ઇઝરાયલી ઇફેક્ટ: સેન્સેક્સમાં ૧૩મીએ ૧૩૦૦નો તોતિંગ કડાકો, સોનું લાખની લગોલગ…

નિલેશ વાઘેલા
મુંબઈ: ઇઝરાયલે ઇરાન પર ભયાનક મિસાઇલ હુમલો શરૂ કરી દીધો હોવાથી સંપૂર્ણ કક્ષાના યુદ્ધના ભય વચ્ચે મધ્યપૂર્વમાં તંગદીલી વધી જતાં સેન્સેક્સમાં ૧૩૦૦ પોઇન્ટની જોરદાર પછડાટ જોવા મળી હતી અને નિફ્ટી ૨૪,૭૫૦ની નીચે સરકી ગયો હતો. આ તરફ રોકાણકારોએ સેફ હેવન એસેટ તરફ દોટ મૂકી હોવાથી સોનાના ભાવ એક લાખ રૂપિયા નજીક પહોચ્યા હતા જ્યારે ક્રૂડ ઓઇલ બેરલદીઠ ઉછળીને ૭૮ ડોલર બોલાઇ ગયું હતું.
સેન્સેક્સ ૮૧,૬૯૨ પોઇન્ટના પાછલા બંધ સામે ૧૨૬૫ પોઇન્ટની જોરદાર પછડાટ સાથે ૮૦૪૨૭.૮૧ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ સવારના જ સત્રમાં ૧૩૩૭ પોઇન્ટના તોતિંગ કડાકા સાથે ૮૦,૩૫૫ પોઇન્ટની બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયો હતો.
ઈરાન પર ઈઝરાયલના મિસાઈલ હુમલાથી ભારે ઉથલપાથલ મચી ગઈ હોવાને કારણે શેરબજારમાં તીવ્ર કડાકો બોલાયો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ઈરાનની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવ તીવ્રપણે વધી જવાને કારણે રોકાણકારોએ સોના અને સરકારી બોન્ડ જેવી સેફ હેવન એસેટ તરફ દોડ લગવી હતી. પુરવઠામાં વિક્ષેપ અને ઈરાન તરફથી સંભવિત પ્રતિહુમલાાની ચિંતાએ બજારની અસ્થિરતાને વધુ વેગ આપ્યો હોવાથી બજારમાં વ્યાપક વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
શુક્રવારે ભારતીય શેરબજારમાં કામકાજની શરૂઆત જ ભયાનક પછડાટ સાથે થઇ હતી. ઇઝરાયલ દ્વારા ઇરાન પર લશ્કરી હુમલાઓ શરૂ થઇ ગયા હોવાને કારણે ખખડી ગયેલા મોરલ વચ્ચે એશિયન બજારોમાં તીવ્ર પીછેહઠ જોવા મળી હતી. આ લશ્કરી અથડામણને કારણે ક્રૂડ ઓઇલ સમૃદ્ધ મધ્ય પૂર્વના દેશોમાં ભૂરાજકીય તંગદીલીમાં ઝડપી વધારો થયો હતો.
સત્રને અંતે તે ૫૭૩.૩૮ પોઇન્ટના મોટા ગાબડાં સાથે ૮૧,૧૧૮.૬૦ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૧૬૯.૬૦ પોઇન્ટના મોટા ગાબડાં સાથે ૨૪,૭૧૮.૬૦ની સપાટીએ સ્થિર થયો હતો. એશિયાઇ બજારોમાં સાઉથ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ, શાંઘાઇનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા. યુરોપના શેરબજારો નીચા મથાળે ટ્રેડ થઇ રહ્યાં હતાં. અમેરિકાના બજારો ગુરુવારે પોઝિટિવ ઝોનમાં બંધ થયા હતા.