સેન્સેક્સે પહેલી વખત ૭૮,૦૦૦ની સપાટી વટાવી, નિફ્ટી નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેન્ચમાર્ક સેન્સેક્સે પ્રથમ વખત ૭૮,૦૦૦ પોઇન્ટની ઐતિહાસિક સપાટી વટાવવામાં સફળતા મેળવી છે, જ્યારે એશિયન બજારોમાં મજબૂત વલણો વચ્ચે બ્લુચિપ બેન્ક શેરો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીને કારણે મંગળવારે નિફ્ટીએ નવા રેકોર્ડ ઊંચા સ્તરે સ્થાન મેળવ્યું હતું.
બીએસઇનો ૩૦ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૭૧૨.૪૪ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા ઉછળીને ૭૮,૦૫૩.૫૨ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટી પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, બેન્ચમાર્ક ૮૨૩.૬૩ પોઈન્ટ અથવા એક ટકા વધીને ૭૮,૧૬૪.૭૧ પોઇન્ટની જીવનકાળની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૧૮૩.૪૫ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકા વધીને ૨૩,૭૨૧.૩૦ પોઇન્ટની રેકોર્ડ બંધ ટોચ પર સેટલ થઈ ગયો હતો. દિવસ દરમિયાન તે ૨૧૬.૩ પોઈન્ટ અથવા ૦.૯૧ ટકા વધીને ૨૩,૭૫૪.૧૫ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યો હતો. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસીસે સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, નેસ્લે, મારુતિ અને જેએસડબ્લ્યુ સ્ટીલ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા.
અદાણી જૂથે ૨૦૨૫માં તેની પોર્ટફોલિયો કંપનીઓમાં રૂ. ૧.૩ લાખ કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ટાટા મોટર્સે કમર્શિઅલ વ્હીક્લ ફાઇનાન્સ માટે બજાજ ફાઇનાન્સ સાથે સહયોગ સાધ્યો છે. અમર રાજા એનર્જી એન્ડ મોબિલિટીની સબસિડરીએ જીઆઇબી એનર્જી સાથે કરાર કર્યા હોવાના સમાચારની ચર્ચા વચ્ચે તેના સેરમાં ૨૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ગ્લેનમાર્ક ફાર્માસ્ુટિકલ્સ અને ઇન્ડિયન એસોશિયેશન ઓફ ડર્મેટોલોજિસ્ટસ, વેનરિઓલોજિસ્ટ એન્ડ લેપ્રલોજિસ્ટ (આઇએડીવીએલ)એ ભારતીય ટપાલ ખાતાના સહયોગ સાથે વિટીલીગોના સપોર્ટમાં જાગરૂકતા વધારવા વીટીલીગો દિન નિમિત્તે ધી પિકચર પોસ્ટકાર્ડ અને કેલેન્ડર જારી કર્યા છે અને આ ત્વચા વિકાર અંગે પરિષદનું આયોજન પણ કર્યું હતું. એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યિો અને હોંગકોંગ પોઝિટિવ ઝોનમાં ઊંચા મથાળે સ્થિર થયા જ્યારે શાંઘાઈ નેગેટીવ ઝોનમાં સરક્યું હતું. યુરોપિયન બજારો ખુલતા સત્રમાં નેગેટીવ ઝોનમાંં ટ્રેડ થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. જ્યારે અમેરિકન શેરબજારોનો અંત સોમવારે મિશ્રિત ટોન સાથેનો રહ્યો હતો. ભારતે માર્ચ ક્વાર્ટરમાં ૫.૭ બિલિયન યુએસ ડોલરની અથવા જીડીપીના ૦.૬ ટકા ચાલુ ખાતાની પુરાંત નોંધાવી હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું. દસ ક્વાર્ટરમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે દેશની બાહ્ય ક્ષમતાનું નિર્ણાયક માપદંડ સરપ્લસ મોડમાં ફેરવાઈ ગયું છે.
બજારના પરિપ્રેક્ષ્યમાં એક સકારાત્મક સમાચાર એ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરમાં ચાલુ ખાતામાં સરપ્લસમાં વધારો થયો છે. આનાથી રૂપિયા પરનું દબાણ દૂર થશે અને જ્યારે ફેડરલ રેટ કટ અંગે સ્પષ્ટતા જાહેર થશે ત્યારે વિદેશી ફંડોના પ્રવાહ માટે માર્ગ મોકળો બનશે, એમ જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટે જણાવ્યું હતું.
ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૪ ટકા ઘટીને ડોલર ઉ ૮૫.૬૩ પ્રતિ બેરલ બોલાયું છે. વિદેશી એક્સચેન્જ ડેટા અનુસાર સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઈ) એ સોમવારે રૂ. ૬૫૩.૯૭ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. સોમવારે બીએસઇ બેન્ચમાર્ક ૧૩૧.૧૮ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા વધીને ૭૭,૩૪૧.૦૮ પર બંધ થયો હતો. નિફ્ટી ૩૬.૭૫ પોઈન્ટ અથવા ૦.૧૬ ટકા વધીને ૨૩,૫૩૭.૮૫ પર સેટલ થયો હતો. બજારનો અંડરટોન મજબૂત છે, પરંતુ કોન્સોલિડેશનનો તબક્કો આગળ વધવાની સંભાવના છે. બજારની નજર અમેરિકાના જીડીપી ડેટા, બેન્ક સ્ટ્રેસ ટેસ્ટના પરિણામ અને સ્થાનિક સ્તરે અંદાજપત્રની અટકળો પર રહેશે. લોકસભાના ઇલેકશન પરિણામની અસર ડિસ્કાઉન્ટ થઇ ગઇ છે અને બજારનું ફોકસ હવે અંદાજપત્ર પર છે, પરંતુ ચોમાસાની નબળી પ્રગતિ સાથે હીટવેવ ચાલુ રહેવાને કારણે સેન્ટિમેન્ટ થોડું દબાયેલું રહ્યું છે.
નવી સરકારના સેટલ થવાની સાથે જ ભારતના શેર બજારમાં સતત બીજા સપ્તાહે તેજીનું વલણ ચાલુ રહ્યુ હતું અને સ્મોલ અને મિડ કેપ શેરોમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બજારની આગામી ચાલનો આધાર મિશ્ર વૈશ્ર્વિક સંકેતો, ચોમાસાની ધીમી પ્રગતિ, આગામી કેન્દ્રીય બજેટ અંગેની અપેક્ષાઓ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ના વલણ પર રહેશે. ૧૯મી જૂને બીએસઈ સેન્સેક્સે ૭૭,૮૫૧.૬૩ની નવા રેકોર્ડ હાઈ બનાવી, જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૧મી જૂને ૨૩,૬૬૭.૧૦ ની રેકોર્ડ હાઈ સપટીએ પહોંચ્યો હતો.
અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કપાતના વિશે કોઈપણ નિર્ણય લેવાનું ટાળ્યું છે અને આ પરિબળ એકંદરે ડિસ્કાઉન્ટ થઇ ગયું છે. ઇન્ફ્લેશનમાં ઘટાડા છતાં ફેડરલ રિઝર્વે સતત સાતમી વાર પોતાની નીતિગત દરોને સ્થિર રાખ્યા છે. નિષ્ણાંતોએ હવે અનુમાન લગાવી રહ્યા છે કે ફેડરલ આ વર્ષ પહેલાના અનુમાનિત ત્રણ દર કપાતની જગ્યાએ ફક્ત એક જ કપાત કરશે. જોકે, બજારોએ ફેડના આ નિર્ણયને પચાવી લીધો છે.