
( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ઇક્વિટી બેન્ચમાર્ક બુધવારે ફરી ગબડ્યા હતા. વૈશ્વિક બજારના નબળા વલણો અને વિદેશી ભંડોળના અવિરત જાવક પ્રવાહને કારણે સ્ટોક માર્કેટમાં ફરી ધબડકો સર્જાયો હતો. સેન્સેકસ ૬૦૦ પોઇન્ટ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯,૪૦૦ની નીચે ઘૂસી ગયો હતો. હજુ પણ ઉથલપાથલ ચાલુ છે.
સેન્સેક્સના ઘટનાર શેરોમાં એનટીપીસી, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, મારુતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા સ્ટીલ અને બજાજ ફિનસર્વ મુખ્ય હતા.
જ્યારે નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી બેંક અને એશિયન પેઈન્ટ્સ વધનારા શેરોમાં સામેલ હતા.
એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને હોંગકોંગ નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે શાંઘાઈ પોઝીટીવ ટેરીટરીમાં ક્વોટ થયા હતા.
મંગળવારે અમેરિકન બજારો એક ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે રૂ. 2,034.14 કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.
વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.10 ટકા ઘટીને 90.83 ડોલર પ્રતિ બેરલ થયું છે. વૈશ્વિક સંકેતો નજીકના ગાળામાં બજારો માટે નકારાત્મક છે.
મંગળવારે સેન્સેકસ 316.31 પોઈન્ટ અથવા 0.48 ટકા ઘટીને 65,512.10 પર સેટલ થયો હતો. નિફ્ટી 109.55 પોઈન્ટ અથવા 0.56 ટકા ઘટીને 19,528.75 પર બંધ થયો હતો.