સેન્સેક્સ ૮૦,૪૦૦ની નિકટ નવા વિક્રમી શિખરે, માર્કેટ કૅપ ₹ ૪૪૭ લાખ કરોડની ઐતિહાસિક ટોચે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારોના સુધારાના સંકેત સાથે સ્થાનિક સ્તરે આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ અને ટીસીએસ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ્સ શેરોની આગેવાનીએ સારી લેવાલી જળવાઇ રહેતા સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. નવી ઊંચી સપાટીની શ્રેણી જાળવા રાખતા ગુરુવારના સત્રમાં આઇટી અને ફાર્મા શેરોની આગેવાનીએ સેન્સેક્સે પહેલી વાર ૮૦,૦૦૦ની ઉપર બંધ આપ્યો છે.
એ જ સાથે મિડકેપ અને સ્મોલ કેપ શેરોની લાવલાવ વચ્ચે બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલ પણ રૂ. ૪૪૭.૪૩ લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યું છે. સેન્સેક્સ ૪૦૦ પોઇન્ટના ઉછાળા બાદ અંતે માત્ર ૬૩ પોઇન્ટના સુધારા સાથે બંધ થયો છે પરંતુ અગાઉ જ વિક્રમી ઊંચી સપાટી પર હોવાથી તે ૮૦,૦૫૦ પોઇન્ટની નવી ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફટી ૨૪,૩૦૦ની સપાટી વટાવવામાં સફળ રહ્યો છે.
સેન્સેક્સ ૬૨.૮૭ પોઈન્ટ અથવા ૦.૦૮ ટકા વધીને ૮૦,૦૪૯.૬૭ પોઇન્ટની નવી બંધ ટોચ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૪૦૫.૮૪ પોઈન્ટની તેજી સાથે ૮૦,૩૯૨.૬૪ની તાજી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫.૬૫ પોઈન્ટ અથવા ૦.૦૬ ટકા વધીને ૨૪,૩૦૨.૧૫ની રેકોર્ડ બંધ ટોચ પર સેટલ થયો હતો. ઈન્ટ્રા-ડે, તે ૧૧૪.૫ પોઈન્ટ ઉછળીને ૨૪,૪૦૧ની નવી જીવનકાળની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સ પેકમાં એચસીએલ ટેક્નોલોજીસ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ, સન ફાર્માસ્યુટિકલ્સ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વધ્યા હતા. તેનાથી વિપરીત, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડસઇન્ડ બેંક પાછળ હતા. ભારતીય શેરબજારમાં પાછલા કેટલાક સમયથી જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુરુવારે પણ તે જળવાયો હતો. આ સત્રમાં પણ ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો.
સેન્સેક્સ ૪૦૫.૮૪ પોઈન્ટ ઉછળી ૮૦,૩૯૨.૬૪ પોઇન્ટની ઇન્ટ્રા-ડે ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ૨૪,૪૦૧ની નવી ઇન્ટ્રા-ડે ઓલ ટાઈમ હાઈ સપાટીને અથડાયો છે. એ તબક્કે રોકાણકારોની મૂડી રૂ. ૧.૧૯ લાખ કરોડ વધી હતી અને બીએસઈ માર્કેટ કેપ ૧૦.૩૬ વાગ્યા સુધીમાં રૂ. ૪૪૬.૬૮ લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું.
બેન્કિંગ-ફાઈ. સર્વિસિઝના શેર્સમાં ધૂમ તેજી જોવા મળી હતી. બેન્કિંગ સેક્ટરની બેલેન્સ શીટમાં સુધારો તેમજ ગ્રોસ એનપીએ ૧૨ વર્ષના તળિયે પહોંચી ગયું હોવાના અહેવાલના પગલે બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર્સમાં ધૂમ તેજી જોવા મળી છે.
આ સત્ર દરમિયાન ફરી બીએસઈ ખાતે બેન્કેક્સ નવી ૬૦,૭૨૦.૭૬ પોઈન્ટની અને ફાઈનાન્શિયલ સર્વિસિઝ ૧૧૬૮૦.૭૫ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. તદુપરાંત હેલ્થકેર ઈન્ડેક્સ પણ ઉછાળા સાથે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. સ્મોલેકપ અને મીડકેપ શેર્સ પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. કોચિન શીપયાર્ડ, મઝગાંવ ડોક, હુડકો સહિતના પીએસયુ શેર્સમાં પણ આઠ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.
એશિયન બજારોમાં, ટોકિયો, હોંગકોંગ અને સિઓલ પોઝિટિવ જોનમાં બંધ થયા હતા, જ્યારે શાંઘાઈ એક્સચેન્જ રેડ ઝોનમાં ગબડ્યું હતું. મધ્યસત્રના સોદામાં યુરોપિયન બજારો ગ્રીન ટેરિટરીમાં ટ્રેડ થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. યુએસ બજારો બુધવારે ટૂંકા ટ્રેડિંગ સેશન દરમિયાન ઊંચા સ્તરે બંધ થયા હતા. ગુરુવારે સ્વતંત્રતા દિવસના કારણે સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે.
વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૨ ટકા ઘટીને ૮૬.૮૯ પ્રતિ બેરલ થયું છે. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ બુધવારે રૂ. ૫,૪૮૩.૬૩ કરોડની ઇક્વિટી ખરીદી હતી. કોઇપણ નક્કર કારણના અભાવમાં પણ એકધારા ઊંચે જઇ રહેલા માર્કેટ અંગેના પ્રશ્ર્નના જવાબમાં એક ટોચના એનાલિસ્ટે તો એવો અભિપ્રાય આપ્યો છે કે, બજાર વઘુને વધુ ઊંચે જઇ શકે છે. તેઓ કહે છે કે અંદાજપત્રમાં કંઇ પણ આવે અથવા ના આવે તો પણ અને વેલ્યુએશન વધુ ઊંચા થાય તો પણ બેન્ચમાર્ક સતત ઊંચી સપાટીએ જ જતું રહેશે. તમે મંદીવાળા હો કે તેજીવાળા, તમે ગમે તે દૃષ્ટિકોણથી જુઓ માર્કેટ નીચે ગબડે એવી શક્યતા એટલે ઓછી છે કે ભારતીય શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ મારફત રીટેલ ઇન્વેસ્ટર્સ ભરપૂર નાણાં ઠાલવી રહ્યાં છે. સ્થાનિક ફંડો એફઆઇઆઇની એકધારી વેચવાલીને પણ સરભર કરી નાંખે છે, એના પરથી આ વાત સમજી શકાય છે.
બુધવારે, ૩૦ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ પ્રથમ વખત ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે ઐતિહાસિક ૮૦,૦૦૦ ની સપાટીએ પહોંચ્યો હતો. તે ૬૩૨.૮૫ પોઈન્ટ અથવા ૦.૭૯ ટકા વધીને ૮૦,૦૭૪.૩૦ની રેકોર્ડ ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. પાછળથી ઇન્ડેક્સ છેલ્લા બંધ કરતાં ૫૪૫.૩૫ પોઈન્ટ અથવા ૦.૬૯ ટકા વધીને ૭૯,૯૮૬.૮૦ પર ૮૦,૦૦૦ની નજીક બંધ થયો હતો.એ જ રીતે, નિફ્ટી ૧૬૨.૬૫ પોઈન્ટ્સ અથવા ૦.૬૭ ટકા વધીને ૨૪,૨૮૬.૫૦ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, તે ૧૮૩.૪ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકા ઝૂમ કરીને ૨૪,૩૦૭.૨૫ ની નવી ઈન્ટ્રાડે રેકોર્ડ ટોચ પર પહોંચ્યો હતો.