એફએમસીજી અને તેલ શૅરોમાં વ્યાપક લેવાલીએ સેન્સેક્સમાં ૧૨૨ પૉઈન્ટનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક બજારોનાં પ્રોત્સાહક અહેવાલો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મુખ્યત્વે એફએમસીજી અને તેલ ક્ષેત્રનાં શૅરોમાં વ્યાપક લેવાલી નીકળતાં સત્ર દરમિયાન બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ સત્રના અંતે સેન્સેક્સ ૧૨૨.૧૦ પૉઈન્ટ અને નિફ્ટી ૩૪.૪૫ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૩.૫૧ કરોડની વેચવાલી રહ્યા બાદ આજે પણ રૂ. ૬૦૧.૫૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૯૪.૩૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૧,૩૧૫.૦૯ના બંધ સામે સુધારાના ટોને ૭૧,૪૭૯.૨૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૧,૦૭૧.૯૮ અને ઉપરમાં ૩૦૮.૬૨ પૉઈન્ટનાં ઉછાળા સાથે ૭૧,૬૨૩.૭૧ની સત્ર દરમિયાનની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૦.૧૭ ટકા અથવા તો ૧૨૨.૧૦ પૉઈન્ટ વધીને ૭૧,૪૩૭.૧૯ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૧,૪૧૮.૬૫ના બંધ સામે ૨૧,૪૭૭.૬૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૨૧,૩૩૭.૭૫ અને ઉપરમાં ૮૬.૪૦ પૉઈન્ટના ઉછાળા સાથે ૨૧,૫૦૫.૦૫ની સર્વોચ્ચ સપાટી નોંધાવ્યા બાદ અંતે ૩૪.૪૫ પૉઈન્ટ વધીને ૨૧,૪૫૩.૧૦ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે બજારમાં આશાવાદ જળવાઈ રહ્યો હતો, પરંતુ ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ અને યુરોઝોનનાં ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોનાં સાવચેતીનાં અભિગમને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતા ઉમેર્યું હતું કે આજે મુખ્યત્વે એફએમસીજી, ઑઈલ ઍન્ડ ગૅસ, અને બૅન્કિંગ ક્ષેત્રના ચોક્કસ શૅરોમાં લેવાલીને ટેકે સુધારો જોવા મળ્યો હતો. જોકે, આઈટી અને ઑટો શૅરોમાં વેચવાલીનાં દબાણે સુધારો મર્યાદિત રાખ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅરો પૈકી ૧૫ શૅરના ભાવ વધીને અને ૧૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૫ શૅરના ભાવ વધીને ૨૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના શૅરોમાં આજે સૌથી વધુ ૪.૬૪ ટકાનો ઉછાળો નેસ્લેમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એનટીપીસીમાં ૨.૧૬ ટકા, રિલાયન્સમાં ૧.૫૩ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૦૪ ટકા, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૦૩ ટકા અને આઈટીસીમાં ૦.૯૯ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૪૩ ટકાનો ઘટાડો વિપ્રોમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટીસીએસમાં ૧.૧૯ ટકા, એચસીએલ ટૅક્નોલૉજિસમાં ૧.૦૭ ટકા, મારુતી સુઝુકીમાં ૦.૮૩ ટકાનો અને બજાજ ફિનસર્વમાં ૦.૭૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૩૧ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦ ટકા વધીને બંધ રહ્યો હતો. આજે બીએસઈ ખાતેનાં સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં એનર્જી ઈન્ડેક્સમાં ૧.૪૯ ટકાનો, એફએમસી ઈન્ડેક્સમાં ૧.૨૪ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૯૧ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૮૩ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૦.૭૫ ટકાનો અને ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૦.૪૬ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૮૪ ટકાનો, ટૅક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૮૧ ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં ૦.૬૯ ટકાનો ઘટાડો આવ્યો હતો.