શૅરબજારમાં છેલ્લા કલાકની વેચવાલી છતાં તેજીની આગેકૂચ, સેન્સેકસે વટાવી ૬૬,૦૦૦ની સપાટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. પ્રારંભિક નરમાઇ ખંખેરીને સેન્સેકસ ૬૬,૦૦૦ની સપાટી વટાવી ગયો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં જોરદાર લેવાલીનો ટેકો મળતાં ગુરૂવારના સત્રમાં ભારતીય બ્લુ-ચિપ ઇન્ડેક્સને મજબૂત ટેકો મળ્યો હોવાથી બજારને ઊર્ધ્વ ગતિ મળી છે, જોકે ચાર દિવસની તેજી પછી મેટલ્સ શેરોમાં ઘટાડો થવા સાથે નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની બજાજ ફાઇનાન્સમાં નકારાત્મક કહી શકાય એવી અફાતફડીને કારણે બજારની ગતિ સહેજ ધીમી રહી હતી.
એકંદરે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓઈલ એન્ડ ગેસ, ઓટો અને ફાર્મા શેરોની લેવાલીના ટેકાએ શેરબજાર સતત બીજા સત્રમાં આગળ વધ્યું હતું. મિશ્ર વૈશ્ર્વિક સંકેતો વચ્ચે, બેન્ચમાર્ક સૂચકાંકો નીચા મથાળે ખૂલ્યા, રિકવર થયા અને દિવસ આગળ વધતા ઉંચા ગયા પરંતુ છેલ્લા કલાકની વેચવાલીને કારણે અમુક સુધારો ગુમાવવો પડ્યો હતો.
સત્રને અંતે બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૦૬.૫૫ પોઇન્ટ અથવા તો ૦.૪૭ ટકાના સુધારા સાથે ૬૫,૯૮૨.૪૮ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, એનએસઇનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૮૯.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૪૬ ટકાના સુધારા સાથે ૧૯,૭૬૫.૨૦ પોઇન્ટની સપાટીએ પાછો ફર્યો હતો.
સેન્સેક્સમાં ટીસીએસ ૨.૯૦ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૨.૮૧ ટકા, ટેક મહિન્દ્રા ૨.૭૭ ટકા, ઈન્ફોસિસ ૨.૩૨ ટકા અને બજાજ ફાઈનાન્સ ૧.૯૬ ટકા વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૧.૫૧ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૪૫ ટકા, આઈટીસી ૦.૭૮ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૩ ટકા અને લાર્સન એન્ડ ટુબ્રો ૦.૫૧ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની ૨ કંપનીઓને નીચલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૧૬ કંપનીઓમાંથી ૯ કંપનીઓને ઉપલી અને ૭ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
ટાટા ગ્રુપ લગભગ ૧૯ વર્ષ પછી આઇપીઓ લઈને આવી રહ્યું છે. ટાટા ટેક્નોલોજીએ બુહપ્રતિક્ષિત આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. ૪૭૫-૫૦૦ નક્કી કરી છે. આઇપીઓ માટે, છૂટક રોકાણકારે ઓછામાં ઓછા એક લોટ એટલે કે ૩૦ શેર માટે અરજી કરવી પડશે. આઇપીઓ ૨૨ નવેમ્બરે ખુલશે અને ૨૪ નવેમ્બરે બંધ થશે.
ટાટા ટેક્નોલોજીસ આ આઇપીઓ દ્વારા આશરે રૂ. ૩,૦૪૨ કરોડ એકત્ર કરવા માગે છે. અગાઉ વર્ષ ૨૦૦૪માં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)નો આઇપીઓ આવ્યો હતો. ચાર મહિના પહેલા, કંપનીને માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) દ્વારા આઇપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કંપનીના શેર ૫ ડિસેમ્બરે એનએસઇ અને બીએસઇ પર મુકાશે. કોર્પોરેટ પરિણામમાં ભારતની અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ધસલ્ટન્સી કંપનીઓમાંની એક ધ્રુવ ક્ધસલ્ટન્સીએ નાણાકીય વર્ષ ૨૪ના બીજા ત્રિમાસિકમાં કુલ આવકમાં ૧૩ ટકાનો વધારો નોંધાવ્યો છે. બીજા ત્રિમાસિકના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં કંપનીએ કુલ આવક રૂ. ૨૩.૦૪ કરોડ, એબિટા રૂ. ૪.૨૪ કરોડ અને એબિટા માર્જિન ૧૮.૩૯ ટકા નોંધાવ્યું છે. ઉપરોક્ત સમયગાળામાં કંપનીએ રૂ. ૧.૮૯ કરોડનો ચોખ્ખો નફો અને ૮.૧૯ ટકાનું ચોખ્ખા નફાનું માર્જિન તેમ જ રૂ. ૧.૧૮ની શેરદીઠ કમાણી નોંધાવી છે.
ઇન્ફર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ અગાઉના સત્રમાં ૨.૫૯ ટકા ઉછળ્યા બાદ ગુરૂવારે પ્રારંભિક સત્રમાં જ વધુ ૦.૭૫ ટકા ઊછળ્યો હતો. આઇટી શેરોને હજુ પણ યુએસ આઇટી કંપનીઓના સુધારેલા આઉટલૂકની સેન્ટિમેન્ટલ પોઝિટીવ અસરનો લાભ મળી શકે છે.
પ્રારંભિક તબક્કે ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસમાં ૧.૨૫ ટકા જેટલો વધારો થયો અને તે ટોચના નિફ્ટી ૫૦ ગેનર્સમાં સામેલ થયો હતો. દેશની ટોચની સોફ્ટવેર કંપનીએ તેની ૧૭૦ અબજ રૂપિયાની શેર બાયબેક યોજના માટે ૨૫ નવેમ્બરની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. બજારના સાધનોએ જણાવ્યું હતું કે, સ્તાનિક મેક્રો ઇકોનોમીના મજબીત ડેટા જોતાં બજાર તેની ગતિ જાળવી રાખશે, અમેરિકન બોન્ડની યિલ્ડના ઘટાડા સાથે ડોલર ઇન્ડેક્સના ઉછાળા ઠંડા પડવાથી બજારને ટેકો મળશે. જોકે ચાર સત્રની સતત આગેકૂચ બાદ મેટલ ઇન્ડેક્સ સવારના સત્રમાં ૦.૫ ટકા ગબડ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઇન્ડેક્સમાં ૨.૯૨ ટકાનો વધારો
થયો છે.
વ્યક્તિગત શેરોમાં, બજાજ ફાઇનાન્સમાં ૪.૦૬ ટકા જેટલો ઘટાડો થયો હતો, જે લગભગ આઠ મહિનામાં સૌથી વધુ ઇન્ટ્રા-ડે ટકાવારીની ખોટ હતી. જોકે પાછળથી આ શેર ફરી મૂળ સપાટીએ આવી ગયો હતો અને ફરી ગબડ્યો હતો. ભારતની મધ્યસ્થ બેન્કે કંપનીને બે પ્રોડક્ટ્સ હેઠળ લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી સેન્ટિમેન્ટ બગડતાવા ઘટાડો થયો હતો. બજાજ ફિનસર્વ પણ એ જ રીતે ગબડી ને પાછો ફર્યો હતો.
ઊંચા પુરવઠા અને નબળી માગની ચિંતાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલ દીઠ ૮૦ ડોલરની નજીક આવ્યા બાદ ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ૦.૮ ટકાનો વધારો થયો હતો. ક્રૂડના ભાવમાં ઘટાડો ભારત અને તેની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવા કોમોડિટીના આયાતકારો માટે સકારાત્મક છે. ભારત પેટ્રોલિયમ કોર્પનો શેર નિફ્ટીના ટોચના વધનારા શેરોની યાદીમાં સામેલ હતો. વધુ સ્થાનિક ધોરણે કેન્દ્રિત સ્મોલ અને મિડકેપ્સ અનુક્રમે ૦.૫ ટકા અને ૦.૩૫ ટકા વધ્યા છે, જે બ્લુચિપ્સ કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.