શેર બજાર

ક્રૂડ ઓઈલના ભાવ ઉછાળા, નબળા વૈશ્ર્વિક વલણોને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ત્રીજા દિવસે ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા સાથે વિશ્ર્વબજારના નબળા સંકેત વચ્ચે સ્થાનિક બજારનું માનસ સપ્તાહના છેલ્લા દિવસે પણ ખોરવાયેલું રહ્યું હતું અને નિફટી ૧૯,૫૦૦થી નીચી સપાટીને અથડાયો હતો, જ્યારે સેન્સેક્સે ૬૫,૪૦૦ની સપાટી ગુમાવી હતી. આ સત્રમાં એફઆઇઆઇએ રૂ. ૪૫૫.૨૧ કરોડ અને સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૮.૫૩ કરોડની લેવાલી કરી હોવા છતાં માર્કેટ ગબડ્યું હતું.

સત્ર દરમિયાન ૩૨૦.૬૩ પોઇન્ટ અથવા તો ૦.૪૮ ટકા તૂટીને ૬૫,૩૦૮.૬૧ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૨૩૧.૬૨ પોઇન્ટ અથવા તો ૦.૩૫ ટકાના ઘટાડે ૬૫,૩૯૭.૬૨ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૮૨.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૪૨ ટકાના ઘટાડા સાથે ૧૯,૫૪૨.૬૫ પોઇન્ટની સપાટીએ સેટલ થયો હતો. એ નોંધવું રહ્યું કે, શુક્રવાર સુધીના ત્રણ સત્રોમાં સેન્સેક્સમાં ૧,૦૩૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો જ્યારે નિફ્ટી ૨૬૮ પોઈન્ટ્સ તૂટ્યો હતો. યુએસ ટ્રેઝરીની યિલ્ડ ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચવા સાથે વિદેશી ફંડોની વેચવાલી વધવાની અશંકાને કારણે વિશ્ર્વબજારનું સેન્ટિમેન્ટ વધુ ખોરવાયું હતું. યુએસ બોન્ડ યીલ્ડ ૨૦૦૭ પછી પ્રથમ વખત ૫ાંચ ટકાની નજીક પહોંચતા વિશ્ર્વભરની ઇક્વિટી માર્કેટમાં ગભરાટ વ્યાપ્યો હતો. વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાને કારણે શુક્રવારના સતત ત્રીજા દિવસે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. પશ્ર્ચિમ એશિયાના તણાવથી ઉદ્દભવેલી વધારાની અનિશ્ર્ચિતતા અને યુએસ ફેડરલ ચેરમેન દ્વારા સતત તંગ નાણાકીય નીતિ પર ભાર મૂકવામાં આવતાં બજારમાં અસ્થિરતાનું સ્તર ઊભું થયું હતું.

જ્યારે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને યુએસ બોન્ડની યીલ્ડના ઉછાળાને કારણે સ્થાનિક નાણાકીય વાતાવરણ અને કંપનીઓના ઓપરેશનલ માળખું અસરગ્રસ્ત થશે. સેન્સેક્સ કંપનીઓના શેરમાં આઇટીસી, ટાટા સ્ટીલ, હિંદુસ્તાન યુનિલિવર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ અને પાવર ગ્રીડ ટોપ લુઝર રહ્યા હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ અને એનટીપીસીના શેર ટોપ ગેઇનર્સની યાદીમાં સ્થાન પામ્યા હતા. એશિયન બજારોમાં સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ નકારાત્મક ક્ષેત્રમાં સમાપ્ત થયા હતા. જ્યારે યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા.

ગુરૂવારે અમેરિકન બજારો નીચા સ્તરે બંધ થયા હતા. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૧૪ ટકા વધીને ૯૩.૪૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. વધતા વ્યાજદરો ઇક્વિટી બજારો માટે સાહજિક રીતે હકારાત્મક નથી. યુએસ સરકારી બોન્ડ્સ પાંચ ટકા ડોલર વળતર આપે છે, ૧૦-વર્ષના ટ્રેઝરી પર ઉપજ ૪.૯૯ ટકાને સ્પર્શી ગયું હતું, જે બુધવારે મોડી રાત્રે ૪.૯૧ ટકાથી વધીને ૪.૯૮ ટકા પર પહોંચ્યું હતું. શુક્રવારની શરૂઆતમાં, ૧૦-વર્ષની ટ્રેઝરી યીલ્ડ ૪.૯૪ ટકા હતી.

હમાસ-ઈઝરાયલ સંઘર્ષને કારણે પુરવઠાની ચિંતામાં વધારો થવાને કારણે આંતરરાષ્ટ્રીય ધોરણ બ્રેન્ટ ક્રૂડ ૧.૨૯ ડોલરના વધારા સાથે ૯૩.૬૭ પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ ગુરૂવારે રૂ. ૧,૦૯૩.૪૭ કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી.

પાછલા સત્રમાં ગુરૂવારે બેન્ચમાર્ક ૨૪૭.૭૮ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા ઘટીને ૬૫,૬૨૯.૨૪ પર સેટલ થયો હતો. નિફ્ટી ૪૬.૪૦ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકા ઘટીને ૧૯,૬૨૪.૭૦ પર આવી ગયો હતો. સેન્સેક્સમાં કોટક મહિન્દ્રા બેન્ક ૧.૮૦ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૩૦ ટકા, ટીસીએસ ૧.૧૪ ટકા, એનટીપીસી ૦.૬૯ ટકા અને નેસલે ઈન્ડિયા ૦.૬૦ ટકા વધ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button