સેન્સેક્સ ૭૪,૦૦૦ પાર કરીને પાછો ફર્યો, રોકાણકારોની સંપત્તિમાં ચાર દિવસમાં ₹ ૮.૪૮ લાખ કરોડ ઉમેરાયા
મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત સાથે લેવાલીનો ટેકો જળવાઇ રહેતા શેરબજારમાં બુધવારે સતત ચોથા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીએ આગેકૂચ નોંધાવી હતી. સેન્સેક્સ આ સત્રમાં ૭૪,૦૦૦ પાર કરી પાછો ફર્યો હતો. પાછલા ચાર સત્રની એકધારી આગેકૂચમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૪૮ લાખ કરોડનો ઉમેરો થયો છે.
બીએસઇની માર્કેટ કેપ ફરી એકવાર રૂ.૪૦૦ લાખ કરોડને પાર કરી ગઇ છે. સેન્સેક્સ ૧૧૪.૪૯ પોઇન્ટ અથવા તો ૦.૧૬ ટકાના સુધારા સાથે ૭૩,૮૫૨.૯૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સત્ર દરમિયાન સેન્સેક્સ ૩૮૩.૧૬ પોઇન્ટ અથવા તો ૦.૫૧ ટકાના સુધારા સાથે ૭૪,૧૨૧.૬૧ પોઇન્ટ સુધી આગળ વધ્યો હતો. નિફ્ટી ૩૪.૪૦ પોઇન્ટ અથવા તો ૦.૧૫ ટકાના સુધારા સાથે ૨૨,૪૦૨.૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. બુધવારના સત્રમાં ખાસ કરીને કોમોડિટી અને મેટલ શેરોમાં જોવા મળેલી સારી લેવાલીએ બેન્ચમાર્કને આગળ વધવામાં સહાય કરી હતી, પરંતુ ટેલિકોમ, આઇટી અને ટેકનોલોજી શેરોમાં જોવા મળેલી તીવ્ર વેચવાલીએ આગેકૂચને મર્યાદિત બનાવી હતી.
સેન્સેક્સના શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, કોટક મહિન્દ્રા બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી અને બજાજ ફાઇનાન્સ ટોપ ગેઇનરમાં સામેલ હતા. જ્યારે ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ટેક મહિન્દ્રા, મારુતિ સુઝુકી, રિલાયનસ ઇન્ડસ્ટ્રીઝ અને ટાઇટન ટોપ લુઝર્સ શેરોમાં સમાવિષ્ટ હતા. સેન્સેક્સમાં જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૭૨ ટકા, ટાટા સ્ટીલ ૨.૭૩ ટકા, પાવર ગ્રીડ ૧.૭૫ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૬૪ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૪૮ ટકા વધ્યા હતા જ્યારે ટેક મહિન્દ્રા ૧.૧૭ ટકા, ટીસીએસ ૧.૧૧ ટકા, મારુતિ ૦.૭૨ ટકા, ઈન્ફોસીસ ૦.૬૮ ટકા અને રિલાયન્સ ૦.૬૧ ટકા ઘટ્યા હતા. કુલ ટે્રડેડ શેરોમાં આઠ કંપનીના શેરોેને ઉપલી અને બે કંપનીના શેરોેને નીચલી સર્કીટ લાગી હતી.
એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિઓ, શાંધાઇ અને હોંગકોંગ શેરબજારોમાં પીછહઠ જોવા મળી હતી. વોલ સ્ટ્રીટ સુધારા સાથે બંધ થયું હતું અને યુરોપના મોટાભાગના શેરબજારોમાં ખૂલતા સત્રમાં સુધારો રહ્યો હોવાનો અહેવાલ હતો. ક્રૂડ ઓઇલનો ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૦.૩૫ ટકા ગબડીને બેરલદીઠ ૮૮.૧૧ ડોલર બોલાયો હતો. અમેરિકન બોન્ડની યિલ્ડ ૧૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હોવાથી એફઆઇઆઇની વેચવાલી ચાલુ રહી છે, જોકે વિદેશી ફંડોએ સોમવારે રૂ. ૨,૯૧૫ કરોડની વેચવાલી કરી હતી તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૨૫૦૦ કરોડની લેવાલી નોંધાવીને નિરિક્ષકોને પણ ચોંકાવી દીધા હતા. પાછલા સત્રમાં એફઆઇઆઇએ રૂ. ૩૦૪૪.૫૪ કરોડની વેચવાલી નોંધાવી છે, જ્યારે ડીઆઇઆઇએ રૂ. ૨,૯૧૮.૯૪ કરોડના શેર ખરીદ્યા છે.
પાછલા અઠવાડિયે એફઆઈઆઈએ કેશ સેગમેન્ટમાં રૂ. ૧૧,૮૬૭ કરોડના સ્ટોકનું વેચાણ કર્યું હતું, જે એપ્રિલમાં અત્યાર સુધીમાં કુલ માસિક આઉટફ્લો લગભગ રૂ. ૨૪,૦૦૦ કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે ડીઆઈઆઈએ સપ્તાહ દરમિયાન રૂ. ૧૨,૨૩૩ કરોડના શેરો અને મહિના દરમિયાન રૂ. ૨૪,૫૦૦ કરોડના શેરો ખરીદ્યા હતા. આ દર્શાવે છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આઉટફ્લોની ભરપાઈ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ કરવાનું ચાલુ રાખ્યું છે.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, વોલેટિલિટી ઇન્ડેક્સમાં નોંધાઇ રહેલો ઘટાડો દર્શાવે છે કે સહભાગીઓ નજીકના ગાળાના બજારના ગતિ સકારાત્મક રહેવાનો વિશ્ર્વાસ ધરાવે છે. ફિયર ગેજ ઈન્ડિયા વીઆઇએક્સના સંકેત દર્શાવે છે કે આગામી ૩૦ દિવસમાં નિફ્ટી ૫૦ ઈન્ડેક્સમાં કેટલોક ફેરફાર થવાની ધારણા છે. ઈન્ડિયા વીઆઇએક્સનું નીચું સ્તર એવો સંકેત આપે છે કે, બજાર સ્થિર અને અનુમાનિત છે. બજારના સાધનો અનુસાર ઇરાન અને ઇઝરાયલ હવે શાંત થઇ જતાં ભૌગોલિક રાજકીય તણાવ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધટાડો વહેલો થવાની ધૂંધળી સંભાવનાઓ અંગેની ચિંતાઓ હવે પાછળ રહી ગઈ છે, બજારના સહભાગીઓ ગુણવત્તાયુક્ત શેરો પર દાવ લગાવવા માટે કોર્પોરેટ કમાણીનું નજીકથી અવલોકન કરી રહ્યા છે. મિડ અને સ્મોલકેપ સૂચકાંકોએ બેન્ચમાર્ક કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. એનએસઇનો સ્મોલ કેપ ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. રોકાણકારોની નજર સતત મધ્યપૂર્વની આગામી ઘટનાઓ પર અને તે ઉપરાંત કોર્પોરેટ ક્ષેત્રના નાણાકીય પરિણામ, યુએસ જીડીપીના વૃદ્ધિ અંદાજો પર ધ્યાન છે. રોકાણકારો યુએસ અને ભારતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ પીએમઆઈ ડેટા, યુએસ જીડીપી ડેટા અને જાપાનના (નાણાકીય) નીતિ નિવેદન જેવા આર્થિક ડેટા પોઇન્ટ્સને પણ ટ્રેક કરશે.