વેલ્યૂ બાઇંગ વચ્ચે સેન્સેક્સ ૨૬૦ પોઇન્ટ આગળ વધ્યો, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૩.૨૨ લાખ કરોડનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના સકારાત્મક વલણ સાથે સ્થાનિક બજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને ભારતી એરટેલે સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતા બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં પ્રવેશી આગળ વધવામાં સફલ રહ્યાં હતાં. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતાઓ વચ્ચે શેરબજાર સુધર્યા છે.
સેન્સેક્સની ૨૧ કંપનીઓ વધી હતી જ્યારે ૯ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૩.૨૨ લાખ કરોડ વધીને રૂ.૩૯૬.૫૬ લાખ કરોડ રહ્યું હતું.
સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ ઈન્ટ્રા ડે ૫૮૦.૨૫ પોઈન્ટની વોલેટિલિટીના અંતે ૨૬૦.૩૦ પોઈન્ટ અથવા ૦.૩૬ ટકા સુધરી ૭૨૬૬૪.૪૭ પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ૨૨ હજારની સપાટી પુન- હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી ૯૭.૭૦ પોઇનટ અથવા તો ૦.૪૪ ટકા વધીને ૨૨,૦૫૫.૨૦ પોઇન્ટની સપાટીએ સ્થિર રહ્યો હતો.
પાછલાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં ૧૪૯૧.૩૭ પોઈન્ટનો કડાકો નોંધાવ્યા બાદ સેન્સેક્સમાં આજે વેલ્યૂબાઈંગ વધ્યું હતું. નીચા મથાળે ખરીદી વધતાં રોકાણકારોની મૂડી ૩.૧૦ લાખ કરોડ વધી હતી. માર્કેટબ્રેથ પણ પોઝિટીવ નોંધાઈ હતી. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ ૩૯૩૧ સ્ક્રિપ્સ પૈકી ૨૧૯૪ ગ્રીન ઝોનમાં અને ૧૬૦૭ રેડ ઝોનમાં બંધ રહી હતી. સેન્સેક્સમાં આજે ૨૧ શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. જેમાં એનટીપીસી, પાવર ગ્રીડ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, એશિયન પેઈન્ટ, આઈટીસી, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ટાઈટન, હિન્દુસ્તાન યુનિલીવર, બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકી, રિલાયન્સના શેરો એકથી ત્રણ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. જ્યારે ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો, એચડીએફસી બેન્ક, એમએન્ડએમ, કોટક બેન્ક, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એસબીઆઈના શેર ૧.૬૨ ટકા સુધી તૂટ્યા હતા. આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડે મુંબઇ ખાતે જાણીતા ડિઝાઇનર તરૂણ તાહિલીઆનીના સહયોગ સાથે તસ્વનું ૧૭૪૬ સ્ક્વેર ફૂટનો પ્રથમ આઉટલેટ શરૂ કર્યો છે.
ડિસેમ્બર ૨૦૨૧માં શરૂ થયેલી આ મેન એથનિક ફેશન બ્રાન્ડ ૨૧થી વધુ શહેરમાં અને ઇ-કોમર્સ પર હાજરી ધરાવે છે.
ઓટોમોટીવ કોમ્પોનેન્ટ પ્રોડ્યુસર અને સપ્લાયર, મનદીપ ઓટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઇપીઓ ૧૩ મે, ૨૦૨૪ના રોજ ખુલશે. ઇશ્યુ સાઇઝ રૂ. ૨,૫૨૪.૫૬ લાખ છે. ઇશ્યુ પ્રાઇઝ ઈક્વિટી શેર દીઠ રૂ. ૬૭ નક્કી થઇ છે. લોટ સાઈઝ ૨,૦૦૦ ઈક્વિટી શેર છે, જે એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે.
વિવિધ પ્લેટફોર્મ પર ૩૬૦-ડિગ્રી પૂરી પાડતી ઇન્ટગ્રેટેડ જાહેરાત એજન્સી, વેરિટાસ એડવર્ટાઇઝિંગ લિમિટેડનો આઇપીઓ ૧૩ મે, ૨૦૨૪ના રોજ ખુલશે.ઇશ્યુ સાઇઝ રૂ. ૮.૧૦ કરોડથી રૂ. ૮.૪૮ કરોડ નક્કી થઇ છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦૯થી રૂ. ૧૧૪ પ્રતિ શેર અને લોટ સાઈઝ ૧,૨૦૦ ઈક્વિટી શેર છે, જે એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે.
અગ્રણી ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સંબંધિત સંબંધિત સેવાઓ પ્રદાતાઓમાંની એક કોર ડિજિટલ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૪ ચોથા ત્રિમાસિક માટે ૨૮૯.૬૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૩૬.૧૧ કરોડની કુલ આવક, રૂ. ૭.૨૮ કરોડનો એબિટા, ૨૦.૧૬ ટકાનું એબિટા માર્જિન, ૨૫૩.૩૭ ટકાના વધારા સાથે રૂ. ૪.૪૯ કરોડનો ચોખ્કો નફો નોંધાવ્યો છે.
ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડ (ઓઆરએસ)એ પ્રોડક્ટ વિસ્તરણ હેટળ જીએસી-૦૧ની રજૂઆત કરી છે, જે આલ્ફા કાર્બન બ્રાન્ડ નામ હેઠળ તેની નવીન પ્રોડક્ટ લાઇનમાં ઉમેરો છે. જીએસી-૦૧ એ વોટર ટ્રીટમેન્ટ ફિલ્ટરેશન મીડિયામાં નવીનતાનું પ્રતિનિધિત્વ કરે છે, જે બાયોમાસ આધારિત સક્રિય કાર્બન ગ્રાન્યુલ્સને કાઢી નાખવામાં આવેલા બાયોમાસ ફીડસ્ટોક્સ, ખાસ કરીને નારિયેળના કાચલામાંથી બનાવેલા છે.
નિષ્ણાતોના મતે શેરબજારમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાની અસર જોવા મળી છે. પ્રીમિયમ વેલ્યૂએશન અને લોકસભા ચૂંટણીમાં નીચા મતદાનના કારણે અપેક્ષિત પરિણામ ન મળવાની અટકળો વચ્ચે પાછલા ત્રણ ટ્રેડિંગ સેશનથી કડાકો નોંધાયો હતો. પરંતુ હવે નીચા મથાળે ખરીદી વધી છે. ઇન્ડિયા વીઆઇએક્સ ઈન્ડેક્સ બે ટકાથી વધુ ઉછાળા સાથે ૧૮.૬ નોંધાયો છે, જે ચૂંટણીના પરિણામો સુધી બજારમાં અનિશ્ર્ચિતતા રહેવાની સંભાવના દર્શાવે છે.
પાછલા સત્રમાં એક હજાર પોઇન્ટથી મોટો કડાકો બોલાવ્યા બાદ શુક્રવારના સત્રમાં શેરબજારને સહેજ કળ વળી હતી અને રોકાણકારોએ થોડો રાહતનો શ્ર્વાસ લીધો છે. જોકે કંપની પરિણામો અને સંસ્થાકીય રોકાણકારોના વલણને કારણે સત્રના અંત સુધી બજારની ચાલ કેવી રહેશે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. આ સત્રમાં બીપીસીએલ ટાટા મોટર્સ,બેન્ક ઓફ બરોડા અને સિપ્લા સહિતની કંપનીઓના ચોથા ત્રિમાસિક પરિણામોને આધારે બજારમાં શેરલક્ષી કામકાજ જોવા મળી હતી.
એઝેટેક ફ્લૂઇડ્સનું જાહેર ભરણું ૧૪મીએ બંધ થશે
મુંબઈ: એઝેટેક ફ્લૂઇડ્સ એન્ડ મશીનરી લિમિટેડનું એસએમઇ ભરણું ખૂલી ગયું છે અને ૧૪ મે બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૬૩થી ૬૭ નક્કી થઇ છે.
કંપની આઇપીઓ મારફત રૂ. ૨૪.૧૨ કરોડ એકત્ર કરવા ધારે છે. આ ભરણાંની લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ છે. ભરણાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ જેટ ઇંક્સ અને ઇક્વિટી શેરોના પ્રસ્તાવિત હસ્તાંતરણો, કેટલાક ઉધારના એક ભાગની પુન:ચૂકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુસર કરવામાં આવશે. કંપનીની રેવન્યૂ વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ની વચ્ચે ૧૭.૪૬ ટકા વધ્યું છે અને ચોખ્ખો નફો ૫.૧૮ ટકાનોવધારો થયો છે. એઝટેક ફ્લૂઇડ્સ એન્ડ મશીનરી વ્યક્તિગત દેખરેખ, ભોજન અને પીણાંની એક સામગ્રી સહિત ઉદ્યોગોની શ્રેણી માટે તમારી વિસ્તૃત શ્રેણીના માધ્યમથી કોડિંગ અને માર્કિંગ સોલ્યુશન પૂરા પાડે છે. કંપનીના ઉત્પાદનો શ્રીલંકા, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, કેન્યા અને નાઇઝીરિયા જેવા દેશોમાં નિકાસ
કરે છે.