સેન્સેક્સ એકધારા આઠમા સત્રમાં નેગેટીવ ઝોનમાં ગબડ્યો, ઓટો, બેન્ક અને મેટલના ટેકાએ ઘટાડો મર્યાદિત રાખ્યો | મુંબઈ સમાચાર
શેર બજાર

સેન્સેક્સ એકધારા આઠમા સત્રમાં નેગેટીવ ઝોનમાં ગબડ્યો, ઓટો, બેન્ક અને મેટલના ટેકાએ ઘટાડો મર્યાદિત રાખ્યો

નિલેશ વાઘેલા

મુંબઇ:
એફઆઇઆઇની એકધારી વેચવાલીને કારણે શેરબજારને કળ વળતી નથી. આરબીઆઇના નીતિ નિર્ણય અગાઉની સાવચેતીના માનસ સાથે નકારાત્મક પરિબળો યથાવત્ રહ્યા હોવાથી મંગળવારે પણ નિફ્ટી અને બીએસઈ સેન્સેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા. ક્ધઝ્યુમર, રિયલ્ટી અને આઈટી શેરોમાં વેચવાલીના દબાણને કારણે સતત આઠમા સત્રમાં બેન્ચમાર્કમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, ઓટો, બેંકો અને મેટલ શેરોની લેવાલીએ ઘટાડાને મર્યાદિત રાખ્યો હતો.
માસિક વલણના અંતિમ દિવસે નિરસ હવામાન વચ્ચે નિફ્ટીમાં ૧૪૦ પોઇન્ટની અને સેન્સેક્સમાં ૪૭૦ પોઈન્ટની સાંકડી રેન્જ જોવા મળી હતી. સેન્સેક્સ ૯૭.૩૨ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકા ઘટીને ૮૦,૨૬૭.૬૨ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૮૦,૬૭૭.૮૨ની ઊંચી સપાટી અને ૮૦,૨૦૧.૧૫ની નીચી સપાટીને અથડાયો હતો.

આઠ ટ્રેડિંગ દિવસોમાં, સેન્સેક્સ ૨,૭૪૬.૩૪ પોઈન્ટ અથવા ૩.૩૦ ટકા ઘટી ગયો છે. નિફ્ટી મંગળવારે ૨૩.૮૦ પોઈન્ટ અથવા ૦.૧૦ ટકા ઘટીને ૨૪,૬૧૧.૧૦ પર બંધ થયો છે. નોંધવું રહ્યું કે, અમેરિકન ટેરિફ અને વિઝા ફીની ચિંતાઓ વચ્ચે આઇટી અને ફાર્મા શેરોના ધોવાણ વચ્ચે ભારતીય બજારો પાછલા સપ્તાહને અંતે ૨.૭૦ ટકા જેટલા કડાકા સાથે લગભગ ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા છે.

આ પણ વાંચો: પ્રાઇમરી માર્કેટમાં હાહાકાર: એકસાથે ત્રણ આઇપીઓમાં રોકાણકારોએ નાણાં ગુમાવ્યાં!

ભારતીય રિઝર્વ બેંકના નીતિ પરિણામની જાહેરાત અગાઉ બજારમાં સાવચેતીનું માનસ છે. આરબીઆઇ રેટ ૫.૫૦ના દરે જાળવી રાખે એવી ધારણા છે, પરંતુ અમુક અર્થશાસ્ત્રી માને છે કે આરબીઆઇ સરપ્રાઇઝ રેટકટ જાહેર કરી શકે. ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચવાલીથી સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે. એફઆઈઆઈના સતત આઉટફ્લોને કારણે ઇક્વિટી અને રૂપિયા પર દબાણ વધી રહ્યું છે

બીજી મહત્વની બાબતમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર ચર્ચાઓ અંગેની ચિંતાઓએ પણ મૂડને ઠંડો પાડ્યો હતો. ભારત અને યુએસ હજુ પણ વેપાર સોદાથી થોડા દૂર છે, ટેરિફ રોલબેક એક મુખ્ય મુદ્દો છે,એમ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ રાજદૂત જયંત દાસગુપ્તાએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું.

આ પણ વાંચો: પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે વીસ આઇપીઓ ખડકાશે…

આ સપ્તાહે બજારને અસરકર્તા મુખ્ય પરિબળોમાં આરબીઆઇ નીતિ પરિણામ, યુએસ બજારના સંકેતો, આઇપીઓનો ધસારો, રૂપિયામાં નબળાઈ અને ક્રૂડના ભાવ વલણનો સમાવેશ થાય છે. ૧૯ સપ્ટેમ્બરથી ઇન્ડેક્સમાં ઘટાડો થઈ રહ્યો છે.
ટ્રમ્પે વીઝા ફીના વધારા બાદ ભારત પરના બીજા આક્રમણમાં ફાર્મા પર તોતિંગ ટેરિફ નાખીને ઇક્વિટી બજારનું મોરલ ખરડી નાંખ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી એચ-વન બી વિઝા અરજીઓ પર ૧૦૦,૦૦૦ ડોલરની ફી લાદવામાં આવ્યા બાદ રોકાણકારોમાં સાવચેતીનું સેન્ટિમેન્ટ સર્જાતા આઇટી શેરોમાં કડાકાનો દોર જોવા મળ્યો છે. વિઝાના નિયમોના ફેરફારને કારણે ભારતનું ૨૮૩ અબજ ડોલરના આઇટી આઉટસોર્સિંગ મોડેલ વિક્ષેપિત થવાની ધારણા હોવાનું સાધનોએ જણાવ્યું હતું.

વર્તમાન પરિસ્થિતિમાં વિશ્ર્લેષકો રોકાણકારોને મૂળભૂત રીતે મજબૂત શેરો પર ધ્યાન કેન્દ્રિત કરીને સાવધાની રાખવાનું સૂચન કરે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી મહિનાથી બ્રાન્ડેડ દવાઓ પર ૧૦૦ ટકા ડ્યુટીની જાહેરાત કર્યા પછી ફાર્મા અને આઇટી શેરમાં ભારે વેચવાલી જોવા મળી છે. વર્ષ ૨૦૨૫નું આ સૌથી ખરાબ સપ્તાહ રહ્યું હતું. બજાર હજુ એચવન-બી વિઝામાં કરવામાં આવેલા તોતિંગ વધારાની અસર પચાવી રહ્યા છે, ત્યારે ફાર્મા ટેરિફનો નવો ફતવો આવ્યો છે. બજાર ગુરુવારે, બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ અને દશેરા નિમિત્તે સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે. સપ્તાહ દરમિયાન એફઆઇઆઇએ રૂ. ૧૯,૫૭૦ કરોડનું નેટ સેલીંગ નોંધાવ્યું હતું, જ્યારે ડીઆઇઆઇએ રૂ. ૧૬,૨૦૦ કરોડના ઇક્વિટી શેરની લેવાલી નોંધાવી છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button