વિદેશી ફંડોની લેવાલી અને આઇટી શૅરોના ઉછાળા સાથે સેન્સેક્સ ૪૫૪ પોઈન્ટની જમ્પ સાથે ૭૨,૧૫૦ની ઉપર પહોંચ્યો
મુંબઈ: આઈટી જાયન્ટ્સ ટીસીએસ અને ઈન્ફોસિસમાં લેવાલીનો ટેકો મળવા સાથે અમેરિકન બોન્ડ યિલ્ડના વધવા છતાં સ્થાનિક સ્તરે નવા વિદેશી ભંડોળના પ્રવાહને પગલે મંગળવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો ઉછાળો નોંધાયો હતો અને સેન્સેક્સ ૪૫૪ પોઈન્ટની જમ્પ સાથે ૭૨,૧૫૦ની ઉપર પહોંચ્યો હતો.
મંગળવારે મક્કમ શરૂઆત પછી સેન્સેક્સ ૪૫૪.૬૭ પોઈન્ટ અથવા ૦.૬૩ ટકા વધીને ૭૨,૧૮૬.૦૯ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૫૨૯.૯૮ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકા વધીને ૭૨,૨૬૧.૪૦ પર પહોંચ્યો હતો. નિફ્ટી ૧૫૭.૭૦ પોઈન્ટ અથવા ૦.૭૨ ટકા વધીને ૨૧,૯૨૯.૪૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં ટોચના વધનારા શેરોમાં એચસીએલ ટેક્નોલોજી, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ, મારુતિ, વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસીસ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મુખ્ય હતા. જ્યારે પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેંક, આઇટીસી, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વ અને એક્સિસ બેંક ટોપ લૂઝર્સ શેરોમાં સામેલ હતા.
ડિસેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં રૂ. ૨,૪૪૨.૨ કરોડનો ૫૪ ટકાનો ઉછાળો નોંધાવનાર ભારતી એરટેલ બે ટકાથી વધુ ઊછળ્યો હતો. ફયુજીફિલ્મ ઇન્ડિયાએ પોતાના પ્રોડ્કટ એક્સપાન્શન હેઠળ પેમેક્સ ૨૦૨૪ ખાતે એપીઓસ સિરિઝ અંતર્ગત ત્રણ એથ્રી કલર અને બે મોનોક્રોમ મલ્ટિફંકશન પ્રિન્ટર એમ પાંચ મોડલ ભારતીય બજારમાં રજૂ કર્યા છે. આ મશીનો પ્રતિ મિનિટ ૩૫થી પંચાવન પેજની ક્ષમતા ધરાવે છે. એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડે એસબીઆઇ એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યું છે. એનએફઓ છઠી ફેબ્રુઆરીએ ખૂલી ૨૦ ફેબ્રુઆરીના રોજ બંધ થશે. આ એનર્જી થીમને અનુસરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. આ ફંડ સ્થાનિક અથવા વિદેશી કંપનીઓમાં રોકાણ કરશે, જેમાં ઓઇલ એન્ડ ગેસ, યુટીલિટીઝ અને પાવર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
નોન વોવેન ફેબ્રિક્સની ઉત્પાદક અને ૧૦૦ ટકા નિકાસલક્ષી એકમ, ફાઈબરવેબ (ઈન્ડિયા) લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરના અનઓડિટેડ પરિણામની સાથે રૂ. ૧૪૦ કરોડના સ્પનલેસ પ્રોજેક્ટ (બાયોડિગ્રેડેબલ) પ્રોજેકટની જાહેરાત કરી હતી. કંપનીએ ઉક્તચ ક્વાર્ટરમાં રૂ. ૧૪.૯૫ કરોડની કુલ આવક, રૂ. ૨.૦૮ કરોડનું એબિટા, ૧૩.૯૨ ટકાનું એબિટા માર્જિન અને રૂ. ૧.૫૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નેટ પ્રોફિટ માર્જિન ૧૦.૩૨ ટકા રહ્યું હતું.
ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની વિવિધ શ્રેણીના ઉત્પાદન અને માર્કેટિંગમાં વ્યસ્ત વૈશાલી ફાર્મા લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના પરિણામમાં ૩૭.૫૯ ટકાના વદારા સાથે રૂ. ૨૮.૩૭ કરોડની કુલ આવક અને એબિટા રૂ. ૩.૪૨ કરોડ નોંધાવ્યો છે. ઉપરોક્ત ક્વાર્ટરમાં એબિટા માર્જિન ૧૨.૦૫ ટકા અને ચોખ્ખો નફો રૂ. ૨.૧૧ ટકા નોંધાવ્યો છે. નેટ પ્રોફિટ માર્જિન ૭.૪૪ ટકા રહ્યું છે. એશિયન બજારોમાં, શાંઘાઈ અને હોંગકોંગ શેરબજારમાં સારો ઉછાલો જોવા મળ્યો હતો, જ્યારે સિઓલ અને ટોક્યો શેરબજાર નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં મોટાભાગે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. સોમવારે અમેરિકન શેર બજારો નેગેટીવ ઝોનમાં ગબડ્યાં હતાં.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ સોમવારે રૂ. ૫૧૮.૮૮ કરોડની ઇક્વિટી લેવાલી નોંધાવી હતી. જોકે, અમેરિકાના અર્થતંત્રમાં શોર્ટ ટર્મમાં કોઈ મંદીના એંધાણ ના હોવાથી ફેડરલ વ્યાજદરનો ઘટાડો પાછળ ઠેલી શકે છે, એવી અટકળો વચ્ચે અમેરિકાના બોન્ડની યિલ્ડ પણ ફરી ૪.૧૩ ટકાની ઉપર પહોંચી છે અને ડોલર ઇન્ડેક્સ પણ ૧૦૪થી આગળ વધ્યો છે. આને પરિણામે એફઆઇઆઇની વેચવાલી વધી શકે છે. દરમિયાન પાછલા સત્રમાં સોમવારે બીએસઇ બેન્ચમાર્ક ૩૫૪.૨૧ પોઈન્ટ અથવા ૦.૪૯ ટકા ઘટીને ૭૧,૭૩૧.૪૨ પર સેટલ થયો હતો. નિફ્ટી ૮૨.૧૦ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા ઘટીને ૨૧,૭૭૧.૭૦ પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૯ ટકા ઘટીને ૭૭.૯૨ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.