રેટકટની શક્યતા નબળી પડવાની સાથે વિશ્વ બજાર પાછળ સેન્સેક્સ નિફ્ટીની બે સત્રની તેજીને બે્રકઃ સેન્સેક્સ 400 પૉઈન્ટ અને નિફ્ટી 124 પૉઈન્ટ તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ધૂંધળી બની હોવાથી તેમ જ એઆઈને લગતા શૅરોમાં તેજીનો પરપોટો ફૂટે તેવી ભીતિ સપાટી પર આવતા આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ઑલ ફૉલ ડાઉનનું વલણ જોવા મળ્યું હોવાના નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ બે સત્રની તેજીને બે્રક લાગી હતી,
જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 400.76 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 124 પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, સાપ્તાહિક ધોરણે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 0.79 ટકા અથવા તો 669.14 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 0.61 ટકાનો અથવા તો 158.10 પૉઈન્ટનો સુધારો નોંધાયો છે.
આપણ વાચો: ઈક્વિટી માર્કેટમાં રિબાઉન્ડ અને ટ્રેડ ડીલના આશાવાદે રૂપિયો 23 પૈસા ઊંચકાયો…
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 85,632.68ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 85,347.40ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 85,609.40 અને નીચામાં 85,187.84ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.47 ટકા અથવા તો 400.76 પૉઈન્ટના ઘટાડા સાથે 85,231.92ના મથાળે બંધ રહ્યો હતો.
તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 26,192.15ના બંધ સામે નરમાઈના વલણ સાથે 26,109.55ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 26,052.20થી 26,179.20ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.47 ટકા અથવા તો 124 પૉઈન્ટ ઘટીને 26,068.15ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વધુ પાતળી થઈ હતી.
આપણ વાચો: ડૉલરમાં નરમાઈ અને અમેરિકી શટડાઉનની ચિંતા સપાટી પર રહેતાં વૈશ્વિક સોનામાં મક્કમ આંતરપ્રવાહ
વધુમાં એઆઈ શૅરોમાં તેજીનો પરપોટો ફૂટે તેવી ભીતિ સપાટી પર આવતા ગઈકાલે અમેરિકામાં નાસ્દાકમાં 2.15 ટકાનો, એસ ઍન્ડ પી 500માં 1.56 ટકાનો અને ડાઉ જોન્સ 0.84 ટકા તૂટ્યાના નિર્દેશો સાથે એશિયન બજારોમાં ગાબડાં પડ્યાં હોવાનું વિશ્લેષકોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 3.79 ટકાનો, શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 2.45 ટકાનો, જાપાનના નિક્કી 225માં 2.40 ટકાનો અને હૉંગકૉંગના હૅંગસૅંગમાં 2.38 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હતું.
અમેરિકાના રોજગારીના ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી રેટકટની શક્યતા નબળી પડવાથી આજે એશિયન બજારોની નરમાઈના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ બે સત્રની તેજી પશ્ચાત્ નફારૂપી વેચવાલીનું દબાણ વધ્યું હતું અને સ્મોલ તથા મિડકેપ સહિતનાં મુખ્ય ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતુ.
એકંદરે આજે બીએસઈ ખાતે કુલ 2898 શૅરના ભાવ ઘટીને, 1278 શૅરના ભાવ વધીને અને 162 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. જોકે, આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 17 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં ટાટા સ્ટીલમાં સૌથી વધુ 2.58 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આપણ વાચો: જોખમી પરિબળોમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠે વૈશ્વિક સોનાચાંદીમાં બાઉન્સબૅક
ત્યાર બાદ અનુક્રમે બજાજ ફાઈનાન્સમાં 2.29 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 2.25 ટકાનો, બજાજ ફિનસર્વમાં 2.01 ટકાનો અને ભારત ઈકક્ટ્રોનિક્સ લિ. તથા ઈટર્નલમાં 1.61 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ મારુતિ સુઝુકીમાં 1.14 ટકાનો સુધારો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 0.89 ટકાનો, ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સમાં 0.69 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 0.60 ટકાનો, આઈટીસીમાં 0.57 ટકાનો અને ઈન્ફોસિસમાં 0.51 ટકાનો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં 1.30 ટકાનો કડાકો બોલાયો હતો, જ્યારે સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં સૌથી વધુ 2.35 ટકાનો ઘટાડો મેટલ ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે રિઅલ્ટી ઈન્ડેક્સમાં 1.89 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.79 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 1.46 ટકાનો અને ઈન્ડસ્ટ્રીયલ ઈન્ડેક્સમાં 1.43 ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.51 ટકા ઘટીને બેરલદીઠ 62.42 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા, જ્યારે ડૉલર સામે રૂપિયો 91 પૈસાના ગાબડાં સાથે 89ની સપાટી કુદાવીને 89.59ના મથાળે રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



