શેર બજાર

રાજકીય-ભૌગોલિક તણાવમાં વિશ્ર્વ બજાર પાછળ સેન્સેક્સમાં ૨૪૭ પૉઈન્ટનો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો તેમ જ તાજેતરમાં જાહેર થઈ રહેલા સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળાના નિરાશાજનક પરિણામો અને આઈટી સર્વિસ કંપની વિપ્રોએ ભવિષ્યમાં નબળી આવકના નિર્દેશ આપ્યા હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટેમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હતું.
આજે ખાસ કરીને મેટલ, એનર્જી અને પાવર ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં એક તબક્કે ૫૩૩.૫૨ પૉઈન્ટનો ઘટાડો આવ્યા બાદ અંતે ૨૪૭.૭૮ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં સત્ર દરમિયાન ૧૫૮.૭૫ પૉઈન્ટનો ઘટાડો જોવા મળ્યા બાદ અંતે ૧૫૮.૭૫ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

દરમિયાન આજે સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦,૧૦૨.૧૧ કરોડની ખરીદી સામે રૂ. ૧૧,૧૯૫.૫૮ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૧૦૯૩.૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૭૨૪૯.૭૫ કરોડની ખરીદી સામે રૂ. ૬૫૧૩.૬૦ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૭૩૬.૧૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સ્ચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૫,૮૭૭.૦૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૬૫,૪૮૪.૬૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૫,૩૪૩.૫૦ અને ઉપરમાં ૬૫,૮૬૯.૬૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૩૮ ટકા અથવા તો ૨૪૭.૭૮ પૉઈન્ટ ઘટીને ૬૫,૬૨૯.૨૪ના મથાળે બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર નવ કંપનીના શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે ૨૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૯,૬૭૧.૧૦ના બંધ સામે ઘટીને ૧૯,૫૪૫.૨૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૯,૫૧૨.૩૫ અને ઉપરમાં ૧૯,૬૮૧.૮૦ સુધી પહોંચ્યા બાદ અંતે ૦.૨૪ ટકા અથવા તો ૪૬.૪૦ પૉઈન્ટ ઘટીને ૧૯,૬૨૪.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો અને નિફ્ટી અંતર્ગતના ૫૦ શૅર પૈકી ૧૭ શૅરના ભાવ વધીને અને ૩૩ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય રાજકીય ફલક પર તણાવ, ટ્રેઝરીની યિલ્ડમાં વધારો અને આઈટી કંપનીઓના પરિણામોમાં દબાણ હેઠળ રહેલી આવકોને કારણે બજારમાં પીછેહઠ જોવા મળી છે. જોકે, પશ્ર્ચિમ એશિયાનાં વિવાદને ઉકેલવા માટે થઈ રહેલા વૈશ્ર્વિક પ્રયાસો સફળ થવાનો આશાવાદ અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં બજારમાં મોટો ઘટાડો અટક્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.

તે જ પ્રમાણે મેહતા ઈક્વિટીઝ લિ.નાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપ્સેએ જણાવ્યું હતું કે મધ્યપૂર્વના દેશોમાં તણાવ, ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે ઘેરો બની રહેલો વિવાદ, અમેરિકી ટ્રેઝરીની ઊંચી યિલ્ડ અને ફેડરલ રિઝર્વ આ વર્ષમાં હજુ એક વખત વધારો કરે તેવી શક્યતા ઉપરાંત અત્યાર સુધીમાં જાહેર થયેલા બીજા ત્રિમાસિકગાળાના નબળા પરિણામો આવતાં બજાર વધુ દબાણ હેઠળ જોવા મળી રહી છે.

આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર નવ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્યત્વે એફએમસીજી ક્ષેત્રની અગ્રણી નેસ્લેએ જાહેર કરેલા સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળાના પરિણામોમાં ચોખ્ખો નફો ૩૭.૨૮ ટકા વધીને રૂ. ૯૦૮.૦૮ કરોડની સપાટીએ રહ્યો હોવાના અહેવાલે શૅરના ભાવ સૌથી વધુ ૩.૬૬ ટકા વધી આવ્યા હતા. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૨.૮૩ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૨.૦૮ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૦.૩૭ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૨૪ ટકાનો અને એશિયન પેઈન્ટસમાં ૦.૦૮ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૯૯ ટકાનો ઘટાડો વિપ્રોમાં જોવા મળ્યો હતો. આ સિવાય ટૅક મહિન્દ્રામાં ૧.૨૯ ટકાનો, એનટીપીસીમાં ૧.૧૦ ટકાનો, સન ફાર્મામાં ૧.૦૬ ટકાનો, જેએસડબ્લ્યુમાં ૧.૦૫ ટકાનો અને ભારતી એરટેલમાં ૧.૦૨ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૦૮ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૦૭ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

વધુમાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર ઑટો ઈન્ડેક્સ, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સ, એફએમસી ઈન્ડેક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં અનુક્રમે ૦.૫૩ ટકા, ૦.૩૩ ટકા, ૦.૧૧ ટકા અને ૦.૦૯ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્યત્વે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૦.૯૫ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૦.૫૬ ટકાનો અને ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૦.૪૮ ટકાનો ઘટાડો આવ્યો હતો.

દરમિયાન આજે એશિયન બજારોમાં સિઉલ, ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર નરમાઈના અન્ડરટોને બંધ રહી હતી. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૯૯ ટકા ઘટીને બેરલદીઠ ૮૯.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button