વૈશ્વિક નરમાઈ અને નફારૂપી વેચવાલીના દબાણે સેન્સેક્સના ત્રણ સત્રના સુધારાને બે્રક, 504 પૉઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 133 પૉઈન્ટની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા સાથેની ટ્રેડ ડીલના પ્રોત્સાહક અહેવાલો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રણ સત્ર દરમિયાન જોવા મળેલા સુધારા પશ્ચાત્ આજે ખાસ કરીને વૈશ્વિક નિરુત્સાહી અહેવાલોને પગલે નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સુધારાને બે્રક લાગી હતી અને બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 503.76 પૉઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 133.20 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. વધુમાં રોકાણકારોની નજર આવતીકાલે સમાપન થઈ રહેલી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીની બેઠક પર હોવાને કારણે બજારમાં અમુક અંશે સાવચેતીનું વલણ પણ જોવા મળ્યું હતું.
આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 83,817.69ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 83,757.54ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 83,151.62 અને ઉપરમાં 83,784.17ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 0.60 ટકા અથવા તો 503.76 પૉઈન્ટના ઘટાડા સાથે 83,313.93ના મથાળે બંધ રહ્યો હતો.
આપણ વાચો: ફેડરલના રેટકટના પ્રબળ આશાવાદમાં વિશ્વ બજાર પાછળ આઈટી, ઑટો અને મેટલ શૅરોમાં રોકાણકારોની આક્રમક લેવાલી
તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 25,776ના બંધ સામે ઘટીને 25,755.90ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 25,579.50 અને ઉપરમાં 25,757.65ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.52 ટકા અથવા તો 133.20 પૉઈન્ટ ઘટીને 25,642.80ની સપાટીએ બંધ રહ્યો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ ખાતે 4342 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 1737 શૅરના ભાવ વધીને, 2447 શૅરના ભાવ ઘટીને અને 158 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 75 શૅરના ભાવ બાવન સપ્તાહની ઊંચી અને 94 શૅરના ભાવ બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે છ શૅરમાં ઉપલી અને આઠ શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી.
એકંદરે સ્થાનિક બજારમાં અમેરિકા સાથેની ટ્રેડ ડીલના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સતત ત્રણ સત્ર સુધી સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે વિશ્વ બજારમાં અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવને કારણે નરમાઈનું વલણ રહેતાં સ્થાનિકમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેવાની સાથે કોન્સોલિડેશન જોવા મળ્યું હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છેકે ગઈકાલે અમેરિકી બજારમાં નાસ્દેક્માં 151 પૉઈન્ટનો અને એસ ઍન્ડ પી 500માં 0.51 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ડાઉ જોન્સમાં 0.53 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. વધુમાં આજે બજાર વર્તુળોની નજર આવતીકાલે સમાપન થનારી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીની બેઠકની ફળશ્રુતિ પર સ્થિર થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભારતીય ઈક્વિટી માર્કેટ આજે સ્થાનિક સ્તરના તેજીતરફી પરિબળોનો અભાવ અને રિઝર્વ બૅન્કની બેઠકને કારણે સાવચેતીના અભિગમ વચ્ચે બજાર તેજી સાથે તાલ જાળવી ન શકી હોવાનું ઓનલાઈન વૅલ્થ ટૅક કંપની એન્રીચ મનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પોન્મુડીએ જણાવતા ઉમેર્યું હતું કે બજાર વર્તુળો વૈશ્વિક બજારમાં થઈ રહેલા ફેરફારો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોના પ્રવાહના વલણ અને અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલની સ્પષ્ટતાઓ પર નજર રાખી રહ્યા છે, જેથી ભવિષ્યના સચોટ નિર્ણય લઈ શકાય.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર ચાર શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જેમાં ટ્રેન્ટમાં 2.95 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.23 ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 0.50 ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં 0.11 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં ઈટર્નલમાં 2.50 ટકાનો, ભારતી એરટેલમાં 1.65 ટકાનો, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 1.42 ટકાનો, આઈટીસીમાં 1.15 ટકાનો, ઈન્ફોસિસમાં 1.05 ટકાનો અને રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝમાં 0.91 ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં સૌથી વધુ કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.07 ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મેટલ ઈન્ડેક્સમાં 1.05 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 0.88 ટકાનો, બીએઈ ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 0.78 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 0.76 ટકાનો અને ટેલિકોમ્યુનિક્ેશન ઈન્ડેક્સમાં 0.72 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે માત્ર પીએસયુ બૅન્ક ઈન્ડેકસ તથા ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં જ સુધારાતરી વલણ જોવા મળ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પીમાં અંદાજે ચાર ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ જાપાનના નિક્કી 225માં અને શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં પણ નરમાઈનું વલણ હતું અને માત્ર હૉંગકૉંગના હૅંગસૅંગમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ આજે યુરોપનાં બજારોમાં પણ મધ્ય સત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હતું.
વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.32 ટકા ઘટીને બેરલદીઠ 68.54 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.29 ટકા વધીને 97.90 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસાના સુધારા સાથે 90.34ના મથાળે બંધ રહ્યો હોવાના અહેવાલ હતા.



