શેર બજાર

stock market: શેરબજારમાં મંદીનું પંચક: બેન્કમાર્ક ૮૪,૦૦૦ની નીચે ખાબક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની તોતિંગ ટેરિફની આશંકાને કારણે સર્જાયેલા સાવચેતીના માનસ વચ્ચે ભારતીય શેરબજારોમાં વેચવાલીનું દબાણ ચાલુ રહેતા સતત પાંચમા દિવસે ઘટાડો જારી રહ્યો હતો અને બેન્ચમાર્ક સેન્સેક્સ તથા નિફ્ટીમાં લગભગ એક ટકા જેવો કડાકો જોવા મળ્યો હતો. ભારતીય બજારોમાંથી વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલીને કારણે પણ બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી રહી છે.

શરૂઆતના વેપારમાં ટૂંકા ગાળાના સુધારા પછી, સેન્સેક્સ ગતિને આગળ વધારવામાં નિષ્ફળ રહ્યો અને અંતે ૬૦૪.૭૨ પોઈન્ટ અથવા ૦.૭૨ ટકા ઘટીને ૮૪,૦૦૦ની સપાટી તોડીને ૮૩,૫૭૬.૨૪ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૭૭૮.૬૮ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા ઘટીને ૮૩,૪૦૨.૨૮ની નીચી સપાટીને અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૧૯૩.૫૫ પોઈન્ટ અથવા ૦.૭૫ ટકા ઘટીને ૨૫,૬૮૩.૩૦ પર બંધ રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે બંને બેન્ચમાર્કે અઢી ટકા ગુમાવ્યા છે.

સેન્સેક્સ કંપનીઓમાંથી એનટીપીસી, આઇસીઆઇસીઆઇ બેંક, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, સન ફાર્મા અને બજાજ ફાઇનાન્સ સૌથી વધુ ઘટનારા શેરોમાં સામેલ હતા. જ્યારે, એશિયન પેઇન્ટ્સ, એચસીએલ ટેક, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી વધુ વધારો નોંધાવનારા શેરોમાં સામેલ હતા. ગુરુવારે, સેન્સેક્સ ૭૮૦.૧૮ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા ઘટીને ૮૪,૧૮૦.૯૬ પર બંધ થયો.

નિફ્ટી ૨૬૩.૯૦ પોઈન્ટ અથવા ૧.૦૧ ટકા ઘટીને ૨૫,૮૭૬.૮૫ પર બંધ થયો હતો.
નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝ, શ્રીરામ ફાઇનાન્સ, એન્ટીપીસ, આઇસીઆસીઆઇ બેંક, જીઓ ફાઇનાન્શિયલ મુખ્ય ઘટાડાવાળા શેરોમાં હતા, જ્યારે એશિયન પેઇન્ટ્સ, ઓઅનજીસી, ભારત ઇલેક્ટ્રોનિક્સ, એચસીએલ ટેક્નોલોજીસમાં વધારો થયો હતો. આઇટી, પીએસયુ બેંક, ઓઇલ અને ગેસ સિવાય, અન્ય તમામ ક્ષેત્રોના સૂચકાંકો નીચા સ્તરે બંધ થયા, જેમાં ઓટો, એફએમસીજી, રિયલ્ટી, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ બે ટકા સુધી ઘટ્યા હતા.

એક્સચેન્જ ડેટા અનુસાર, ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૩,૩૬૭.૧૨ કરોડના મૂલ્યના ઇક્વિટી વેચ્યા, અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૩,૭૦૧.૧૭ કરોડના શેર ખરીદ્યા હતા. યુએસ-ભારત ટેરિફ વાટાઘાટો અને વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સ્થાનિક રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ વધુ તીવ્ર બન્યું છે. એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ, શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ઊંચો રહ્યો હતો. યુરોપના બજારો હકારાત્મક વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે યુએસ બજારો મિશ્ર વલણ સાથે બંધ થયા હતા.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી ટેરિફ-સંબંધિત ટિપ્પણીઓને પગલે વૈશ્ર્વિક વેપાર અનિશ્ર્ચિતતામાં વધારો થવાને કારણે ભારતીય ઇક્વિટી બજારો આખા અઠવાડિયા દરમિયાન સતત દબાણ હેઠળ રહ્યા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ, ૦.૧૮ ટકા વધીને ૬૨.૧૦ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.

એકંદરે અમેરિકાએ ટેરિફ વધારવા આપેલી ધમકી, ભૂ-રાજકીય તંગદીલી અને એફઆઇઆઇની સતત વેચવાલીને કારણે શેરબજારમાં સતત ચોથા દિવસે પીછેહઠ જોવા મળી હતી. યુએસ ટેરિફ અને એફઆઇઆઇના સતત આઉટફ્લો અંગે નવી ચિંતાઓ વચ્ચે સેન્ટિમેન્ટ સાવધ બન્યું હોવાથી સ્થાનિક બજારોમાં ઘટાડો આગળ સાથે કોર્પોરેટ કમાણીમાં વૃદ્ધિ અંગે આશાવાદ ધોવાઈ ગયો છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button