વેચવાલીના દબાણથી ત્રણ સત્રની આગેકૂચને બ્રેક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બજેટની રજૂઆત અગાઉની સાવચેતીના માનસ સાથે રૂપિયાના અવમૂલ્યન, એફઆઇઆઇની નવેસરની વેચવાલી અને વિશ્ર્વ બજારની અસરે મેટલ તથા આઇટી શેરોમાં થયેલા ધોવાણને કારણે શેરબજારની ત્રણ દિવસની આગેકૂચને બ્રેક લાગી હતી.
સેન્સેક્સ સત્ર દરમિયાન ૬૨૫ પોઇન્ટ જેટલો નીચે ગયા બાદ અંતે ૨૯૬.૫૯ પોઇન્ટ અથવા તો ૦.૩૬ ટકાના ઘટાડા સાથે ૮૨,૨૬૯.૭૮ની સપાટીએ અને નિફ્ટી ૯૮.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૩૯ ટકાના ઘટાડા સાથે ૨૫,૩૨૦.૬૫ની સપાટીએ સ્થિર થયો હતો.
ટાટા સ્ટીલ ૪.૫૭ ટકાના કડાકા સાથે ટોપ લુઝર બન્યો હતો. આ યાદીમાં સૌથી વધુ ઘટનારા અન્ય શેરમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, પાવર ગ્રીડ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રઆ, ઇન્ફોસિસ અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ હતો. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેન્ક, આઇટીસી અને ભારત ઇલેક્ટ્રોનિક્સ ટોપ ગેઇનરમાં સમાવિષ્ટ હતા.
આપણ વાચો: શેરબજાર: મેટલમાં જોરદાર કડાકા, જાણો એકાએક શું થયું?
જીઓ-પોલિટિકલ રિસ્ક અને રૂપિયાના અવમૂલ્યન વચ્ચે સ્થાનિક સ્તરે એફઆઇઆઇની એકધારી વેચવાલી તથા બજેટની રજૂઆત પહેલાના સાવચેતીના માનસ વચ્ચે બજારમાં અફડાતફડી જોવા મળી હતી. જોકે, આર્થિક સર્વેક્ષણમાં અર્થતંત્રની મજબૂતીના સંકેત અને યુરોપિયન સંઘ સાથેના ભારતના મુક્ત વેપારના કરાર પોઝિટિવ પરિબળ રહ્યા છે.
કોર્પોરેટ પરિણામ મિશ્ર રહ્યાં છે. એનટીપીસી ગ્રીન એનર્જીનો નફો ૭૪ ટકા ઘટીને રૂ. ૧૭.૩૨ કરોડ નોંધાયો હતો, જ્યારે સ્વીગીની ખોટ ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને રૂ. ૧૦૬૫ કરોડ સુધી પહોંચી હતી. નેસ્લે ઇન્ડિયાનો નફો ૪૫.૧૨ ટકા વધીને રૂ. ૯૯૮.૪૨ કરોડ નોંધાયો હતો. કોલગેટ પામોલીવ ઇન્ડિયાનો નફો ૦.૩ ટકા વધીને રૂ. ૩૨૪ કરોડ રહ્યો હતો. આઇટીસીનો ત્રીજા ક્વાર્ટરનો ચોખ્ખો નફો થોડો વધીને રૂ. ૫,૦૧૮ કરોડ થયો હતો.
અરવિંદ લિમિટેડનો નફો પાંચ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૦૦.૯૭ કરોડ નોંધાયો છે. બ્લુ સ્ટારના નફામાં ૩૯ ટકાનો અને હુડકોના નફામાં ત્રણ ટકાનો ઘટાડો, જ્યારે બીપીસીએલના નફામાં ૬૨ ટકાના વધારો નોંધાયો છે. વોલ્ટાસના નફામાં ૩૫.૪ ટકાનો અને કેપીઆઇટીના નફામાં ૨૯ ટકાનો ઘટાડો, જ્યારે બીઓઆઇના ત્રિમાસિક નફામાં સાત ટકાના વધારો નોંધાયો છે. સિપ્લાના નફામાં ૫૭ ટકા અને અદાણી ગ્રીન એનર્જીના નફામાં ૯૯ ટકાનો કડાકો નોંધાયો હતો.
આપણ વાચો: વારંવાર કહેવા છતાં કેમ લોકો નથી માનતા?: ફરી ગઠિયાઓ શિક્ષિતોને શેરબજારના નામે ધૂતી ગયા
એક્સચેન્જના ડેટા અનુસાર બુધવારે પાછલા સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૩૯૩.૯૭ કરોડની વેચવાલી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૨૬૩૮.૭૬ કરોડની લેવાલી નોંધાવી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ ૦.૮૮ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૭૦.૦૯ ડોલર બોલાયા હતા.
એશિયાઇ બજારોમાં સાઉથ કોરિયાનો કોસ્પી સુધારા સાથે બંધ થયો હતો. જ્યારે, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ, સિંગાપોરનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ગબડ્યો હતો. યુરોપના બજારો ઊંચા મથાળે ટ્રેડ થઇ રહ્યા હતા. અમેરિકાના બજારો ગુરુવારે નીચા મથાળે બંધ રહ્યા હતા.
સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૩૮ ટકા, સ્ટેટ બેન્ક ૧.૨૭ ટકા, આઈટીસી ૧.૧૧ ટકા, બીઈએલ ૧.૦૧ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૯૪ ટકા, ટાઈટન ૦.૮૩ ટકા, મારુતિ ૦.૭૦ ટકા અને એશિયન પેઈન્ટ્સ ૦.૪૯ ટકા વધ્યા હતા.
જ્યારે ટાટા સ્ટીલ ૪.૫૭ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૧૦ ટકા, પાવર ગ્રીડ ૧.૬૧ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૫૫ ટકા, ટેક મહિન્દ્ર ૧.૨૯ ટકા, ઈન્ફોસિસ ૧.૦૫ ટકા, કોટક બેન્ક ૦.૯૯ ટકા, ટ્રેન્ટ ૦.૯૮ ટકા, એચડીએફસી બેન્ક ૦.૬૭ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી ૦.૬૭ ટકા, એનટીપીસી ૦.૬૪ ટકા અને ઈટર્નલ ૦.૫૫ ટકા ઘટ્યા હતા.



