શેર બજાર

સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટની પીછેહઠ. જાણો એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક કેમ ગબડ્યા?

નિલેશ વાઘેલા

મુંબઇ: સરહદે યુદ્ધ અને લશ્કરી અથડામણ તથા આક્રમણ અને સીઝફાયર વચ્ચે ઝડપી અને તીવ્ર ઉછાળા અને પછડાટ બાદ હવે બજારમાં થોડી સ્થિરતા આવી રહી છે. પાછલા સત્રના ૧૩૦૦ પોઇન્ટના ઉછાળા બાદ સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ ગબડ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૫,૦૫૦થી નીચે સરકી ગયો હતો. સપ્તાહની શરૂઆતમાં તેજી બાદ અંતિમ સત્રમાં ફાઇનાન્શિયલ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી સેગમેન્ટના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ આવવાથી શુક્રવારે ભારતીય બેન્ચમાર્ક શેરઆંક નીચા સ્તરે બંધ થયા હતા. હાલ યુદ્ધની ગરમાગરમી ઠંડી પડી હોવાથી શેરલક્ષી કામકાજમાં વધારો થયો છે.

બીએસઇ સેન્સેક્સ ૨૦૦.૧૫ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકા ઘટીને ૮૨,૩૩૦.૫૯ પોઇન્ટ પર બંધ થયો છે, જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૫૦ ૪૨.૩૦ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા ઘટીને ૨૫,૦૧૯.૮૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો છે. સેન્સેક્સના ૩૦ શેરોમાં ભારતી એરટેલ, એચસીએલ ટેક્નોલોજીસ, ઇન્ફોસિસ, એસબીઆઇ અને ટેક મહિન્દ્રા ૦.૮૦ ટકાથી ૨.૮૦ ટકા સુધીના કડાકા સાથે ટોપ લૂઝર્સ બન્યા હતા. કંપની પરિણામો એકંદરે બજાર માટે ખાસ પ્રોત્સાહક રહ્યાં નથી.

સિંગટેલ દ્વારા તેનો લગભગ ૧.૨ ટકા હિસ્સો લગભગ ૧.૫ બિલિયન ડોલરમાં વેચાયાના અહેવાલ પછી ભારતી એરટેલમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું અને તેના શેરમાં ૨.૮૧ ટકાનો કડાકો બોલાયો હતો. એ જ રીતે, ઇન્ટર્નલ ઓડિટમાં રૂ. ૫૯૫ કરોડની અપ્રમાણીત રકમ મળી આવી હોવાની જાણ કરનારી ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં સત્ર દરમિયાન છ ટકા જેવો કડાકો જોવા મળ્યો હતો.

પ્રાઇમરી માર્કેટમાં ફરી હલચલ શરૂ થઇ છે. મેઇન બોર્ડમાં બે ભરણા આવી રહ્યા છે. બોરાના વીવ્સ રૂ. ૨૦મી મેના રોજ, જ્યારે બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ૨૧ મે, ૨૦૨૫ ના રોજ મૂડીબજારમાં પ્રવેશ કરશે. મૂડીબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલી એક્વસ લિમિટેડમાં ટોપ કેડરમાં ફેરબદ્લ થઇ છે. એરોસ્પેસ કમ્પોનન્ટ ક્ષેત્રમાં સંપૂર્ણપણે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા પૂરી પાડનારી, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કાર્યરત ભારતની એકમાત્ર પ્રિસિઝન કમ્પોનન્ટ ઉત્પાદક, એક્વસ લિમિટેડે એરોસ્પેસ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે જીન મિશેલ કોન્ડામિનની નિમણૂકની ઔપચારિક જાહેરાત કરી છે.

સેન્સેક્સ પેકમાં એચસીએલ ટેક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, બજાજ ફિનસર્વ, લાર્સન એન્ડ ટુબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાઇટન નેગેટિવ ઝોનમાં સરક્યા હતા, જ્યારે એટર્નલ, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, ટાટા મોટર્સ અને એનટીપીસીમાં સુધારો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button