધારી અને મોટી વેચવાલીને કારણે પણ બજારને નુકસાન થયું હતું. બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 1,666.46 કરોડ રૂપિયાના ઇક્વિટી વેચ્યા હતા.
જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 2,495.33 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ડીઆઇઆઇએ પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુના ઇક્વિટી ખરીદ્યા છે, જે ગયા વર્ષના સર્વકાલીન ઉચ્ચ સ્તરની નજીક છે. વિદેશી રોકાણકારોએ 2025માં અત્યાર સુધીમાં ભારતીય બજારોમાંથી 1.3 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડી લીધી છે.