શેર બજાર

વિદેશી ફંડોની વેચવાલી અને વૈશ્વિક નરમાઈના અહેવાલે સેન્સેક્સ 533 પૉઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 167 પૉઈન્ટના ઘટાડા સાથે 26,000ની સપાટી ગુમાવી

વિદેશી ફંડોની રૂ. 2381.92 કરોડની વેચવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 1077.48 કરોડની લેવાલી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ
વૈશ્વિક ઈક્વિટી માર્કેટના નરમાઈતરફી અહેવાલ અને સ્થાનિકમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધુ રૂ. 1468.32 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક રોકાણકારોનું માનસ ખરડાતા આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સે 533.50 પૉઈન્ટના ઘટાડા સાથે 85,000ની અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીએ 167.20 પૉઈન્ટના ઘટાડા સાથે 26,000ની સપાટી ગુમાવી હતી. વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 10,464.52 કરોડની ખરીદી સામે રૂ. 12,846.44 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 2381.92 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.12,488.98 કરોડની ખરીદી સામે રૂ. 11,411.50 કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં કુલ રૂ. 1077.48 કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે.

એકંદરે આજે વૈશ્વિક નરમાઈતરફી અહેવાલોને ધ્યાનમાં લેતા બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 85,213.36ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 85,021.61ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 84,620.61 અને ઉપરમાં 85,059.96ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.63 ટકા ઘટીને 84,679.86ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્મચાર્ક નિફ્ટી ગઈકાલના 26,027.30ના બંધ સામે 25,951.50ના મથાળે ખૂલ્યા બાદ નીચામાં 25,834.35 અને ઉપરમાં 25,980.75ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 0.64 ટકા અથવા તો 167.20 પૉઈન્ટ ઘટીને 25,860.10ના મથાળે બંધ રહ્યો હતો.

આજે બીએસઈ ખાતે કુલ 4328 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 1600 શૅરના ભાવ વધીને, 2578 શૅરના ભાવ ઘટીને અને 150 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 100 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 135 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. આ સિવાય આજે છ શૅરોમાં નીચલી સર્કિટ લાગી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીના દબાણ હેઠળ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઑલ ફોલ ડાઉનનું વલણ અને વિશ્વ બજારનાં નરમાઈતરફી અહેવાલને કારણે સ્થાનિકમાં પીછેહઠ જોવા મળી હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે 36 પૈસા તૂટીને 91.14ની ઐતિહાસિક નીચી સપાટી સુધી પહોંચ્યો હતો.

તે જ પ્રમાણે મંતવ્ય આપતા એનરીચ મનીનાં સીઈઓ પોન્મુડી આરએ જણાવ્યું હતું કે આજે રૂપિયાએ સત્ર દરમિયાન 91ની સપાટી પાર કરી હોવાથી બૃહદ આર્થિક ચિંતા સપાટી પર આવવાની સાથે વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા વિશ્વ બજારમાં પણ નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિકમાં ખાસ કરીને રિઅલ્ટી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, મેટલ અને આઈટી કંપનીઓનાં શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં બૅન્ચમાર્કમાં પીછેહઠ જોવા મળી હતી.

આજે બીએસઈ સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી બાવીસ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ 5.03 ટકાનો ઘટાડો એક્સિસ બૅન્કમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈટર્નલમાં 4.69 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 1.90 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.74 ટકાનો, બજાજ ફિનસર્વમાં 1.65 ટકાનો અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.65 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, તેની સામે માત્ર આઠ શૅરના ભાવ સુધારા સાથે બંધ રહ્યા હતા તેમાં ટિટાનમાં 1.60 ટકાનો, ભારતી એરટેલમાં 1.44 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 0.42 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 0.40 ટકાનો, ટૅક મહિન્દ્રામાં 0.13 ટકાનો, ટ્રેન્ટમાં 0.11 ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં 0.08 ટકાનો અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 0.06 ટકાનો સુધારો નોંધાયો હતો.
વધુમાં આજે એનએસએઈ બૅન્ચમાર્ક નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 39 શૅરના ભાવ ઘટીને અને 11 શૅરના ભાવ વધીને બંધ રહ્યાના અહેવાલ હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 0.78 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.69 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં માત્ર ટેલિકોમ્યુનિકેશન અને ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ રિઅલ્ટી ઈન્ડેક્સમાં 1.36 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બૅન્કેક્સમાં 1.03 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 0.91 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 0.90 ટકાનો, બીએસઈ ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 0.86 ટકાનો, ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સમાં 0.83 ટકાનો અને મેટલ ઈન્ડેક્સમાં 0.82 ટકાનો ઘટાડો આવ્યો હતો.

આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ અને હૉંગકૉંગના હૅંગસૅંગ ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ યુરોપિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.54 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 59.63 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં બજારમાં તેની કોઈ સકારાત્મક અસર નહોતી જોવા મળી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button