
નિલેશ વાઘેલા
મુંબઇ: વડાપ્રધાનની જીએસટી સંદર્ભની પોઝિટિવ જાહેરાત અને એસએન્પીના રેટિંગના અપગ્રેડેશન તથા અમેરિકા તરફથી ભારત પરની પેનલ્ટી મુલતવી રાખવામાં આવે એવા સંકેતને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે વધેલી લેવાલીને કારણે સેન્સેક્સમાં ૬૭૬ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૨૪૬ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
એ જ સાથે, બીએસઇ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૪૪.૭૮ લાખ કરોડથી રૂ. ૬.૧૮ લાખ કરોડ વધીને રૂ. ૪૫૧.૦૫ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ એક તબક્કે ૧,૧૬૮.૧૧ પોઈન્ટ અથવા ૧.૪૪ ટકા વધીને ૮૧,૭૬૫.૭૭ પોઇન્ટની ઊંચી સપાટીએ અથડાયો હતો.
આ પણ વાંચો: શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ અને નિફ્ટીમાં બમ્પર ઉછાળો
સરકાર દ્વારા દિવાળી સુધીમાં જીએસટીમાં સુધારા માટેની યોજનાની જાહેરાત ઉપરાંત એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતના સોવરિન ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કર્યું હોવાથી પણ સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હતો.
જીએસટીની નવી દરખાસ્ત મોટાભાગની ચીજવસ્તુઓ અને સેવાઓને પાંચ ટકા અને ૧૮ ટકાના સ્લેબમાં ફેરવી શકે છે, જેનાથી ઓટો, સિમેન્ટ અને વીમા કંપનીઓને ફાયદો થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: ટીસીએસના શેરધારકોને રૂ. ૫.૬૬ લાખ કરોડનો આંચકો, જાણો ધોવાણનું કારણ
જ્યારે એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ૨૦૦૭ પછી પહેલી વાર ભારતના લાંબા ગાળાના સોવરિન ક્રેડિટ રેટિંગને ટ્રીપલ બી માઇનસથી અપગ્રેડ કરીને ટ્રીપલ બી જાહેર કર્યું છે. ભારતીય અર્થતંત્રને આ રિપોર્ટમાં મજબૂત ગણાવાયું છે.
એ જ સાથે, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ૦.૦૫ ટકા ઘટીને પ્રતિ બેરલ ૬૫.૮૨ ડોલર બોલાયું છે અને વિદેશી હૂંડિયામણ બજારમાં પ્રારંભિક સત્રમાં અમેરિકન યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો ૨૦ પૈસા મજબૂત થઈને ૮૭.૩૯ બોલાયો હતો.
આ તરફ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો કે વોશિંગ્ટન રશિયન ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખતા દેશો પર સેક્ધડરી ટેરિફ લાદશે નહીં, જેનાથી ભારતને સંભવિત ફટકો પડવાની ચિંતા ઓછી થઈ હોવાથી પણ સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.