એફએમસીજી-આઈટી શૅરોમાં નફારૂપી વેચવાલીએ સેન્સેક્સ ૨૫૯ પૉઈન્ટ ઘટ્યો
મુંબઈ: તાજેતરમાં આઈટી અને એફએમસીજી કંપનીઓનાં જાહેર થયેલા વર્તમાન નાણાકીય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકગાળાના પ્રોત્સાહક પરિણામો પશ્ર્ચાત્ ઈક્વિટી માર્કેટમાં શૅરોના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યા બાદ આજે સપ્તાહના અંતે રોકાણકારોની નફારૂપી વેચવાલી નીકળવા ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું જળવાઈ રહેલું દબાણ અને કામકાજો પાંખાં રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૨૫૯.૫૮ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૫૦.૬૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૬૮૯.૬૮ કરોડની ચોખ્ખી વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૬૩૮.૪૬ કરોડની લેવાલી રહી હતી, જ્યારે આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અનુક્રમે ૫૪૫.૫૮ કરોડની અને રૂ. ૭૧૯.૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. નોંધનીય બાબત એ છે કે આગામી સોમવાર તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ હોવાથી બજાર સત્તાવાર ધોરણે બંધ રહેનાર છે.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૧,૬૮૩.૨૩ના બંધ સામે સત્રના આરંભે તેજીના અન્ડરટોને ૭૨,૦૦૮.૩૦ના મથાળે ખૂલ્યા બાદ વધીને ૭૨,૦૨૬.૨૬ સુધી પહોંચ્યા બાદ તુરંત નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં નીચામાં ૭૧,૩૧૨.૭૧ સુધી ઘટ્યા બાદ અંતે ૦.૩૬ ટકા અથવા તો ૨૫૯.૫૮ પૉઈન્ટના ઘટાડા સાથે ૭૧,૪૨૩.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૧,૬૨૨.૪૦ના બંધ સામે ૨૧,૭૦૬.૧૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૨૧,૫૪૧.૮૦થી ૨૧,૭૨૦.૩૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૨૩ ટકા અથવા તો ૫૦.૬૦ પૉઈન્ટ ઘટીને ૨૧,૫૭૧.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે ગઈકાલે અમેરિકી બજારોમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિકમાં આજે પાંખાં કામકાજો અને સાપ્તાહિક ઓપ્શનની એક્સપાયરી વચ્ચે બજાર દબાણ હેઠળ રહી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે આઈટી અને એફએમસીજી શૅરોમાં પરિણામો પશ્ર્ચાત્ શૅરના ભાવમાં આવેલી તેજી બાદ આજે નફારૂપી વેચવાલી નીકળવાથી પણ બજાર દબાણ હેઠળ રહી હતી.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર છ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે ૨૪ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૦ શૅરના ભાવ વધીને અને ૩૦ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ કોટક મહિન્દ્રા બૅન્કમાં ૨.૩૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૦.૯૨ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૭૬ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૦.૬૧ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૦.૫૪ ટકાનો અને એક્સિસ બૅન્કમાં ૦.૧૫ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં હિન્દુસ્તાન યુનીલિવરમાં સૌથી વધુ ૩.૭૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટીસીએસમાં ૨.૦૭ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૯૨ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૭૨ ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં ૧.૫૫ ટકાનો અને વિપ્રોમાં ૧.૪૨ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ગઈકાલનાં પરિણામો પશ્ર્ચાત્ ૦.૮૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૨.૪૨ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૨.૦૩ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૧.૭૩ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૧.૪૦ ટકાનો અને બૅન્કેક્સમાં ૦.૭૭ ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર ઈન્ડેક્સમાં એફએમસી ઈન્ડેક્સમાં ૧.૧૩ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૯૪ ટકાનો, ટૅક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૮૭ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૭૮ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૬૮ ટકાનો અને હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૪૨ ટકાનો ઘટાડો આવ્યો હતો.