સેન્સેક્સમાં ૭૨૭ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીએ બે મહિના પછી ૨૦,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી
મુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નવેસરની લેવાલી સાથે વૈશ્ર્વિક બજારોની તેજીના સંકેત વચ્ચે નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સમાં ૭૨૭ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીએ પણ બે મહિનાના સમય બાદ ૨૦,૦૦૦નો આંક ફરી હાંસલ કરવામાં સફળતા મેળવી હતી.
બીએસઇનો ત્રીસ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અફડાતફડી વચ્ચે અટવાયા બાદ અંતે ૭૨૭.૭૧ પોઈન્ટ અથવા ૧.૧૦ ટકા વધીને ૬૬,૯૧૦.૯૧ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૭૭૨.૦૮ પોઇન્ટ અથવા તો ૧.૧૬ ટકાના ઉછાળા સાથે ૬૬,૯૪૬.૨૮ પોઇન્ટની સપાટીએ અથડાયો હતો. એ જ રીતે, એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૨૦૬.૯૦ પોઈન્ટ અથવા ૧.૦૪ ટકા વધીને ૨૦,૦૯૬.૬૦ પોઇન્ટની પર સેટલ થયો હતો. સેન્સેક્સના શેરોમાં એક્સિસ બેન્ક ટોપ ગેઇનર બન્યો હતો. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ મેન્યુફેક્ચરિંગ થીમ અંતર્ગત ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડની જાહેરાત કરી છે. એનએફઓ પહેલી ડિસેમ્બરે ખૂલશે અને ૧૫મીએ બંધ થશે. લઘુત્તમ અરજી રૂ. ૫૦૦ અને તેના ગુણાંકમાં થઇ શકશે. આ ઉપરાંત મહિન્દ્રા, વિપ્રો, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેકનો અને ભારતી એરટેલ ટોપ ગેઇનર હતા. જ્યારે નેસ્લે, ટાઇટન, બજાજ ફિનસર્વ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લૂઝર્સ હતા.
એશિયન બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગના બજારોમાં પીછેહઠ જોવા મળી હતી જ્યારે યુરોપના બજારોમાં ખૂલતા સત્રમાં મોટેભાગે સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના બજારોમાં સાધારણ સુધારો હતો. એફઆઇઆઇએ પાછલા સત્રમાં રૂ. ૭૮૩.૮૨ કરોડના શેર ખરીદ્યા હતા.
અમેરિકાની ફેડરલ રિઝર્વના અધિકારીએ માર્ચ ૨૦૨૪ની શરૂઆતમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો અને તેની અસરે ભારતીય શેર બુધવારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી) શેરોની આગેવાનીમાં આગેકૂચ નોંધાવી હતી.
ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે ફુગાવાના દરમાં સતત ઘટાડાની પરિસ્થિતિમાં, આગામી મહિનામાં વ્યાજ દર ઘટાડવાની શક્યતા દર્શાવ્યા પછી અમેરિકામાંથી પોતાની આવકનો નોંધપાત્ર હિસ્સો મેળવતી આઇટી કંપનીઓના શેરમાં ૧.૫ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.
બજારના સાધનો જણાવે છે કે, વૈશ્ર્વિક દરમાં ઘટાડાનો અંદાજ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ફરી લેવાલીની શરૂઆત અને ગ્રામીણ માગમાં થઇ રહેલા વધારાને જોતાં બજારને પર્યાપ્ત ટેકો મળી રહેશે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો બે મહિના પછી ભારતીય ઇક્વિટીના ચોખ્ખા ખરીદદાર બન્યા છે અને આ વર્ગે ૨૮ નવેમ્બર સુધીમાં ૨૯.૦૧ અબજ રૂપિયાના શેરની લેવાલી કરી છે. આ ઉપરાંત અદાણી સમૂહ પર સુપ્રીમ કોર્ટની સુનાવણીના અપડેટ્સને લીધે પણ અદાણી જૂથની કંપનીઓના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો અને તેને કારણે પણ બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. મંગળવારના સત્રથી શરૂ થયેલી તેજી આગળ ચાલી હતી અને બુધવારના સત્ર દરમિયાન અદાણી જૂથના શેરોમાં ૦.૪ ટકાથી ૧૭ ટકાની વચ્ચે વધારો જોવા મળ્યો હતો. એલએસઈજી ડેટા અનુસાર, સવારના સત્રમાં ફૂડ ડિલિવરી કંપની, ઝોમેટના લગભગ ૮૬.૬૦ કરોડ શેરોમાં ૧૨ બ્લોકમાં હાથ બદલો થયો હતો અને ચાર ટકા સુધીનો ઉછાલો જોવા મળ્યો હતો. સોદાની ટર્મ શીટ મુજબ, ચીનની અલીપેએ ઝોમેટોમાં તેનો સમગ્ર ૩.૪૪ ટકા હિસ્સો વેચવા માટે ૪૦ કરોડ ડોલરનું એક્સિલરેટેડ બુક બિલ્ડ લોન્ચ કર્યું છે. એસ્ટર ડીએમ હેલ્થકેર તેના ગલ્ફ બિઝનેસમાં આલ્ફા જીસીસી હોલ્ડિંગ્સને ૧.૦૧ બિલિયન ડોલરમાં બહુમતી હિસ્સો વેચવા સંમત થયા હોવાના અહેવાલ પછી ૧૧ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીનું તાજેતરના ૨૦,૦૦૦ના મનોવૈજ્ઞાનિક સ્તરને વટાવવું અને બીએસઇના માર્કેટ કેપનું ચાર ટ્રિલ્યન સુધી પહોંચવું એ નવી ગતિની શરૂઆતનો સંકેત આપે છે. ડોમેસ્ટિક લિક્વિડિટીએ ટેકો પૂરો પાડ્યો છે, પરંતુ વિદેશી ફંડોનો આંતરપ્રવાહ ચાલુ રહેવો આવશ્યક છે. સદ્નસીબે, અમેરિકામાં વ્યાજદર ટોચ પર છે, અને ડોલર ઇન્ડેક્સ ઘટી રહ્યો છે, જે ભારતીય ઇક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના પ્રવાહને આકર્ષશે તેવી અપેક્ષા છે. મજબૂત ફંડામેન્ટલ્સ હોવા છતાં, રાજ્યની ચૂંટણીના પરિણામો સુધી અસ્થિરતાની અપેક્ષા રાખવામાં આવે છે. બજારમાં ચૂંટણી પૂર્વેની રેલી માટેની તૈયારી દેખાય છે અને અમે નિફ્ટી ટૂંક સમયમાં ૨૧,૦૦૦ને વટાવી જાય તેવી અપેક્ષા રાખી શકીએ છીએ. ૧૯,૫૦૦ હવે સપોર્ટ લેવલ તરીકે કામ કરશે, એમ એક ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું. બજાર ક્રૂડ ઓઇલના ભાવ, યુએસ બોન્ડની ઉપજ અને ડોલર ઇન્ડેક્સની ગતિવિધિઓ પર નજર રાખશે. સૌથી મહત્ત્વની બાબતમાં રોકાણકારો એક્ઝિટ પોલ પર પણ ચાંપતી નજર રાખશે, જે સ્થાનિક મોરચે સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંનું એક છે. આજે ૩૦ નવેમ્બરે મિઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા નામના પાંચ રાજ્યો માટે બહુપ્રતીક્ષિત એક્ઝિટ પોલની આગાહી હશે, જે મતદાન પછી ૩૦ નવેમ્બરે સાંજે જાહેર કરવામાં આવશે. તેલંગાણામાં. અન્ય ચાર રાજ્યોમાં ગયા સપ્તાહે મતદાન પૂર્ણ થયું હતું. આ ઉપરાંત સ્થાનિક મેક્રો ઇકોનોમિક મોરચે, ત્રીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગુરૂવાર, ૩૦મી નવેમ્બરે રિલીઝ થશે. શુક્રવાર, પહેલી ડિસેમ્બરે, ઉત્પાદન ક્ષેત્ર માટે પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) ડેટા જાહેર થવાનો છે. પાછલા સપ્તાહે યુએસ બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઘટાડો થયો હોવાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ને તેમની વેચવાલી ધીમી કરવાની ફરજ પડી છે.