શેર બજાર

તોફાની સત્રમાં ઇન્ડેક્સ હેવીવેઇટ્સના ટેકે સેન્સેક્સ ૧૬૭ પોઈન્ટ વધ્યો, નિફ્ટી ૨૧,૮૦૦ના સ્તરે રેઝિસ્ટન્સમાં અટવાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધારણા મુજબ અફડાતફડીમાંથી પસાર થઇ રહેલો સેન્સેક્સ સત્ર દરમિયાન આઇસીઆઇસીઆઇ બેન્ક, સ્ટેટ બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીનો ટેકો મળતા અંતે પોઝિટીવ ઝોનમાં ૧૬૭ પોઇન્ટના સુધારા સાથે સ્થિર થયો હતો. નિફ્ટી ૨૧,૮૦૦ના સ્તરે રેઝિસ્ટન્સમાં અટવાયો હતો. બજારનો અંડરટોન નરમ હતો. કુલ ટ્રેડેડ શેરમાંથી લગભગ ૨,૫૦૯ શેરમાં ઘટાડો થયો હતો અને ૧,૩૨૯ શેરોમાં સુધારો જ્યારે ૯૪ શેર યથાવત્ સ્તરે રહ્યાં હતાં.

સેન્સેક્સ ૧૬૭.૦૬ પોઈન્ટ્સ અથવા ૦.૨૩ ટકા વધીને ૭૧,૫૯૫.૪૯ પોઇન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૬૪.૫૫ પોઈન્ટ્સ અથવા ૦.૩ ટકા વધીને ૨૧,૭૮૨.૫૦ પોઇન્ટ પર બંધ થયો. લગભગ ૧,૩૨૯ શેર વધ્યા હતા, ૨,૫૦૯ ઘટ્યા હતા અને ૯૪ યથાવત હતા. નિફ્ટી શેરોમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ૫.૯૨ ટકા વધ્યો હતો. એસબીઆઈ, એપોલો હોસ્પિટલ્સ, સન ફાર્મા અને આઈસીઆઈસીઆઈ બેંક ૨-૪ ટકા વધતા અન્ય ટોપ ગેનર હતા. આ પેકમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૪૬ ટકા ઘટીને ટોપ લુઝર બન્યો હતો. ભારતી એરટેલ, એનટીપીસી, ઓએનજીસી અને ટાટા સ્ટીલ એક-એક ટકાથી વધુ ઘટ્યા હતા.

સેન્સેક્સના શેરોમાં સ્ટેટ બેનક, સન ફાર્મા, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, નેસ્લે, એશિયન પેઇન્ટ્સ, કોટક મહિન્દ્રા બેન્ક, રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને વિપ્રો ટોપ ગેઇનર્સ હતા. સૌથી વધુ ઘટનાર શેરમાં મહિન્દ્રા, ભારતી એરટેલ, એનટીપીસી, ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ ,પાવર ગ્રીડ અને ટાટા મોટર્સનો સમાવેશ હતો.
સ્કાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના નાણાકીય પરિણામમાં પાછલા વર્ષના સમાન ગાળા સામે ૧૪.૩૯ ટકાના વધારા સાથે રૂ. ૨૦.૨૮ કરોડની કુલ આવક અને નુકસાનીમાંથી બહાર આવીને રૂ. ૧.૨૨ કરોડનો ચોખ્ખો નપો નોંધાવ્યો છે. એ જ રીતે ઉપરોક્ત સમયગાળામાં ૩૫૮.૬૩ ટકાના વધારા સાથે રૂ. ૨.૩૮ ટકાનું એબિટા જ્યારે ૧૧.૭૫ ટકાની વૃદ્ધિ સાથે ૧૧.૭૫ ટકાનું એબિટા માર્જિન અને ૬.૦૩ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે.

ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને પંજાબના ટુરિઝન ખાતાના પ્રધાન સહિત અન્ય અધિકારીઓની હાજરીમાં યોજાયેલા એશિયાના સૌથી મોટા ઓટીએમની શોમાં ૧૬૦૦ એક્ઝિબિટર્સ અને વિશ્ર્વના ૬૦ દેશના ટૂર અને ટ્રાવેલ ઉદ્યોગના ૩૫૦૦૦ વ્યવસાયિકો, ગ્રાહકોસહભાગી થઇ રહ્યાં છે.

ભારતીય ટ્રાવેલ માર્કેટનું કદ ૫૦ અબજ ડોલર છે. રોકાણકારો વધુ ટ્રિગર્સની રાહ જોતા સાઇડલાઇન રહ્યાં હતા. બેન્કોમાં ઘટાડા સાથે ખરીદી જોવા મળી હતી, જ્યારે મેટલ્સ અને રિયલ્ટીમાં વેચવાલીનું દબાણ હતું. નાના શેરોમાં સવારથી ધોવાણ ચાલું રહ્યું હતું. નિફ્ટી મિડકેપ ૧૦૦ ૦.૮૯ ટકા અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ૧.૪૦ ટકા ગબડ્યો છે. અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડની ઉપજ અને ડોલર ઇન્ડેક્સમાં થઇ રહેલા વધારાને જોતા આવતા અઠવાડિયે યુએસ, યુકે અને ભારતીય ફુગાવાના ડેટાની જાહેરાત પહેલા બજારમાં સાવચેતી
પ્રવર્તે છે.

આરબીઆઈના નાણાકીય નીતિના નિર્ણયની જાહેરાત પછી વ્યાજ દરમાં ઘટાડો કરવાના સમય અંગેની અનિશ્ર્ચિતતાને કારણે પણ બજારમાં અનિશ્ર્ચિતતા સર્જાઇ છે.

આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિએ વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને છૂટક ફુગાવાને ચાર ટકા સુધી નીચે લાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સતત છઠ્ઠી વખત નીતિ દર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈએ એકોમોડેટીવ સ્ટાન્સ પાછું ખેંચવાની પ્રકિયા જાળવી રાખવાની જાહેરાત કરી હતી.

આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, તેણે વર્તમાન અને વિકસતી મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિના મૂલ્યાંકનના આધારે પોલિસી રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
નોંધવું રહ્યું કે રોકાણકારોને આરબીઆઇની પોલિસીમાં રેટ કટ અંગે કોઇ સ્પષ્ટતા ના મળી હોવાથી સેન્ટિમેન્ટ ખરડાયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ પાછલા સત્રમાં રૂ. ૪૯૩૩.૭૮ કરોડના શેરની વેચવાલી કરી હતી સામેે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૫,૫૧૨.૩૨ કરોડની લેવાલી નોંધાવી હોવા છતાં સેન્સેક્સમાં ૭૦૦ પોઇન્ટનું મોટું ગાબડું નોંધાયું હતું. સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩.૫૫ ટકા, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૩૧ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૧૪ ટકા, એક્સિસ બેન્ક ૧.૩૯ ટકા અને બજાજ ફાઈનાન્સ ૧.૧૭ ટકા વધ્યા હતા, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૪૦ ટકા, ભારતી એરટેલ ૧.૮૮ ટકા, એનટીપીસી ૧.૮૪ ટકા, ટાટા સ્ટીલ ૧.૬૭ ટકા અને ઈન્ફોસિસ ૧.૩૯ ટકા ઘટ્યા હતા.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૪૩૧.૯૪ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૪,૫૦૮ સોદામાં ૫,૮૪૫ કોન્ટ્રેક્ટનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૧,૦૯,૯૨,૧૮૮ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા