શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ 79,000ની ઉપર, નિફ્ટી 24,000ની પાર
નિલેશ વાઘેલા
મુંબઈ: સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત 79,000ની સપાટી પાર કરી છે, જ્યારે નિફ્ટીએ ૨૩ સત્રમાં 24,000નું શિખર સર કર્યું છે. સત્રને અંતે સેન્સેક્સ ૫૬૮.૯૩ પોઇન્ટ અથવા તો ૦.૭૨ ટકાના સુધારા સાથે ૭૯,૨૪૩.૧૮ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ અને નિફ્ટી ૧૭૫.૭૦ ૦.૭૪ ટકા અથવા તો ૨૪,૦૪૪.૫૦ પોઇન્ટની નવી વિક્રમી સપાટીએ સ્થિર થયો હતો.
હેવીવેઇટ બ્લુચિપ્સ શેરોની લેવાલી વચ્ચે ગુરુવારે સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી હતી. ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ ધરાવતા શેરોમાં લેવાલીનો પર્યાપ્ત ટેકો મળતાં નિફ્ટીને સત્રના પૂર્વાર્ધમાં જ સત્ર દરમિયાન ૨૪,૦૦૦નો માઇલસ્ટોન વટાવવામાં સફળતા મળી હતી.
એ જ રીતે, ૪૦૦ પોઈન્ટના ઉછાળાને પગલે સેન્સેક્સે પણ નવા રેકોર્ડ ઊંચાઈને સ્પર્શી ૭૯,૦૦૦ની સપાટી વટાવી હતી. જોકે, ઊંચે મથાળે પ્રોફિટ બુકિંગ આવતાં બંને બેન્ચમાર્ક તેમની ઉપરોક્ત સર્વોચ્ચ સપાટીથી સહેજ પાછાં ફર્યા હતા.
એ વાત નોંધવી રહી કે, એનએસઇના બેન્ચમાર્ક નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ માટે ૨૩,૦૦૦થી ૨૪,૦૦૦ પોઇન્ટ સુધીનો તાજેતરનો ૧,૦૦૦ પોઈન્ટનો વધારો એ અત્યાર સુધીનો બીજો સૌથી ઝડપી વધારો છે. નિફ્ટીએ ૧,૦૦૦ પોઈન્ટની આગેકૂચ માટે ૨૩ સત્રનો સમય લીધો છે.
દરમિયાન, ઈન્ડિયા સિમેન્ટમાં ૨૦ ટકા હિસ્સો ખરીદ્યા હોવાના એહેવાલની ચર્ચા બાદ અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ચાર ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. હેવીવેઇટ રિલાયન્સ, એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કનો નિફ્ટીના ઉછાળામાં સૌથી મોટો ફાળો હતો.