શેર બજાર

યુદ્ધના ભયને કોરાણે મૂકીને સેન્સેક્સ ૫૬૬ પોઇન્ટ ઊછળ્યો, નિફટી ૧૯,૭૦૦ની નિકટ

( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરની વૃદ્ધિનો ભય ઓસરવા સાથે વોલસ્ટ્રીટ અને તેના પાછળ એશિયાઇ બજારો સાથે સ્થાનિક બજારમાં પણ સુધારાનો પવન ફૂંકાયો હતો. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની દિશા અને તીવ્રતા અંગે કશું કહી શકાય એમ ના હોવાથી ઇક્વિટી માર્કેટની આગામી ચાલ અંગે પણ કશું ભાખી શકાય એમ નથી.સેન્સેક્સ ૫૬૬૬.૯૭ પોઇન્ટ અથવા તો ૦.૮૭ ટકાના સુધારા સાથે ૬૬,૦૭૯.૩૬ પોઇન્ટની સપાટીએ પહોચ્યો હતો, જ્યારે નિફટી ૧૭૭.૫૦ પોઇન્ટ અથવા તો ૦.૯૧ ટકાના સુધારા સાથે ૧૯,૬૮૯.૮૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ઝડપથી ફસકી પડેલા બજારને ફેડરલ તરફથી વ્યાજવૃદ્ધિને બ્રેક મળવાના અણસાર આવતા ટેકો મળ્યો હતો. સ્થિર વ્યાજદરના આશાવાદ વચ્ચે વૈશ્ર્વિક બજારમાં આવેલા સુધારા સાથે સ્થાનિક બજારમાં ચમકારો જોવા મળ્યો હતો. ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતી એરટેલ ૨.૯ ટકા ઊછળીને ટોપ ગેઇનર બન્યો હતો. કોટક બેન્ક ૨.૧૫ ટકા ઊછળ્યો હતો. ટાટા મોટર્સમાં ૨.૦૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. અન્ય ગેઇર્ન્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એકિસસ બેન્ક, ઇન્ફોસિસ, મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, મારુતિ અને એસબીઆઇનો સમાવેશ હતો. એસબીઆઇ લાઇફે, થેંક્સ અ ડોટ નામે પહેલ શરૂ કરીને સેલ્ફ બ્રેસ્ટ ચેકઅપ અને વહેલાસર સારવારની મહત્ત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર આપવા માટે વધુ એક નવીન જીવનરક્ષક સાધન લોન્ચ કર્યું છે. ઑક્ટોબરને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ મહિના તરીકે મનાવવામાં આવે છે, કંપનીએ આ માટે પેટન્ટ કરાવવાનું ટાળ્યું છે જેથી જાગરૂકતા સાથે વધુ બહોળો વપરાશ થઇ શકે. દરમિયાન, ટીસીએસ, ટાઇટન અને એશિયન પેઇન્ટના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઇ ઇમર્જ પર આઇપીઓ એક જ આવી રહ્યો છે. જામનગર સ્થિતિ મુખ્યત્વે ચાર્ટરિંગ બિઝનેસમાં સંકળાયેલી અરવિંદ એન્ડ કંપની શિપિંગ એજન્સીઝ લિ. શેર દીઠ રૂ. ૪૫ની નિશ્ર્ચિત કિંમતે મૂડીબજારમાં ૧૨મી ઓકટોબરે રૂ. ૧૪.૭૪ કરોડના ઈનિશિયલ પબ્લિક ઓફર લાવી રહી છે. ભરણું ૧૬ ઓક્ટોબરે બંધ થશે. લઘુતમ અરજીનો લોટ ૩૦૦૦ શેરનો છે. ઈશ્યુની લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને સ્કાયલાઈન ફાઈનાન્શિયલ સર્વિસીસ ઈશ્યુ રજિસ્ટ્રાર છે. કંપનીની ચાર્ટરિંગ પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે કમર્શિયલ હેતુઓ માટે બાર્જીસ ચાર્ટરિંગ કરવાનો સમાવેશ થાય છે.

શેરબજારને અસર કરે એવા બે મુખ્ય પરબિળમાં ૧૨મી ઓકટોબરે જાહેર થનાર દેશના સીપીઆઇ ઇન્ફ્લેશન અને ૧૨મી ઓક્ટોબરે જ યુએસ એફઓએમસી મિનિટ્સ તથા યુએસ ઇન્ફ્લેશનને ગણી શકાય. રોકાણકારો આ બંને ઘટના પર ચાંપતી નજર રાખશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button